ભવિષ્યની જરૂરિયાતો સમજી સૌર ઉર્જા થકી ગ્રીન ડેવલપમેન્ટ માટે ઔધોગિક કંપનીઓની કવાયત
સુર્ય ઉર્જા ક્ષેત્રે રૂ.75 હજાર કરોડના રોકાણના મોટા એલાન બાદ હવે શાપુરજી પાલોનજી ગ્રુપ સાથે રૂ.3630 કરોડના કરાર કરતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
આજના સમયે ઔદ્યોગિક વિકાસ તો ઝડપભેર વધ્યો છે પરંતુ આ સાથે “પર્યાવરણનું રક્ષણ” પણ એક મહત્વનું અને અવગણી ન શકાય તેવું પરિબળ બન્યું છે. જો હવે અવગણીશું અને વધતા જતા પ્રદુષણને રોકીશું નહીં તો હાલની જે સ્થિતિ છે તેના કરતા પણ ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે. આથી ગ્રીન ડેવલપમેન્ટ પણ એક મહત્વનો મુદ્દો બન્યો છે. આ તરફ ધ્યાન દોરીશું તો જ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ શક્ય બનશે.
આ તરફ મહત્વનું ધ્યાન દોરી દેશની ટોચની કંપની રિલાયન્સ ઉર્જા ક્ષેત્રે ભારતને સોલારથી સક્ષમ બનાવવા મેદાને ઉતરી છે. થોડો સમય અગાઉ ભારતના ટોચના ધનકુબેર મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે તે 75 હજાર કરોડના રોકાણ થકી ભારતમાં નવા પ્રોજેક્ટ્સ શરૂ કરશે અને ભારતને સૂર્ય ઉર્જામાં વિશ્વમહારથી બનાવવાના મોદી સરકારના લક્ષ્યાંકને વધુ વેગ આપવામાં મદદ કરશે.
આ મોટા એલાનના થોડાં સમય બાદ જ એટલે કે હાલમાં ઉર્જા ક્ષેત્રે મહારથી બનવા રિલાયન્સે શાપૂરજી પાલોનજી (એસપી) ગ્રુપ સાથે અતિમહ્ત્વના કરાર કર્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ 3,630 કરોડ રૂપિયામાં ખુર્શીદ યાઝદી દરુવાલા પરિવાર સાથે સંયુક્ત સાહસ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારમાં 40 ટકા હિસ્સો ખરીદી લીધો છે. આ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર એનર્જી ઉત્પાદિત કરતી કંપની છે.
જણાવી દઈએ કે આ મલ્ટી-સ્ટેજ ડીલ સાથે, એસપી ગ્રુપે એક મહિનાની અંદર તેની બીજી નોંધપાત્ર સંપત્તિ વેચી દીધી છે. અગાઉ, શાપૂરજી પાલોનજી ગ્રુપે યુરેકા ફોર્બ્સ માટે યુએસ પ્રાઇવેટ ઇક્વિટી કંપની એડવેન્ટ ઇન્ટરનેશનલ સાથે રૂ .4,400 કરોડનો સોદો કર્યો હતો. બીજી બાજુ, એક જ દિવસમાં રિલાયન્સ માટે આ બીજું સોલાર એક્વિઝિશન છે. રિલાયન્સે નોર્વેજીયન સોલાર પેનલ ઉત્પાદક આરઆઇસી સોલર હોલ્ડિંગ્સને ચાઇના નેશનલ બ્લુસ્ટાર ગ્રુપ કંપની પાસેથી 771 મિલિયન ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી.
આમ, આ સૌર ઊર્જા ઉત્પાદિત કરતી કંપનીઓનો હિસ્સો ખરીદતા રિલાયન્સ કઈ ગતિ અને રણનીતિ સાથે ઉર્જા ક્ષેત્રે આગળ ધપી રહી છે તેનો અંદાજો લગાવી શકાય છે. આ ડીલ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર, શાપુરજી પલોનજી એન્ડ કંપની, ખુર્શીદ દારુવાલા અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર વચ્ચે છે. સોદાના પ્રથમ તબક્કામાં, રિલાયન્સ ન્યૂ એનર્જી સોલારને રૂ. 375 પર 2.93 કરોડ ઇક્વિટી શેર (15.46 ટકા હિસ્સાની સમકક્ષ)ની પ્રેફરન્શિયલ ફાળવણી મળશે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે વર્ષ 2022 સુધીમાં 175 ગીગા વોટ સોર ઉર્જા ઉત્પાદિત ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય સેવ્યું છે. સરકારના આ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં રિલાયન્સ મોટો ફાળો ભજવશે. મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ઓછામાં ઓછી 100,000 મેગાવોટ સોલર પાવર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવા સાથે કાર્બન ફાઇબર પ્લાન્ટમાં પણ રોકાણ કરશે. આનાથી સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા 80 ટકા સુધી વધશે. આ સાથે કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો કરવામાં મદદ મળશે.