ટ્રાવેલિંગ દરમિયાન કરવાલાયક કેટલીક મનગમતી પ્રવૃત્તિના નામ આપો. પુસ્તકો વાંચવા, સહપ્રવાસી સાથે ગપ્પા મારવા કે પછી મોબાઈલ પકડીને બેસી જવાથી વિશેષ તમે શું કરી શકશો? લોકલ ટ્રેનમાં આ પ્રશ્ર્નનાં હજારો જવાબો મળી શકે છે
સોશિયલ મીડિયા પર ફક્ત કલાકોની અંદર વાઈરલ થઈ જતાં વીડિયો વિશે શાંતિથી બેસીને વિચારીએ તો સમજાય કે મુંબઈ-દિલ્હીની લોકલ ટ્રેનનો ફાળો આ બાબતે ઘણો મોટો છે. જેના વગર પોણા ભાગનું મુંબઈ અટકી પડે તેવી મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનમાં પ્રતિદિન અંદાજે 75 લાખથી પણ વધુ લોકો સફર કરે છે. વેસ્ટર્ન, સેન્ટ્રલ, હાર્બર લાઈનનાં પાટાઓ પર રાત-દિવસ દોડતી આ ટ્રેનો દરરોજ કેટ-કેટલાય પ્રસંગો-ઘટનાઓની સાક્ષી બને છે. કોઈ એક વીડિયો વ્યક્તિને પસંદ પડી જાય અને તે પોતાનાં સહપ્રવાસીને પણ શેર કરે અને તે વાઈરલ થઈ જાય. સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં તમામ વીડિયોનું મુખ્ય હબ લોકલ ટ્રેન છે એમ કહીએ તો અતિશયોક્તિ નહી ગણાય. આપણામાંથી જે મિત્રોએ જીવનમાં લોકલ ટ્રેનનો અનુભવ લીધો છે, તેમને આજે ખૂબ મજા પડે તેવા યોગ ઉભા થયા છે! (જેમણે લોકલમાં પગ સુધ્ધાં નથી મૂક્યો તેમની મુંબઈ-ટ્રીપ ભવિષ્યમાં વધુ ઉત્તેજનાસભર પુરવાર થશે!!)
હવે એક સાવ સામાન્ય પ્રશ્ન. ટ્રાવેલિંગ દરમિયાન કરવાલાયક કેટલીક મનગમતી પ્રવૃત્તિના નામ આપો. પુસ્તકો વાંચવા, સહપ્રવાસી સાથે ગપ્પા મારવા કે પછી મોબાઈલ પકડીને બેસી જવાથી વિશેષ તમે શું કરી શકશો? લોકલ ટ્રેનમાં આ પ્રશ્નનાં હજારો જવાબો મળી શકે છે.
મોબાઈલ ગેમ્સ :
સૌપ્રથમ તો તાજેતરમાં પ્રખ્યાત થયેલી ‘લુડો’ ગેમ વિશે વાત કરીશુ. નાનપણમાં રમેલી ચાર ખાનાંની ચાર-ચાર કુકરીઓવાળી લુડો ગેમથી આપણે સૌ બરાબર રીતે વાકેફ છીએ. તેનું મોબાઈલ વર્ઝન બહાર આવતાંની સાથે જ મુંબઈકર માટે આ ગેમ ફેવરિટ ટાઈમપાસ બની ગઈ છે. લોકલમાં પ્રવાસ કરનારા ચાર વ્યક્તિ પ્રથમ સ્ટેશનથી લઈને અંતિમ સ્ટેશન સુધી પહોંચે એ દોઢ કલાકમાં તો આખી ગેમ પૂરી પણ થઈ જાય છે. ‘ક્લેશ ઓફ ક્લેન’ અને ‘ચેસ’ જેવી ગેમ પણ પોપ્યુલર છે.
વડાપાંવ :
અચ્છા, મુંબઈની વાત કરીએ અને તેમાં વડાપાંવનો ઉલ્લેખ ન થાય તો એ વસ્તુ દરેક મુંબઈકર માટે ઘણી અપમાનજનક છે. સવાર-સવારમાં નાસ્તો કરવા જેટલો સમય પણ ન હોવાને લીધે ઘેરથી સાત વાગ્યામાં નીકળેલો મુંબઈકર મોટે ભાગે ટ્રેનમાં મળતાં વડાપાંવ કે સમોસાને બ્રેકફાસ્ટ તરીકે લે છે. કેટલાક માટે તો વળી લંચ અને ડિનર પણ સ્ટેશન પરનાં વડાપાંવ જ બને છે.
રશ અવર :
મુંબઈનાં 465 કિલોમીટરનાં વિસ્તારોમાં ફેલાયેલી લોકલ ટ્રેન ત્યાંના રહેવાસીઓ માટે સૌથી સસ્તુ અને ઝડપી ટ્રાન્સપોર્ટેશન છે. ચિક્કાર પૈસા હોવા છતાં કેટલાક લોકો કાર કે રિક્ષાથી મુસાફરી કરવાનું ટાળે છે. જોકે
ટ્રાફિક ફક્ત રોડ-રસ્તા પર જ જોવા મળે તે બિલકુલ જરૂરી નથી. ચર્ચગેટથી લઈને દહાણુ સુધીની વેસ્ટર્ન લાઈન પર ક્યારેક સવારમાં આઠ વાગ્યાનાં સુમારે ઉભા રહી જોજો! વિરારથી ચર્ચગેટ સુધી રવાના થતી ફાસ્ટ ટ્રેનમાં લોકો પોતાનાં જાનનાં જોખમે પણ મુસાફરી કરતા અચકાતાં નથી. આઠથી લઈને સાડા અગિયાર વાગ્યા સુધી બોરીવલી-વિરાર સ્ટેશનો ચિક્કાર ભીડથી ઉભરાતાં હોય છે. આ જ પ્રકારે સાંજે સાડા છથી સાડા નવનો સમય પણ ભરચક છે. સવારે પોતપોતાનાં કામ પર પહોંચવા માટે અને સાંજ પડ્યે વહેલાસર ઘેર પહોંચવા માટે લોકો ટ્રેનનાં દરવાજા પર લટકીને ફક્ત એક હાથે ટ્રેનનો દરવાજો પકડીને ઉભા રહે છે. પરિણામસ્વરૂપ, દરરોજ કંઈ કેટલાય મુંબઈકર ઈજા-અકસ્માતો અને મૃત્યુનો કારમો ભોગ બને છે. રશ અવરમાં આવા સ્ટેશનોને ઉપરથી જોવામાં આવે તો ખીચોખીચ ભરેલા એકબીજા સાથે અથડાતાં-કૂટાતાં માણસો જ નજરે ચડે. એલફિન્સ્ટન રોડ દુર્ઘટના, આવા જ એક રશ અવરનો ભોગ બનેલી લોકોની વેદના હતી!
ઈનસાઈડ ધ લોકલ :
ફર્સ્ટ ક્લાસ અને સેક્ધડ ક્લાસનાં ડબાઓમાં ચડતાં માણસો પણ વેરાયટીયુક્ત હોય છે. સેક્ધડ ક્લાસ કરતાં લગભગ સાત ગણો ભાવ ટિકીટનો ભાવ ચૂકવતાં ફર્સ્ટ ક્લાસ મુસાફરોની તહેઝીબ જોઈને ઘણીવાર મિડલ-ક્લાસ લોકો પર માન થઈ આવે સાહેબ! સેક્ધડ ક્લાસમાં જ્યાં લોકો સાંકડી જગ્યામાં પણ એડજસ્ટ કરી ચાર વ્યક્તિને એકસાથે સીટ પર બેસવા દે છે ત્યાં ફર્સ્ટ ક્લાસમાં વૃધ્ધ વ્યક્તિની હાજરી હોવા છતાં તેમને સીટ પર બેસવા દેવા માટે કોઈ પ્રવાસી પોતાની જગ્યા છોડવા રાજી થતો નથી. સીનિયર સીટિઝનને જેટલુ મહત્વ સેક્ધડ ક્લાસમાં અપાય છે તેનાં કરતાં ઘણું ઓછું ફર્સ્ટ ક્લાસમાં આપવામાં આવે છે.
બીજી એક ખાસ વાત. રશ અવર દરમિયાન ટ્રેનનાં દરવાજા પર લટકી રહેલાં સાવ અજાણ્યા માણસને અકસ્માતથી બચાવવા માટે વ્યક્તિ જરૂર પડ્યે સહપ્રવાસી સાથે ઝઘડો કરી લેવામાં અચકાતો નથી. 2015 સુધીમાં લેવાયેલા રિપોર્ટ પ્રમાણે, પાછલા દસ વર્ષોમાં હજારો વ્યક્તિઓએ પોતાની બેદરકારીને લીધે જાન ગુમાવી છે. 6989 વ્યક્તિઓએ ટ્રેનનાં દરવાજા પરથી બહાર પડી જવાને લીધે અને 22,289 માણસો રેલ્વે-ટ્રેક પર ટ્રેનનાં આગમનથી અજાણપણે ચાલતા હોવાથી જાન ખોવાનો વારો આવ્યો છે! કિન્નરો અને બાળકોને ભીખ માંગવા માટે લોકલ ટ્રેન એક હાથવગું સાધન બની રહે છે. ચાલુ ગાડીએ અચાનક કોઈ કિન્નર આવીને માથા પર હાથ ફેરવે તથા ભીખ માંગે એ અહીં હવે પ્રવાસીઓ માટે સાવ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણા-ખરા તો પોતાનાં મોબાઈલ તેમજ ઈયર-ફોનમાં એવા તો ડૂબેલા હોય છે કે તેમનાં તરફ ધ્યાન આપવાની તેઓ દરકાર સુધ્ધાં નથી લેતાં. આ ઉપરાંત, મોબાઈલ એસેસરિઝ સહિતની વિવિધ વસ્તુઓ વેચતાં ફેરિયાઓ પણ ખરા જ! (વીસ-ત્રીસ રૂપિયામાં મળતો ડેટા-કેબલ કે પચાસ રૂપિયાનાં ચાઈનીઝ ઈયર ફોન ફક્ત પાંચ-છ દિવસનાં જ મહેમાન હોય છે એમ સ્વાનુભવ કહે છે!)
ભજન-મંડળી :
સ્વાભાવિક છે કે સમયની ખેંચ હોવાને લીધે જ્યાં માણસો બ્રેકફાસ્ટ કરવા સુધીની રાહ પણ નથી જોઈ શકતાં ત્યાં વળી પ્રભુનું નામ લેવાની તો વાત જ ક્યાંથી!? મુંબઈકરે આ સમસ્યાનું પણ સમાધાન શોધી કાઢ્યું છે! સવાર-સાંજનાં રશ અવર દરમિયાન યુવાન-વૃધ્ધ દરેક વ્યક્તિ મળીને ટ્રેનમાં ટોળકી બનાવીને ભજન ગાય છે. એની ભાષા કોઈ પણ હોઈ શકે. (મોટે ભાગે આજ સુધીમાં મરાઠી ભજનો જ વધુ સંભળાયા છે.) મંજીરા-કરતાલ-ઝાંઝપખાજ જેવા ટ્રેડિશનલ મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ સાથે ગવાતાં આ ભક્તિ-ગીતો આખા દિવસનાં થાકને ઉતારી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
ચીટ-ચેટ :
તમારી સાથે વાત કરવા માટે કોઈ સહ-પ્રવાસી હોય તો તો ઠીક. પણ ન હોય તો આજ કાલ જીઓનાં સીમ કાર્ડ થકી મુંબઈકરનો લોકલ ટ્રેનનો સમય આરામથી પસાર થઈ જાય છે. એમાં વળી તમે બોરીવલી સુધી પ્રવાસ કરતાં હો તો બરાબર પણ એનાથી આગળ જાઓ અને જેમ-જેમ વિરાર નજીક આવતું જાય તેમ-તેમ જીઓ સહિત દરેક ફોનનાં સિગ્નલ કપાવા માંડે! અફસોસની સાથે કહેવું પડે છે કે આ અડધો કલાક દરમિયાન લોકો એકબીજાનું મોં તાકવા સિવાય બીજું ખાસ કશુ કરી નથી શકતા.
તો આ છે મુંબઈ લોકલની ગાથા! આકરી દોડ-ભાગ અને એકબીજાનાં પરસેવાની ગંધ નાકમાં ઘુસી જાય એ હદ્દે પ્રવાસીઓની ભીડ હોવા છતાં મુંબઈવાસી માટે લોકલ ટ્રેન અત્યંત સગવડરૂપ છે. રાતે પોણા ત્રણથી સવા ચાર (ફક્ત દોઢ કલાક) સુધી બંધ રહેતી મુંબઈ લોકલ વર્ષોથી અવિરતપણે દોડતી રહી છે. વરસાદની મોસમમાં ફરજિયાતપણે અટકાવી પડતી આ ટ્રેનો ગમે તેવી આકરી પરિસ્થિતિઓમાં પણ એક દિવસથી વધુ સમય સુધી બંધ પડી રહેલી હોય તેવું નોંધાયુ નથી. ભવિષ્યમાં ક્યારેય પણ મુંબઈ જવાનું થાય તો લોકલનો લ્હાવો લેવાનું ચૂકતાં નહી.
મુંબઈ રેલવે-સિસ્ટમ કુલ 465 કિલોમીટરનાં વિસ્તારમાં પથરાયેલી છે
(મુંબઈથી પુણે જઈને પરત ફરો તેનાં કરતાં પણ વધુ અંતર!)
- દિવસ દરમિયાન 2342 ટ્રેનનું સંચાલન.
- દરરોજનાં 75 લાખથી વધુ પ્રવાસી (ભૂતાનની કુલ વસ્તી કરતાં દસ ગણા વધુ)
- લોકલ ટ્રેનનાં રેલ્વે-ટ્રેક ફક્ત 90 મિનિટ માટે શાંત થાય છે! (રાતે 45થી સવારે 4.15 સુધી)
- મુંબઈનાં પ્રખ્યાત ‘ડબ્બાવાલા’ (ટીફિન સર્વિસ) ટ્રેનમાં આવનજાવન કરે છે. જેનાં લીધે દિવસનાં હજારો માણસોનું પેટ ભરાય છે.
- 2006નાં લોકલ ટ્રેન સીરિયલ બોમ્બ બ્લાસ્ટ વખતે પણ લોકલ ટ્રેન ફક્ત ત્રણ કલાકની અંદર જ શરૂ કરી દેવામાં આવી હતી.