- રાજયમાં કોંગ્રેસ દ્વારા પણ નીટની પરીક્ષાને લઇને પ્રશ્નનો ઊઠાવવામાં આવ્યા હતા
ધો.12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના કોર્સમાં પ્રવેશ માટે ગઇકાલે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયુ હોવાની વાતો વહેતી થતાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે ઉત્તેજના ફેલાયેલી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પેપર લીક થયુ ન હોવાની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. આમછતાં આ મુદ્દે હાલ ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશના 4750 કેન્દ્રો પરથી નીટની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા પૂરી થયા બાદ પ્રશ્નપત્ર ફૂટી ગયુ હોવાની વિગતો વહેતી થતાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે દ્વિધાભરી સ્થિતિ ઊભી થઇ હતી. દેશના જુદા જુદા રાજયોમાં નીટનું પ્રશ્નપત્ર ફૂટ્યુ હોવાની વાતો વહેતી થતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાજસ્થાનમાં સવાઇ માધોપુરના એક કેન્દ્રમાં કેન્દ્ર અધિક્ષક દ્વારા નીટ પ્રશ્નપત્ર ખોટુ આપવામાં આવ્યું હતુ. એટલે કે એક માધ્યમના વિદ્યાર્થીઓને અન્ય માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતુ. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ બળજબરીથી પ્રશ્નપત્ર બહાર લઇ ગયા હતા. આ પરીક્ષા કેન્દ્ર સિવાય અન્ય કેન્દ્ર પર પરીક્ષાને કોઇ અસર થઇ નથી.
પરીક્ષા શરૂ થયા પછી આ પ્રશ્નપત્ર બહાર ગયુ હોવાથી અન્ય પરીક્ષાને કોઇ અસર થઇ નથી. આ ઉપરાંત જે કેન્દ્ર પર વિદ્યાર્થીઓને અન્ય માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતુ તેમને પણ નવેસરથી પ્રશ્નપત્ર આપીને રવિવારે જ પરીક્ષા લેવામાં આવી હતી. આમ, પરીક્ષાના પેપરલીકની વાત બિલકુલ ખોટી છે. જોકે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્પષ્ટતા પછી પણ સોશ્યિલ મિડીયામાં ભારે હોબાળો શરૂ થયું હતુ. રાજયમાં કોંગ્રેસ દ્વારા પણ નીટની પરીક્ષાને લઇને પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, 25 વર્ષથી ભાજપ સરકારમાં મોટાપાયે ગોલમાલએ સિધ્ધિ બની ગઇ છે. ગુજરાતમાં 14 કરતાં વધુ વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટાભાગની સરકારી નોકરી માટની પરીક્ષામાં ભરતીમાં ગેરરીતિ-ગોલમાલ, પેપરલીક એ સામાન્ય ઘટના બની ગઇ છે. ધો.12 પછી વિદ્યાર્થીઓ નીટ કરવા માટે ભારે મહેનત કરતાં હોય છે. ડોક્ટર બનવા પ્રયાસ કરતાં વિદ્યાર્થીઓ હોય, સરકારી નોકરી માટે મહેનત કરતાં યુવાનો હોય દરેક માટે કેન્દ્ર સરકાર અભિશાપરૂપ સાબિત થઇ રહી છે. યુવાનોને પેપરલીક જેવી ઘટનાથી બચાવવા માટે કાયદો ઘડવો જોઇએ તેવી પણ માગણી કરવામાં હતી.