અંબાજી વહીવટદાર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી 13 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પોષી પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. તેમજ સનાતન ધર્મમાં પોષી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે જ્યોતયાત્રા, શોભાયાત્રા-સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, દર્શન વ્યવસ્થા, ભોજન, સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત માં અંબાના પ્રાગટય દિવસે માં અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઇભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવશે.
માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે અને મંદિરના શક્તિ દ્વારે આરતી કરવામાં આવશે. ત્યારબાદ માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોતયાત્રા કરવામાં આવશે.
પોષી પૂનમના દિવસે સવારે 10:30 કલાકે અંબાજી મંદિરના શક્તિ દ્રારથી માં અંબાને હાથ ઉપર બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવશે, જે આખા નગરમાં ફરશે. આ દરમિયાન શોભાયાત્રામાં 35 કરતાં વધુ ઝાંખીઓ રજૂ કરાશે. જેમાં વિવિધ પ્રકારના રથો દ્વારા નગર યાત્રા કરવામાં આવશે. તેમજ શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે.
પોષી પૂનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય દિવસ
મળતી માહિતી દરમિયાન ઉલ્લેખનીય છે કે, પોષી પૂનમ એ માં અંબાનો પ્રાગટય દિવસ હોઈ ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહેલું છે. તેમજ માં અંબાના પ્રાગટય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઇભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. જેને લઈને આ દિવસે માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે.
ભાવિક ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા
માં અંબાના પ્રાગટય દિવસે દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તોમાં અંબાના ઉત્સવને માણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે. તેમજ પોષી પૂનમમાં અંબાનો પ્રાગટય દિવસ હોઈ તેને અનુરૂપ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાશે.
અંબાજી મંદિરમાં શાકોત્સવ – શાકભાજીનો અન્નકૂટ પણ કરવામાં આવશે. ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનલાય ખાતે અંબિકા અન્નક્ષેત્રમાં નિ:શુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ રાત્રિના 8 કલાકે અંબાજી મંદિરના ચચારચોકમાં અંબાજીની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. તેમજ આ બેઠકમાં અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો, દેવસ્થાન ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.