- ટ્રાફિકના નિયમોના ભંગ તેમજ ચોરી સહિતના મહિનાઓ જૂના ગુના બદલ વિદ્યાર્થીઓને દેશનિકાલના મળ્યા ઈ-મેઇલ્સ
છેલ્લા કેટલા સમયથી અમેરિકામાં રહેતા ભારતીયો સહિત વિદેશીઓને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અમેરિકા નાનામાં નાના ગુન્હા બદલ પણ વિદ્યાર્થીઓને દેશ નિકાલ કરી રહ્યું છે. એવું લાગી રહ્યું છે જાણે અમેરિકા દેશ નિકાલ કરવા માટે બહાના શોધી રહ્યું છે. કથિત કેમ્પસ એક્ટિવિઝમના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા પછી, યુએસ સત્તાવાળાઓએ હવે નાનામાં નાના ગુનાઓ બદલ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, યુ.એસ.માં ડઝનબંધ ભારતીય વિદ્યાર્થીઓને તેમના નિયુક્ત શાળા અધિકારીઓ તરફથી ઇમેઇલ મળ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમનો એફ-1 વિદ્યાર્થી વિઝા હવે માન્ય નથી અને તેમને તાત્કાલિક દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ઇમેઇલમાં વિદ્યાર્થીઓ પર ભૂતકાળના ગુનાહિત આરોપો જેવા કે રસ્તા પર લેન બદલવા, દારૂ પીને વાહન ચલાવવાથી લઈને દુકાનમાં ચોરી કરવા સુધીના ગુન્હા બદલ દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે.
ઈમેલમાં જણાવ્યું હતું કે “તમારા SEVIS (સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમ, જે એક કાનૂની દસ્તાવેજ છે જેમાં ઇમિગ્રન્ટનો ડેટા સંગ્રહ કરાય છે) રેકોર્ડ સમાપ્ત થવાનો અર્થ એ છે કે તમારી પાસે હવે માન્ય એફ-1 નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ નથી. આનો અર્થ એ છે કે તમને હવે કાયદેસર રીતે યુએસમાં રહેવાની મંજૂરી નથી. ફરીથી, તમારું ફોર્મ આઈ-20 હવે માન્ય નથી. તમારું ઇએડી (રોજગાર અધિકૃતતા દસ્તાવેજ) હવે માન્ય નથી, અને તમારી પાસે હવે કામ કરવાની અધિકૃતતા નથી. જેથી જો તમે યુએસમાં છો, તો તમારે તાત્કાલિક પ્રસ્થાન માટે યોજના બનાવવાની જરૂર પડી શકે છે.”
મિઝોરી, ટેક્સાસ અને નેબ્રાસ્કા સહિત અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને તાજેતરના ઇમેઇલ્સ મળ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી મુજબ, દરેક ગુનાઓ દેશનિકાલ તરફ દોરી શકે છે, પરંતુ યુએસમાં ઇમિગ્રેશન વકીલો કહે છે કે ભૂતકાળમાં, તેઓ ભાગ્યે જ દેશનિકાલમાં પરિણમતા હતા. “દારૂ પીને વાહન ચલાવવા, લેન બદલવા અથવા વધુ ઝડપે વાહન ચલાવવા જેવા ગુનાઓ માટે SEVIS રદ કરવું અત્યંત દુર્લભ છે.
હૈદરાબાદના કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે ગુના ઘણા મહિનાઓ જૂના છે અને તેમણે બધી સંબંધિત કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. ત્યારે એકવાર સજા ભોગવી લીધા બાદ મહિનાઓ પછી આ ગુનાઓ બદલ તેમને સજા મળતા તેઓ હચમચી ગયા હતા. પ્રથમવાર આવા ગુન્હા બદલ SEVIS રદ કરવામા આવ્યા હોવાનું જણાવ્યું હતું.
સ્ટુડન્ટ વિઝા ધરાવતા સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ ભયના ઓથા હેઠળ
- વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષમાં દેશ છોડવાનો ભય
ભારત અને અન્ય સ્થળોએથી અમેરિકામાં રહેતા વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM)ના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષમાં દેશ છોડવાનો ભય રહે છે. ઓપ્શનલ પ્રેક્ટીકલ ટ્રેનિંગ તેમને ગ્રેજ્યુએશન પછી ત્રણ વર્ષ સુધી યુએસમાં રહેવા અને નોકરી શોધવાની મંજૂરી આપે છે. અગાઉના આવા પ્રયાસો નિષ્ફળ ગયા હોવા છતાં, આ બિલ વહીવટીતંત્ર દ્વારા સામૂહિક દેશનિકાલ સહિતના ઇમિગ્રન્ટ વિરોધી પગલાંની શ્રેણી વચ્ચે આવ્યું છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ વિકાસથી હાલના એફ-1 અને એમ-1 વિદ્યાર્થી વિઝા ધારકો ગભરાઈ ગયા છે જેઓ એવી નોકરીઓ માટે ઉતાવળથી અરજી કરી રહ્યા છે જે તેમને એચ-1બી વર્ક વિઝામાં અપાવી શકે છે. ઓપન ડોર્સ 2024 ના અહેવાલ મુજબ, 2023-24 શૈક્ષણિક વર્ષમાં યુએસમાં 300,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ હતા જેમાંથી લગભગ ત્રીજા ભાગના ઓપીટી માટે લાયક હતા.