ચીનાઓને ઓવરટેક કરી વધુ “રિચ” થતા ભારતીયો…. એશિયા  ખંડમાં ભારતીય ધનકુબેરોનો દબદબો વધતો જઈ રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. તેમણે જેક મા અને ઝોંગ શાંશેન જેવા મોટા ચીની ઉદ્યોગપતિઓને પણ પાછળ રાખી દીધા છે. આરઆઈએલ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતમાં દેશની સૌથી મોટી કંપની છે. જ્યારે ગૌતમ અદાણીનું ગ્રુપ દેશમાં સૌથી ઝડપથી વિકસતું વ્યવસાયિક સંગઠન બન્યું છે.

એશિયાઈ ધનકુબેરોમાં ચીનાઓને પાછળ છોડી ભારતીયોનો દબદબો મુકેશ અંબાણી વૈશ્ર્વિક અમીરોમાં 12મા અને ગૌતમ અદાણી 14મા સ્થાને

બ્લૂમબર્ગના સૂચકાંક અનુસાર, અંબાણી વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની સંપત્તિ 84 અબજ ડોલરથી વધુ વધી ગઈ છે. 2021માં અત્યાર સુધીમાં અંબાણીની સંપત્તિમાં 7.62 અબજ ડોલરનો વધારો થયો છે. જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ 77 અબજ ડોલરને પાર કરી ગઈ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 43.2 અબજ ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ, તે વિશ્વના 14માં ધનિક વ્યક્તિ છે.

આવક વધવા પાછળનું મોટું કારણ શું ??

અંબાણી-અદાણીની આવક વધવા પાછળ મોટું કારણ તેમના શેરની કિંમતોમાં થયેલો વધારો છે. આ વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેરનો ભાવ 12 ટકા વધીને રૂ. 2,215.80 થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક 18 મીડિયા અને રોકાણોમાં અનુક્રમે 40 ટકા અને 45 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે અદાણી ગ્રુપની ઘણી કંપનીઓના શેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. અદાણી ગ્રુપની કંપનીઓમાં, અદાણી ટોટલ ગેસનો શેર ચાલુ વર્ષે 335 ટકા વધ્યો છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ આ શેરની કિંમત રૂપિયા 374.9 હતી. 11 જૂને શેરની કિંમત 1,625.8 રૂપિયા હતી.

અદાણી ટ્રાન્સમિશનનો શેર 264% વધ્યો છે. આ વર્ષે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 235 ટકા વધ્યો છે. તે જ ગ્રુપની અદાણી પાવરનો હિસ્સો 200 ટકા વધ્યો છે. અદાણી પોર્ટ્સમાં 74 ટકાનો અને અદાણી ગ્રીન શેરોમાં 17 ટકાનો ઉછાળો નોંધાયો છે. ભારતીય શેર બજાર ટનાટન રહેતા વૈશ્વિક સ્તર પણ અસર નોંધાઈ છે. અને એશિયાઈ પ્રાંતમાં ભારતીય ધનકુબેરોનો દબદબો વધતાં ચાઈના ઉધોગપતિઓ પાછળ ધકેલાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.