નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં

પાંચ કરોડ નમસ્કાર મંત્રની સામૂહિક જપ સાધનાનું વિશિષ્ટ આયોજન

યુગો યુગોથી જે ધરા પર ગૂંજી રહ્યો છે જૈનોના 22માં તીર્થંકર પ્રભુ નેમનાથની સાધનાનો પવિત્ર ઘંટારવ એવી ગરવા ગિરનારની ભૂમિ પર નવનિર્મિત પારસધામના પ્રાંગણે ગિરનાર વંદનમ વર્ષાવાસ બિરાજી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે આગામી દિવસોમાં પધારી રહેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને વધાવવા અનેક ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન તા.12/9/2023 થી 19/9/2023 – આઠ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે.

જેના અંતર્ગત આત્મવિશુદ્ધિના વિશિષ્ટ પ્રયોગ સ્વરૂપ દરરોજ સવારના 7:15 – 8:15 કલાકે વિશિષ્ટ પ્રકારની ધ્યાન સાધના અને પ્રેક્ટીકલ પ્રયોગો દ્વારા ઇનર ક્લિનિંગ કોર્સ કરાવવામાં આવશે.દરરોજ સવારે 9:00 કલાકે “આ ભવ એક તૈયારીનો” વિષયલક્ષી બોધ પ્રવચન પરમ ગુરુદેવના શ્રીમુખેથી ફરમાવવામાં આવશે. જેના અંતર્ગત 12/9 “સહેવાની તૈયારી છે?” 13/9 “સમજવાની તૈયારી છે?” 14/9 “સ્વીકારવાની તૈયારી છે?” 15/9 “સાથે રહેવાની તૈયારી છે?” 17/9 “બદલવાની તૈયારી છે?” 18/9 “છોડવાની તૈયારી છે?” 19/9 “કહેવાની તૈયારી છે?” આવા ચિંતનીય વિષયો સાથે ભવ્ય જીવોને બોધિત કરવામાં આવશે.

અંતરદૃષ્ટિને ઉજાગર કરી દેનારા આવા બોધ પ્રવચન સાથે ઇતિહાસની ગર્તામાં સમાયેલી સત્ય ઘટનાઓ પર આધારિત ભવ્યાતિભવ્ય પ્રેરણાત્મક નાટિકાઓની પ્રસ્તુતિ કરવામાં આવશે.એ સાથે જ દરરોજ રાત્રિના 8:00 – 8:30 કલાકે યુથ પર્યુષણ કાર્યક્રમ અંતર્ગત વિશેષરૂપે યુવાનો માટે પરમ ગુરુદેવના શ્રીમુખેથી ઇંગ્લિશમાં બોધ પ્રવચન ફરમાવવામાં આવશે. ત્યારબાદ 8:30 કલાકે “માય સંસ્કૃતિ- માય આઈડેન્ટિટી” વિષયલક્ષી રાત્રી પ્રવચનમાળાના આયોજન અંતર્ગત 12/9 “માય ઇમ્યુનીટી બુસ્ટર – તપ કલ્ચર” 13/9 “માય લાઈફ ચેન્જર – વિનય કલ્ચર” 14/9 “માય ફેમિલી ડોક્ટર – જતના  કલ્ચર” 15/9 “માય ક્વોલિટી ટીઝર- પરમાર્થ કલ્ચર” 16/9 “માય પીસ એનહાન્સર – ધર્મ કલ્ચર” 17/9 “માય એની ટાઈમ પાર્ટનર – અતિથિ કલ્ચર” 18/9 “માય રિલેશન મેનેજર – પરિવાર કલ્ચર” એવા રસપ્રદ વિષયો સાથે પરમ ગુરુદેવ દ્વારા આત્મકલ્યાણની પ્રેરણા આપવામાં આવશે.

દરરોજ સાંજના પાપક્ષયનું માંગલ્ય કરાવતી પ્રતિક્રમણ આરાધના 06:45 કલાકથી કરાવવામાં આવશે.વિશેષમાં તારીખ 16/9/2023 શનિવાર સવારના 9 કલાકથી ભગવાન મહાવીર જન્મોત્સવ અવસરે “વ્હાલોત્સવ” કાર્યક્રમ અંતર્ગત પ્રભુ મહાવીરના ભક્તિભીના જન્મોત્સવના વધામણા સાથે માતા ત્રિશલાને આવેલા 14 મહાસ્વપ્નના દિવ્ય દર્શન તેમજ માતા ત્રિશલાના ગર્ભ સંસ્કરણના રહસ્યોને ઉદઘાટિત કરતા અદભુત દ્રશ્યાંકનની પ્રસ્તુતિ કરવામાં આવશે.ઉપરાંત 17/9/2023 રવિવારે વર્લ્ડ નવકાર ડેના વિશિષ્ટ આયોજન સાથે સમગ્ર વિશ્વમાં એક સાથે એક જ સમયે સવારના 6:45થી 8 કલાક દરમિયાન પાંચ કરોડ નમસ્કાર મંત્રની સામૂહિક જપ સાધનાના વિશ્વવ્યાપી તરંગો પ્રસારિત કરવામાં આવશે.19/9/2023 પર્વના અંતિમ દિવસ મંગળવારે બપોરના ત્રણ કલાકે જનમ -જનમના પાપ દોષોની વિશુદ્ધિ કરાવતી આલોચના વિધિ તેમ જ સાંજે 6:45 કલાકે સંવત્સરી પ્રતિક્રમણ આરાધના યોજાશે.

નાના -નાના બાળકો પણ આ પર્વાધિરાજમાં બોધિત થઈને આત્મવિશુદ્ધિ કરી શકે એવા શુભ હેતુથી  કિડ્સ ઓનલાઈન પર્યુષણનું આયોજન દરરોજ સાંજે ચાર થી પાંચ કલાક દરમિયાન પાંચથી 14 વર્ષના બાળકો માટે કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત પૂજ્ય શ્રી પરમ મહાસતીજીઓ દ્વારા બાળકોને પ્રેરક બોધવચન તેમજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ સાથે આરાધના કરાવવામાં આવશે.બાળ હૃદયના નાના- નાના પાપદોષોની આલોચના કરાવતી વિશિષ્ટ બાલ આલોચના વિધિનું વિશેષ આયોજન પરમ ગુરુદેવના સાંનિધ્યે 17/9/2023 રવિવાર બપોરના 3 કલાકે કરવામાં આવ્યું છે. આત્માનું અનંત હિત કરાવી દેનારા આવા કાર્યક્રમની સાથે દરરોજ સંધ્યા ભક્તિ સ્તવના યોજાશે. પર્વાધિરાજ પર્વમાં પધારનારા દરેક ભાવિકો માટેની સાધર્મિક ભક્તિનો લાભ શ્રી અવંતીભાઈ કાંકરીયા પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે.

નિરંતર આઠ દિવસ સંત દર્શન કરનારા બાળકોને લાખો રૂપિયાના ઇનામથી કરાશે પ્રોત્સાહિત

વહેલી સવારના સમયે ધર્મક્ષેત્રમાં જઈને સંત દર્શન અને માંગલિક વચનોના શ્રવણના પહેલાંના યુગના સુસંસ્કારો જ્યારે આજની ફાસ્ટ લાઇફમાં લુપ્ત થઈ રહ્યાં છે ત્યારે બાળ હૃદયમાં તે સંસ્કારોને ફરી જાગૃત કરીને એમના ભવિષ્યને ભવ્ય બનાવવાની રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની હિત ભાવના સાથે આગામી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં ઓલ ઇન્ડિયાના જૈન બાળકો માટે “પંચમહાવ્રતધારી દર્શન” પુણ્ય અભિયાનનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતના કોઈપણ જૈન બાળકો પર્વાધિરાજ પર્વના આઠ દિવસ દરરોજ પોતાના ક્ષેત્રમાં સ્થિત નજીકના ધર્મક્ષેત્રમાં બિરાજમાન પંચ મહાવ્રતધારી સંત -સતીજીના દર્શન કરીને આ અભિયાનમાં જોડાઈ શકશે.આ અભિયાનમાં જોડાવવા માટે બાળકોએ અથવા તો પોતાના બાળકોને અભિયાનમાં જોડાવા માટે પેરેન્ટ્સે પોતાના મોબાઈલ ફોન પર ‘Param G App’ ડાઉનલોડ કરીને એમાં આપેલાં instruction મૂજબ પોતાના નામ, નંબર, ફોટો અને લુક એન્ડ લર્ન સેન્ટરની વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.રજીસ્ટ્રેશન ક્ધફર્મ થયાં બાદ જે બાળક પર્વાધિરાજ  પર્વના આઠ દિવસ દરરોજ ધર્મક્ષેત્રમાં જઈને પૂજનીય સંત -સતીજીના દર્શન કરશે,  લુક એન્ડ લર્ન સેન્ટર દ્વારા મળેલા દર્શન કાર્ડ પર સંત-સતીજીઓ દ્વારા પોતાની હાજરી પૂરાવીને, ધર્મક્ષેત્રમાં લાગેલાં બેનર પાસે પોતાની હાજરીની સાક્ષી પૂરાવતાં સેલ્ફી લઈને દરરોજ પોતાનો ફોટોગ્રાફ અને દર્શનકાર્ડનો ફોટોગ્રાફ ‘Param G App’ પર મોકલવા સુધીની દરેક પ્રોસિજર પ્રોપરલી ફોલો કરશે તે બાળકનું નામ લક્કી ડ્રો માટે માન્ય કરવામાં આવશે. પહેલા નંબરના બાળકને રૂ.પાંચ લાખ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.