- અનંત અંબાણીના લગ્નમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનોને આપ્યું આમંત્રણ
- અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન
જામનગર ન્યુઝ: જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે રાત્રે જોગવડ ગામમાં સમુહભોજન અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યાં હતા. ગામલોકોએ હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. તેમજ મુકેશ અંબાણીએ મેસુબનો અને ભજીયાનો સ્વાદ માણ્યો હતો. અંબાણી પરિવારનો અસ્સલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો.
લગનમાં ભોજનનો સ્વાદ માણતા મુકેશ અંબાણી
મૂકેશ અંબાણીએ કહ્યું- આ તો અંબાણીના ભજીયા છે અને મને ભજીયા બહુ ભાવે છે.
જોગવડ ગામે મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ, રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યાં હતા.
અનંત અંબાણીનું ગ્રામજનો દ્વારા ઢોલ-શરણાઈ વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલારના લોકોએ ખાસ અનંત અંબાણીને હાલારી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. ગુજરાતના પ્રખ્યાત લોકગાયકો દ્વારા લોકડાયરાની રંગત જમાવી હતી.
કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવી રાત્રિભોજન બાદ, ઉપસ્થિત સહુકોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરાયા હતા, જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત, ‘માનવ સેવા એ જ માધવ સેવા’ – ‘માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે’ને ચરિતાર્થ કરી હતી. આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખતા, તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભપ્રસંગની શરૂઆત કરવાની પરંપરાને નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને સુદૃઢ બનાવી છે.
સાગર સંઘાણી