જય વિરાણી, કેશોદ:
કાકીડાની જેમ કલર બદલતા કોરોના સામે કાયમી રક્ષણ મેળવવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો, ડોક્ટરો તેમજ વૈશ્વિક સંગઠનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વૈશ્વિક મહામારીને નાબૂદ કરવા હાલ રસી અને નિયમ પાલન જ એક અમોઘ અસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે. ત્યારે ઝડપી વેક્સિનેશન થવું જરૂરી બન્યું છે. તેવા સંજોગોમાં કેશોદ પંથકમાં દિવાળી તહેવારોમાં રસી લીધા બાદ તાવ આવવાની બીકે કોઈએ ડોઝ ન લેતા વેક્સિનેશનની કામગીરી ધીમી પડી હતી.
બીમાર પડવાના ભયે લોકો બીજો ડોઝ લેવા ન જતાં તંત્રએ સામે ચાલી ‘કોરોના કવચ’ આપ્યું હતું. અર્બન વિભાગ- કેશોદ પાલીકાના સહયોગથી એમ્બ્યુલન્સની મદદ લઇ શરદચોક, ચારચોક, શેખ ગેરેજ, બરસાના સોસાયટી, વેરાવળ રોડ, આંબાવાડી સહિતના અનેક વિસ્તારોમાં વેક્સિન આપવામાં આવી હતી. આથી ધંધા રોજગારમાં વ્યસ્ત લોકોએ એમ્બ્યુલન્સ મારફત રસી મેળવી હતી. આથી લોકો સુધી પહોચી લોકોનો સમય બચે અને વેક્સિન લેતાં જીંદગી બચે તેથી આ વેક્સિનેશનની કામગીરીની વેપારીઓએ પ્રશંસા કરી હતી.
કેશોદમાં એમ્બ્યુલન્સની મદદથી કુલ 6000 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનના પ્રથમ ડોઝથી આમૂક લોકો સીવાય લગભગ 100 ટકા વક્સિનેસનની કામગીરી પૂર્ણ કરી હતી. લોકોને વેક્સિન આપવા હેલ્થ વિભાગ દિવસ રાત કામ કરી રહ્યું છે.