અંબાજી ભાદરવી મેળાના બીજા દિવસે રવિવારે બપોરે અઢી વાગ્યાના સુમારે અંબાજીથી દર્શન કરી પરત આણંદ તરફ જતી ખાનગી ટ્રાવેલસ બસની બ્રેક ફેલ થઈ જતાં મુસાફરોની બસ એકાએક ખાઈમાં ખાબકી હતી. બસમાં 9 નાના બાળકો સહિત 45 મુસાફરો ગંભીર રીતે ઘવાતા તમામને એમ્બ્યુલન્સ મારફતે અંબાજી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 18 વ્યક્તિ વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હોઇ વધુ સારવાર માટે પાલનપુરમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઇ અંબાજી ધામમાં એમ્બ્યુલન્સની સાયરનની ચિચ્યારીઓ ગુંજી ઉઠી હતી.

આણંદના યાત્રાળુઓને દર્શન કરી પરત ફરતી વેળાએ બસની બ્રેક ફેઇલ થઈ જતાં નડ્યો અકસ્માત: સદનસીબે જાનહાનિ ટળી

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રવિવારે આણંદ જીલ્લાના ખેડા તાલુકાના કણજરી ગામના માઇ ભકતો અંબાજી દર્શન કરીને પરત ખાનગી ટ્રાવેલ્સમાં ફરી રહ્યાં હતા. બસમાં કુલ 18 પુરુષ, 17 સ્ત્રી અને 9 બાળકો હતા. તે દરમિયાન બપોરના અઢી વાગ્યાના સુમારે ટ્રાવેલ બસની બ્રેક ફેઈલ થતાં એકાએક હડાદ માર્ગ પરના ચીખલા ગામ નજીકના શિવદત્ત નાળા પાસે ખાઈમાં ખાબકી પલટી ગઇ હતી. અકસ્માતની જાણ અંબાજી પોલીસ સહિત વહિવટી તંત્રને થતા મેળા દરમિયાન દોડધામ મચી ગઇ હતી.

ગોઝારી ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 18 મુસાફરો વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હોઇ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી પાલનપુરમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાના પગલે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ દોડી આવ્યા હતા. સિવિલ સુપ્રીડેન્ટ સુનિલ જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 23 દર્દીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં યોગેશભાઈ વ્યાસને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા છે. એક વ્યક્તિના ડાબા હાથનું ઓપરેશન કરીને હાથ કાપવામાં આવશે. બીજા દર્દીઓની હાલત અત્યારે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે બસમાં સવાર મુસાફર રાજેન્દ્રસિંહે જણાવ્યું હતુ કે, બસ રોડની ડાબી બાજુએ ચાલતી હતી. એકાએક બ્રેક ફેઇલ થઈ ગઈ અને ડ્રાઈવરે ક્ધટ્રોલ ગુમાવી દેતાં બસ પલટી ખાઇ પથ્થર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.