- રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- વામાન ખાતાની આગાહી સાચી પડી
ગુજરાત ન્યૂઝ : અંબાલાલની આગાહી સાચી પડી છે .હવામાન ખાતાની આગાહી મુજબ 12-05-2024થી તા.16-05-2024 દરમિયાન રાજયના ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપીમાં મેઘ રાજા મહેરબાન થશે. ત્યારે આજે એકાએક સમગ્ર ગુજરાતનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે .
ગુજરાતમાં એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી હજી પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.ગુજરાતમાં ઉનાળા દરમિયાન મે મહિનામાં સૌથી વધારે ગરમી પડે છે, જે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી લંબાય છે.જૂનની 15 તારીખની આસપાસ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થાય છે, પરંતુ તે પહેલાં જ અનેક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની ગતિવિધિ રૂપે વરસાદ પડતો હોય છે.ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી પડનારો વરસાદ સામાન્ય રીતે બપોર બાદ પડશે અને તેથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ છતાં ગરમીનો પારો ઊંચો રહે તેવી સંભાવના છે.
ભાવનગરના સિહોર તાલુકાનાં સણોસરા, ઈશ્વરીયા , આબલા સહિતના ગામોમાં કરા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે . આમ જોઈએ તો ગરમી માંથી લોકોને હળવાશ મળશે પરંતુ વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે .
અરવલ્લી જિલ્લાના શામળાજી, રતનપુર, લુસડીયા, ભેટાલી સહિતના ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સાબરકાંઠામાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ વિવિધ વિસ્તાર જેવા કે પોશીના, વડાલી , ખેડબ્રહ્મા અને ઈડરમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે .
રાજકોટની વાત કરવામાં આવે તો વાતાવરણમાં એકાએક પલટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે . અમદાવાદના વટવા , તારોલ , રામોલ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત બાદ જોરદાર મેઘરાજા મહેરબાન થયા છે . ભારે પવન અને ધૂળની ડમરી ઉડતા વિઝીબિલિટિ ઓછી થઈ ગઈ હતી .
વિવિધ જિલ્લા અને તાલુકાની વાત કરવામાં આવે તો ભાયાવદર , ચોટીલા , લોધિકા , મોરબી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ આવ્યો છે .