ઉત્તરાખંડની નીલમ ભારદ્વાજ લિસ્ટ-એ મેચમાં બેવડી સદી ફટકારનારી સૌથી યુવા ભારતીય મહિલા બેટ્સમેન બની ગઈ છે. તેણે માત્ર 18 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. અમદાવાદમાં રમાયેલી સિનિયર મહિલા ODI ટ્રોફી મેચમાં ઉત્તરાખંડે નાગાલેન્ડને 259 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મુકાબલામાં નીલમ ભારદ્વાજે માત્ર 137 બોલમાં 202 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 27 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા.
આ મેચમાં ઉત્તરાખંડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 371 રન બનાવ્યા હતા. ઇનિંગની 11મી ઓવરમાં નીલમ બેટિંગ કરવા આવી હતી, જ્યારે રાઘવી બિષ્ટ 17 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી નીલમ નામના વાવાઝોડાએ નાગાલેન્ડના બોલિંગ આક્રમણને બરબાદ કરી દીધું હતું. તેણે પહેલા નંદિની કશ્યપ સાથે 116 રનની ભાગીદારી કરી, જેણે 81 રનનું યોગદાન આપ્યું. જે બાદ નીલમે કંચન પરિહાર સાથે મળીને 219 રનની અણનમ ભાગીદારી કરી હતી.
તે જ વર્ષે, શ્વેતા સેહરાવત લિસ્ટ A મેચોમાં ભારત માટે બેવડી સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. તેણે 150 બોલમાં 242 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગની મદદથી દિલ્હીએ 455 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. દિલ્હીએ નાગાલેન્ડ સામે તે મેચ 400 રનના માર્જીનથી જીતી હતી. આ વખતે ઉત્તરાખંડે નાગાલેન્ડને 259 રનથી હરાવ્યું છે. જ્યારે પણ લિમિટેડ ઓવરની ક્રિકેટમાં બેવડી સદીની વાત થાય છે ત્યારે ધ્યાન રોહિત શર્મા તરફ જાય છે, જેણે વનડે ક્રિકેટમાં 3 બેવડી સદી ફટકારી છે.
આ મેચમાં ઉત્તરાખંડ માટે માત્ર નીલમ ભારદ્વાજ જ નહીં, તેના સિવાય કેપ્ટન એકતા બિષ્ટે પણ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે તેના 10 ઓવરના સ્પેલમાં 5 મેડન બનાવ્યા અને માત્ર 14 રન આપીને 5 વિકેટ લીધી. આ જીત સાથે ઉત્તરાખંડ 12 પોઈન્ટ સાથે ગ્રુપ બીમાં બીજા સ્થાને પહોંચી ગયું છે, તો બીજી તરફ નાગાલેન્ડ તેની ચારેય મેચ હારી ગયું છે અને તે ગ્રુપમાં છેલ્લા સ્થાને છે.