1 વર્ષ માટેના રૂ. 999 વાળા પ્લાનના 1499, 3 મહિના માટેના રૂ. 329 વાળા પ્લાનના રૂ. 459 અને 1 મહિના માટેના રૂ. 129 વાળા પ્લાનના રૂ. 179 થશે
મેમ્બરશિપના નવા ભાવ 14 ડિસેમ્બરથી લાગુ થવાની સંભાવના
અબતક, નવી દિલ્હી : એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપની કિંમતમાં 50 ટકા સુધીનો વધારો થવા જઈ રહ્યો છે. એટલે હવે એમેઝોન પ્રાઈમના વપરાશકર્તાઓએ હવે તેના વપરાશ માટે દોઢ ગણી રકમ ચૂકવવી પડશે. આ ભાવ વધારો 14 ડીસેમ્બરથી લાગુ થાય તેવા અહેવાલો મળી રહ્યા છે.
ભારતમાં નવા અને જુના મેમ્બરને એમેઝોન પ્રાઈમ ૧૪ ડીસેમ્બરથી મેમ્બરશિપની નવી કિંમત દેખાશે. તેનો અર્થ એ થયો છે કે, યુઝર્સની પાસે જૂની કિંમત 129, 329 અને 999 રૂપિયામાં મેમ્બરશીપ લેવાની અંતિમ તારીખ 13 ડીસેમ્બર સુધી છે. નવા અપડેટ બાદ એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો 999 રૂપિયા વાળો પ્લાન 1499 રૂપિયાનો થઈ જશે, જેની વેલીડીટી 12 મહિનાની છે.
જ્યારે 329 રૂપિયા વાળા ત્રિમાસિક પ્લાન 459 રૂપિયાના થઈ જશે અને 129 રૂપિયાના માસિક પ્લાનની કિંમત 179 રૂપિયા થઈ જશે. રિપોર્ટ મુજબ નવી કિંમતની શરૂઆત 14 ડીસેમ્બરથી થશે. તેવું જાણવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા કંપનીએ સંકેત આપ્યા હતા કે, ભાવ વધારો પ્રાઈમ મેમ્બરશિપમાં સતત નવી સેવાઓને જોડવાનું કારણ છે.
જો કે મેમ્બરને એક લાભ પણ આપવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 14 ડીસેમ્બરથી નવા ભાવ લાગુ થવાના છે. જો મેમ્બર 13 ડીસેમ્બરની રાત્રી પૂર્વે પોતાનો પ્લાન રીન્યુ કરાવી દયે. તો તેને જુના ભાવે મેમ્બરશીપનો લાભ મળી શકશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળથી એમેઝોન પ્રાઈમનો ક્રેઝ વધ્યો છે. ભારતમાં એમેઝોન પ્રાઈમની મેમ્બરશીપની સંખ્યા સતત વધી રહી છે. સામે એમેઝોન પ્રાઇમ પણ તેના મેમ્બર્સને રસ પડે તેવું કન્ટેન્ટ આપી તેને વધુમાં વધુ સારી રીતે પોતાની સાથે જકડી રાખવા સતત પ્રયત્નશીલ રહે છે.