Ambaji: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુ માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અનેક સંઘો પદયાત્રા કરી માં અંબાના દર્શનનો લ્હાવો લેતા હોય છે. ત્યારે ચૌદશના દિવસે દૂરથી દૂરથી આવેલા સંઘો માતાજીના નિજધામમાં પહોંચ્યા છે. ત્યારે માં અંબા ખોડીયાર મંદિર, ધારેશ્વર સોસાયટી, રાજકોટથી નીકળેલો સંઘ ચૌદશના દિવસે માં અંબાના ધામમાં પહોંચ્યો છે. આ દરમિયાન પગપાળા સંઘે મંદિર પરિસરમાં તલવાર રાસની રમઝટ બોલાવી હતી.

00 1

આ સંઘના આયોજક હરેશ પરમાર જણાવે છે કે, અમે છેલ્લા 23 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં પગપાળા સંઘ લઈને આવીએ છીએ. અમને રાજકોટથી અંબાજી પહોંચતા 13 દિવસ થયા છે. તેમજ અમારા સંઘમાં 125 થી વધુ યાત્રાળુઓ છે. આ સાથે આ સંઘમાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવીયે છીએ. આ દરમિયાન અમે દરેક યાત્રાળુઓ અલગ અલગ દિવસે જુદા જુદા સાંસ્કૃતિક પહેરવેશ પહેરીએ છીએ. આ પહેરવેશ પહેરીને માં ના દરબારમાં આવીયે છીએ. જેથી માતાજીના ધામમાં પહોંચતા અમને અલૌકિક અનુભૂતિ થાય છે.

 

 

આ સાથે વધુમાં સાંસ્કૃતિક પહેરવેશના મહત્વ વિશે વાત કરતા હરેશ પરમાર જણાવે છે કે, આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે અમે માતાજીને બને તેટલું રિઝવવાનો પ્રયાસ કરીએ છીએ. જેથી કરીને માં અંબા નવરાત્રીના 9 દિવસ અમારા મંદિરે પધારે અને અમને આશીર્વાદ આપે. તેમજ દરેક લોકોને સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માં ના દરબારમાં જવું જોઈએ. જેથી આ માતાજીના અનેરા પ્રસંગને આપણે દીપાવી શકીએ છીએ. આ સાથે આપણી સંસ્કૃતિનો માન મોભો જળવાઈ રહે તે માટે અમારો સંઘ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને અંબાજી આવતો હોય છે.

0 1

આ સંઘના દીના રાઠોડ જણાવે છે કે, અમે 23 વર્ષથી રાજકોટથી સંઘ લઈને નીકળીએ છીએ અને અમારા સંઘમાં દરેક પુરુષ અને સ્ત્રી સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માતાજીની રિઝવવા માટે આવીએ છીએ. તેમજ ભારતીય સંસ્કૃતિને જાળવવા અને સ્ત્રીનો માન, મોભો અને મર્યાદા જળવાઈ રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માં ની ભક્તિ કરીએ છીએ. તેમજ વધુમાં તેઓ જણાવે છે કે, અમે અમારા સંઘમાં ખુશખુશાલ રમતા, ગરબા ગાતા માં અંબાના ચરણોમાં પહોંચ્યા છીએ, ત્યારે અમને જરા થાકનો અહેસાસ થતો નથી અને માં ના ખોળામાં રમતા હોઈએ તેવો અલૌકિક આનંદ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.