આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ભારતીય સંવિધાનના શિલ્પકાર ડો. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી અને સન્માનપૂર્વક ઉજવવામાં આવે છે. 1891માં આ દિવસે બાબાસાહેબ આંબેડકરનો જન્મ થયો હતો. તેઓ ન ફક્ત મહાન સમાજ સુધારક અને કાયદના જાણકાર હતા. પણ તેમણે દેશને એક એવું સંવિધાન આપ્યું જે આજે પણ લોકતંત્રનો મજબૂત પાયો બનેલો છે.
ભારતમાં આજે એટલે કે સોમવાર, 14 એપ્રિલ 2025ના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ આ ખાસ દિવસના ઇતિહાસ અને મહત્વ વિશે….
આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલે, દેશભરમાં ખૂબ જ આદર અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસને ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ તરીકે યાદ કરવામાં આવે છે. તેમજ તેઓ એક મહાન સમાજ સુધારક, બંધારણ ઘડવૈયા અને લાખો લોકોના અધિકારો માટે લડનારા નેતા હતા.
ડૉ. આંબેડકર કોણ હતા?
ડૉ. આંબેડકર (ડૉ. બાબાસાહેબ આંબેડકર)નો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુમાં એક મહાર પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમણે અસ્પૃશ્યતા, ભેદભાવ અને સામાજિક અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેણે હાર ન માની અને અભ્યાસને પોતાનું હથિયાર બનાવ્યું. આ ઉપરાંત તેમણે કોલંબિયા યુનિવર્સિટી (અમેરિકા) અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (ઇંગ્લેન્ડ)માં અભ્યાસ કર્યો હતો. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આંબેડકર જયંતિ શા માટે ઉજવવામાં આવે છે?
આંબેડકરનો જન્મદિવસ 14 એપ્રિલે થયો હતો. તેથી આ દિવસ દર વર્ષે આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ ફક્ત જન્મદિવસ નથી, પરંતુ સમાનતા અને સામાજિક ન્યાયના વિચારોને યાદ કરવાનો દિવસ છે. આ દિવસે, દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કાર્યક્રમો યોજવામાં આવે છે, રેલીઓ અને સભાઓનું આયોજન કરવામાં આવે છે, નેતાઓ અને સામાન્ય લોકો તેમની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરે છે.
આજે પણ આપણા સમાજમાં જાતિ, ગરીબી અને અસમાનતા જેવી સમસ્યાઓ છે. ડૉ. આંબેડકરનું સ્વપ્ન એક એવું ભારત હતું. જ્યાં દરેક વ્યક્તિને સમાન સન્માન, તક અને ન્યાય મળે. તેમનું માનવું હતું કે લોકશાહીનો અર્થ ફક્ત મતદાન કરવાનો નથી, પરંતુ દરેક માનવીને – પછી ભલે તે અમીર હોય કે ગરીબ, સ્ત્રી હોય કે દલિત – સમાન અધિકારો આપવાનો છે. તેમના વિચાર આજે પણ એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા આઝાદી સમયે હતા.