સ્ટેજ પરથી આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડીયાએ ભાજપની વાહ-વાહી અને પ્રચાર શરૂ કરતા વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનો ઉગ્ર વિરોધ
સમિતિએ સુચવેલા અનેક કામો સ્મારક ભવનમાં ન થયા હોવાનો પણ આક્ષેપ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૧૪માં જિલ્લા ગાર્ડન ખાતે કરોડોના ખર્ચે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરનું ભવ્ય સ્મારક અને લાયબ્રેરી બનાવવામાં આવી છે જેનું ઉદઘાટન આજે રાજય સરકારના મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવનાર હતું. જોકે અકળ કારણોસર લોકાર્પણ પ્રસંગમાં મંત્રી ગેરહાજર રહ્યા હતા. બીજી તરફ સ્ટેજ પરથી ભાજપની વાહ-વાહી અને પ્રચાર શ‚ થતા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. નિમંત્રણ પત્રિકામાં બાબા સાહેબનો ફોટો છાપવાનું ભુલી જવાતા કેટલાક કાર્યકરોએ પણ ઉદઘાટન સ્થળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આજે કોર્પોરેશન દ્વારા જિલ્લા ગાર્ડન ખાતે બનેલા આંબેડકર સ્મારક અને વાંચનાલયનું લોકાર્પણ રાજય સરકારના મંત્રી ઈશ્વભાઈ પરમારના હસ્તે રાખવામાં આવ્યું હતું જોકે કોઈ કારણોસર મંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકયા ન હતા. મંત્રી ગેરહાજર હોવા પાછળનું મેયરે એવું કારણ આપ્યું હતું કે, ઈશ્વભાઈ પરમારની તબિયત ખુબ જ ખરાબ હોવાના કારણે તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકયા ન હતા. બીજી તરફ વિપક્ષી નેતાએ મંત્રીની ગેરહાજરી માટે એવું કારણ રજુ કર્યું હતું કે, લોકાર્પણની નિમંત્રણ પત્રિકામાં ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીર છાપવાનું ભુલી ગયાનો વિવાદ ઉભો થતા મંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા.
આ વિવાદના કારણે આજે ઉદઘાટન સ્થળે કેટલાક કાર્યકરોએ ભાજપ વિરુઘ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા હતા જોકે તેઓને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ શાંત બેસાડી દીધા હતા. ઉદઘાટન બાદ સ્ટેજ પરથી પરથી ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડીયાએ ભાજપની વાહ-વાહી અને પ્રચાર શરૂ કરી દીધો હતો. તેઓએ એવું કહ્યું હતું કે, બાબા સાહેબ આંબેડકરની જન્મભૂમિ, કર્મભૂમિ, શિક્ષણભૂમિ અને તેઓએ જયાં બૌઘ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તે તમામ સ્થળને ભાજપે જ ડેવલોપ કર્યા છે. તેઓના આ શબ્દો સામે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ ઉગ્ર વિરોધ નોંધાવી એવી ટકોર કરી હતી કે, બાબા સાહેબ આંબેડકરના સ્મારક માટે જે પાંચ સ્થળ છે તેનો વિકાસ ભાજપનો જન્મ પણ નહોતો થયો ત્યારે થઈ ચુકયો છે માટે ખોટી વાહ-વાહી કરવાનું બંધ કરો.
દરમિયાન વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ પત્રકાર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આંબેડકર સ્મારકના નિર્માણ માટે ૬ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી હતી. આ ૬ સભ્યોએ અલગ-અલગ મહાનુભાવોના સ્મારકમની વિઝીટ લઈ અમુક સુચનો કર્યા હતા જેવા કે ગુંબજ બનાવવું, આંબેડકરજીની પૂર્ણ કદની પ્રતિમા મુકવી, સ્મારક ભવન નામ સ્ટીલના અક્ષરોથી લખવું, સ્વીચ દબાવવાની સાથે આંબેડકરજીની પ્રતિમા પર ફુલ કે પાણીનો અભિષેક થાય તેવી વ્યવસ્થા કરવી સહિતના અનેક સુચનોનું પાલન કરવામાં આવ્યું નથી.
આટલું જ નહીં સમિતિમાં જે સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેને આજ કાર્પણ પ્રસંગે આમંત્રણ પાઠવવામાં આવ્યું ન હતું. આંબેડકરજીના કોઈપણ કાર્યક્રમનો કયારેય અમે વિરોધ ન કરીએ પરંતુ સ્ટેજ પરથી જે રીતે ભાજપનો પ્રચાર શરૂ થઈ ગયો હતો અને ભાજપની વાહ-વાહી શરૂ થઈ તેનો વિરોધ કર્યો હતો. કમિશનરને પણ એવી તાકીદ કરવામાં આવી છે કે સ્મારક ભવનમાં બાકી રહેતું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તો જનઆંદોલન છેડાશે.