એન્ટાલિયા બિલ્ડીંગમાં છઠ્ઠા માળે અગાસીમાં ગઈરાત્રે ભભૂકેલી આગ કાબુમાં: કોઈ જાનહાની નહીં
ગઈકાલે રાત્રે ૯ વાગ્યાની આસપાસ મુંબઈ ફાયર બ્રિગેડને દક્ષિણ મુંબઈના એન્ટાલીયા બિલ્ડીંગમાં આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો. જેના માલિક મુકેશ અંબાણી છે અને જેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. આ આગ છતના ભાગમાં ભભૂકી ઉઠી હતી. એવુ ચીફ ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતુ તેમજ આ આગને બુજાવવાની કામગીરી ત્વરિત હાથ ધરાતા પરિસ્થિતિ કાબુમાં આવી હતી.
ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ રશ્મિ કરડીકરે કહ્યું હતુ કે આ આગ એન્ટાલિયા બિલ્ડીંગના છઠ્ઠા માળ પર લાગી હતી પરંતુ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા હાલ ઘટના સ્થળની સ્થિતિ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે.
આ અંગેની માહિતી ફોન દ્વારા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ ને મળતા ફાયર ફાયટરો સાથે ગાડીઓને તાકિદે ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી આગ ભભૂકી ઉઠતા બિલ્ડીંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે ફાયર ફાઈટરદ્વારા આગના સ્થળ પર સત્વરે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ આ બિલ્ડીંગના છઠ્ઠા માળના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
આગ પ્રચંડ ‚પ ધારણ કરે તે પહેલા બુઝાવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી તેમજ પોલીસે આ મામલાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી હતી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
આ ઘટનામા કોઈ જાનહાની સામે આવી ન હતી. પરંતુ કેટલા ભાગમાં નુકશાની થઈ હતી તે નુકશાની અગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.