આ કુદરતી પીણું પીત્તનાશક અને કફ નાશક છે, પગના તળિયાની બળતરા મટાડે છે
આજના આધુનિક યુગમાં ઉનાળો આવતાની સાથે ઠંડા પીણાનું સેવન વધી જાય છે. પરંતુ પહેલાના સમયમાં ગરમીની શરુઆત થતાની સાથે વડવાઓ ‘આંબલવાણું’ બનાવીને પીતા હતા. ધોમધખતા તાપમાં તન અને મનને ઠંડક અને તાજગી આપતું આ દેશી પીણું સરળતાથી ઘરે બનાવી શકાય છે. તેમ જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ લાભપ્રદ ગણાય છે. પરંતુ આજની પેઢી પાસે આ અંગે બહુ ઓછી માહીતી હશે. ઘણા લોકોએ બાળપણમાં દાદી કે નાનીના હાથથી બનાવેલું આંબણવાણું પીધુ: હશે. પરંતુ તે કઇ રીતે બને છે અને કેટલું ફાયદાકારક છે તેનો ખ્યાલ નહીં હોય.
શિયાળો પૂરો થતાની સાથે ગરમી વધે છે. તેથી શરીરની અંદર કફ પીગળે છે. આ કફની જગ્યા લેવા વાગુ વધે છે, પરંતુ ગરમીને કારણે અને ચિકાસ ઘટતા વાયુ શરીરમાં ભેગો થાય છે. આ ભેગો થયેલો વાયુ ઉનાળો પૂરો થતા સુધીમાં શરીરની સાત ઘાતુ અને ત્રણેય દોષને સુકવી નાખતા શરીરનું બળ એટલે કે રોગ પ્રતિકારક શકિત ઘટે છે.
આપતા વડવાઓએ ગરમીથી બચવા આપણને આંબલવાણાના રૂપમાં અણમોલ પીણાની બક્ષીસ આપી છે. પહેલાના સમયમાં ઉનાળામાં ઘેર ઘેર અઠવાડીયામાં બે વખત આંબલવાણું બનાવી પીવાતું હતું. પરંતુ આધુનિકતાના ખ્યાલમાં આપણે ઉનાળામાં અનેક ઉપાયો કરવા લાગ્યા છીએ. રાસાયણિક રીતે તૈયાર થયેલા ઠંડા પીણાઓની દાહક અસર, આંતરડા ઉપર થાય છે. લોહીમાં ભળી યકૃતમાં જાય છે અને યકૃતની ક્રિયાઓ ખોરવી નાખે છે. પરિણામે શરીરનું બળ કાળક્રમે ઘટે છે. જયારે આંબલી ચિકાશવાળી તથા ભારે છે. આમ ખટાશ અને ચિકાસ વાયુ ભેગો થવા દેતો નથી. પરિણામે આપણા શરીરનો સૂકાઇ ગયેલો મળ તોડી બહાર કાઢે છે. આમે તે અલ્પરેચક છે. જેથી શરીરનું બળ ઘટતું નથી. આંબલવાણું ઉનાળાનું સ્વાગતપીણું થઇ શકે તેવી ક્ષમતા ધરાવે છે. આપણા પૂર્વજો આદિકાળથી ઉનાળામાં આનું સેવન કરતા આવ્યા છે.
દેશી પીણું આંબલવાણુંના આ ઉપરાંત ઘણા જ ફાયદા છે. તે શરીરની ગરમી ઘટાડતું હોવાથી જ ઉનાળામાં પીવાતું હોય છે. તેમજ પેટ સાફ રાખવામાં પણ ઘણું જ મદદરુપ સાબિત થાય છે. આ દેશી પીણાના ેવનથી લુથી બચી શકાય છે. તેમજ પગના તળિયાની બળતરા દૂર થાય છે. વધુમાં મગજ અને શરીરને ઠંડક પ્રદાન કરે છે. તેમજ પાચનક્રિયા પણ તેજ બનાવે છે.
આંબલવાણું બનાવવાની રીત
સામગ્રી:- અડધો કપ સૂકી આંબલી (ઠળિયા કાઢેલી), પોણો કપ સમારેલો ગોળ, અડધી ચમચી મરીનો ભૂકો, એક ચમચી સંચળ, એક ચમચી શેકેલા જીરૂનો ભૂકો, એક લીટર પાણી
રીત:- સૌ પ્રથમ આંબલીને ઘોઇને અડધો કલાક સુધી ગરમ પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ એક તપેલીમાં 700 મીલીલીટર પાણી લઇ ગોળને ઓગાળવો, ગોળ એકદમ ઓગળી જાય એટલે જીરૂનો ભૂકો, મરીનો ભૂકો અને સંચર નાખી બરાબર હલાવી લેવું અને મિશ્રણ ગાળી લેવું
હવે પલાળેલી આંબલીનો હાથથી મસળીને પલ્પ બનાવી લેવો. બાદમાં આ પલ્પને ગોળવાળા પાણીમાં ગાળીને મિકસ કરી લેવું, પલ્પમાં થોડું પાણી નાખી ઘોઇને ગાળી લેવો. હવે આ મિશ્રણને બરાબર મિકસ કરી લેવું. જો જરૂર લાગે તો ગોળ કે સંચર ઉમેરી શકાય છે. હવે બરફના ટુકડા નાખી ઠંડુ ઠંડુ આંબલવાણું પીવા માટે તૈયાર છે.