ટેકનોલોજીના ઉપયોગથી આજે દરેક સેવા આંગળીના ટેરવે મળતી થઈ છે. સ્માર્ટફોન પર એક બે ક્લિક કરવાથી જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ઘેર પહોંચી જાય છે. આ સેવાના વ્યાપથી જ તો આજે ઈ-કોમર્સ માર્કેટ ધમધમી રહ્યું છે. ઓનલાઈન ખરીદ-વેચાણનું નામ લઈએ કે તરત જ એમેઝોન, ફ્લિપકાર્ટ યાદ આવે. એમેઝોનથી જેટલો ગ્રાહકને ફાયદો મળી રહ્યો છે એટલુ જ સામે ભારતના નાના અને છૂટક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે.
એમેઝોન, ફ્લિપકાર્ટ, ઓનલાઈન શોપિંગ જેવી ઈ-કોમર્સ કંપનીઓ ધમધમતા ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધ્યો છે. આથી નાના વેપારીઓ, ઘરેલુ ઉત્પાદકોને ભારે ફટકો પડી રહ્યો છે. આ થઈ હરીફાઈની વાત…. નાના ઉધોગકારો, વેચાણકારો અને ઉત્પાદકોને હરીફાઈમાં ટકવું મુશ્કેલ બન્યું ત્યાં સુધી તો વાત ઠીક છે પણ એમેઝોને ભારતના છૂટક વેંચાણકારો, વેપારીઓની કમર જ તોડી પાડવા જાણી જોઈ કારસો ઘડ્યો..!!
એક કહેવત છે કે ‘મોટી માછલી નાની માછલીને ખાય છે’. આ જ પ્રકારે એમેઝોન ભારતમાં નાના વેપારીઓને બરબાદ કરવા આયોજનબદ્ધનું કાવતરું ઘડી રહ્યું છે અને તાજેતરમાં આ કાવતરાનો પર્દાફાશ થયો છે. જેને જાણી દરેક ભારતીય જેમ ચીની ચીજ-વસ્તુનો બહિષ્કાર કરે છે તેમ આ એમેઝોનનો પણ બહિષ્કાર કરશે. અમેરિકન ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન ભારતમાં રાજ કરવા માટે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવે છે. આ કંપનીએ ડુપ્લિકેટ પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સર્ચ એન્જિન સાથે પણ ગોટાળા કર્યા છે.
જેનો ખુલાસો મીડિયા એજન્સી રોઇટર્સે તેના એક અહેવાલમાં કર્યો છે. ગત બુધવારના રોજ જારી થયેલા અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે કે એમેઝોને ભારતના છૂટક વેંચાણકારો સાથે છેતરપિંડી કરી છે. માર્કેટમાં જે ચીજ-વસ્તુઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે વેપારીઓની ચીજ-વસ્તુઓની કોપી કરી પોતે બનાવે છે. અને પોતાની બ્રાન્ડની આ ચીજ-વસ્તુઓ વેંચાય તે માટે સર્ચ એન્જીનમાં પણ ગોટાળા કરી ગ્રાહકોને આકર્ષે છે અને પોતાનું બ્રાન્ડિંગ કરે છે.
બ્રાન્ડિંગમાં અમેઝિંગ એમેઝોને ગોટાળામાં પણ અદ્દભૂતતા હાંસલ કરી છે. ઈ-કોમર્સ ક્ષેત્રે મોનોપોલી ઉભી કરી સંપૂર્ણપણે લાભ ખાટવા એમેઝોન કોઈ કસર છોડી રહ્યું નથી. આ મુદ્દે એમેઝોન વિરુદ્ધ ભારતથી લઈ અમેરિકા સુધી વિરોધસુર ઉભો થયો છે. કંપનીનો આ પ્રકારનો બિઝનેસ હવે કંપનીના ચીફ જેફ બેઝોસ પર અમેરિકાથી ભારત સુધી ભારે પડવાનો છે. કારણ કે એવી માંગણી કરવામાં આવી રહી છે કે હવે ભારતમાં એમેઝોન સામે તપાસ થવી જ જોઈએ. આ ઘટસ્ફોટ પછી તો યુએસ સેનેટરે એમેઝોનને ટુકડાઓમાં વહેંચવાની માંગ કરી છે.
અમેરિકી સેનેટરોથી લઈને ત્યાંના અગ્રણી લોકો જેફ બેઝોસનો વિરોધ કરી રહ્યા છે. તેમને કાળા શોષણ માટે જવાબદાર ગણાવી રહ્યા છે. ઘણા ઉધોગપતિ, સંગઠનોએ માંગ કરી છે કે, ભારતમાં મોદી સરકાર એમેઝોન વિરુદ્ધ તપાસ માટે બેંચ બેસાડે. કારણ કે એમેઝોનનો આ પ્રકારનો રૂખ ભારતના આત્મનિર્ભર અભિયાનને ઠેસ પહોંચાડી શકે છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર પણ આ દિશામાં કેટલાક મોટા પગલાં લઈ શકે છે. કારણ કે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના મોદી સરકારના પ્રયાસોને આઘાત પહોંચાડવાના પ્રયાસો પાછળ એમેઝોન પણ જવાબદાર છે. આ સ્થિતિમાં જો મોદી સરકાર આ મુદ્દે મોટી તપાસ કરે તો કંપની માટે મુશ્કેલીઓ વધી શકે છે.
ઈ-કોમર્સમાં ઈજારાશાહી ઉભી કરનારા એમેઝોન સામે આક્રોશ: ભારત સાથે છેતરપિંડી ભારે પડશે ?
ઈ-કોર્મસ ક્ષેત્રે એમેઝોને મોનિપોલી એટલે જે ઈજારાશાહી ઉભી કરી છે જે સ્પષ્ટપણે દેખાય છે. ઈકોમર્સમાં પોતાની સ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવવા મથી રહેલી કંપનીએ ભારતમાં જે છેતરપિંડી કરી છે તેનો અહેવાલ બહાર આવતા અમેરિકામાં પણ આક્રોશ ઉભો થયો છે. ઈ-કોમર્સ ક્ષેત્રે ભારત વિશ્વના અન્ય બજાર કરતાં મોટું બજાર ધરાવે છે. અહીં યુવાધન વધુ હોવાથી, નેટ-સ્માર્ટફોનનો ઉપયોગ વધુ હોવાથી ઈ-કોમર્સ કંપનીઓ ફૂલીફાલી છે.
મુખ્ય ઈ-કોમર્સ માર્કેટ અહીં બેઠું છે જેનો એમેઝોનથી લઈને ફ્લિપકાર્ટ સુધીની કંપનીઓ ભરપૂર લાભ ઉઠાવી રહી છે. આ કંપનીઓએ ભારતમાં પહેલાથી જ ઘણા નિયમોનો ભંગ કર્યો છે. પણ એમેઝોને તો હદ જ વટાવી દીધી છે. દરેક છૂટક વેપારીને નફો આપવાનો ઢોંગ કરે છે. પરંતુ થોડા જ રિટેલરોને વાસ્તવિક લાભ મળે છે આ દરમિયાન, હવે એમેઝોન વિશે એ ખુલાસો થયો છે કે, કેવી રીતે આ અમેરિકન ઈ-કોમર્સ કંપની ભારતમાં પોતાનો વ્યવસાય વધારવા માટે અનૈતિક પદ્ધતિઓનો આશરો લઈ રહી છે. અને સેંકડો ગ્રાહકો સાથે ડિજિટલ છેતરપિંડી કરી રહી છે.
ડુપ્લિકેટ સામાનને પ્રોત્સાહન આપવા સાથે કંપની સર્ચ રિઝલ્ટ સાથે પણ રમી રહી છે. રાયોટર્સના અહેવાલ મુજબ એમેઝોને ભારત સાથે ભારતીય વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે. જેની સામે કડક તપાસની માંગણી ઉઠી છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે તો એમેઝોનને બીજી ઈસ્ટ ઈન્ડિયા કંપની ગણાવી આકરી આલોચના કરી છે. ત્યારે હવે મોદી સરકાર એમેઝોન સામે કડક પગલાં ભરશે તો કંપનીને જરૂર ભારે પડશે.
તપાસમાં મોટા ખુલાસા: લાભ ખાટવા ભારતમાં સર્ચ એન્જીન સાથે છેડછાડ કરી
અમેરિકન મીડિયા એજન્સી રોઇટર્સે એમેઝોનના સેંકડો આંતરિક દસ્તાવેજોની તપાસ કરી હતી. જેમાં એવું બહાર આવ્યું છે કે અમેરિકન ઓનલાઈ શોપિંગ કંપની અન્ય કંપનીઓના ઉત્પાદનોની નકલ કરીને ભારતમાં ખાનગી બ્રાન્ડ બનાવી રહી છે. એટલું જ નહીં, કંપની અહીં તેના પ્લેટફોર્મ પર પ્રોડક્ટ્સના સર્ચ રિઝલ્ટમાં પણ ભારે છેડછાડ કરી રહી છે. આ અંગે કોલોરાડોના કેન બકે જણાવ્યું કે , દસ્તાવેજો સાબિત કરે છે કે એમેઝોન મોનોપોલી ઉભી કરી પોતાનો સિક્રેટ બિઝનેશ જ ચલાવવા માંગે છે. તે સર્ચ એન્જીનના પરિણામોમાં હેરફેર કરે છે અને સ્પર્ધાત્મક કંપનીઓના ઉત્પાદનોને બદલે તેની ખાનગી બ્રાન્ડ રાખે છે. જે નાના વેપારીઓ સાથે બગાવત છે.
એમેઝોનને ટુકડામાં વહેંચી દેવી જોઈએ- અમેરિકી સાંસદ એલિઝાબેથ વોરેન
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સેનેટર એલિઝાબેથ વોરેને આ મુદ્દે કહ્યું કે, દસ્તાવેજો એમેઝોનના એકાધિકાર અંગેના અમારા ભયને સાબિત કરે છે. કંપની નાના વેપારીઓ અને સાહસિકોને નુકસાન પહોંચાડી રહી છે અને નફો વધારવા માટે તેના પ્લેટફોર્મ પર કૌભાંડો પણ કરી રહી છે . તેના ડિમોલિશન (ટુકડા)ની માંગ પાછળ ઘણા કારણો છે. પ્રતિનિધિઓ કેન બક હાઉસ ઓફ રિપબ્લિકન સભ્ય પણ એમેઝોન સંબંધિત સમાચાર પર પ્રતિક્રિયા આપી છે અને આ એમેઝોન માટે એક મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. આ વૈશ્વિક કંપની સામે આ પુરાવાઓ સામે આવ્યા બાદ, યુએસ સેનેટર એલિઝાબેથ વોરેને એમેઝોનને અનેક ટુકડાઓમાં તોડવાની માંગ કરી છે અને કહ્યું છે કે એમેઝોનને હવે વિશ્વભરમાં નાના ટુકડાઓમાં વહેંચી દેવી જોઈએ.
એમેઝોન ફ્રેશ જેવા અવનવા આઉટલેટ્સ ઉભા કરી ગ્રાહકોમાં આકર્ષણ જમાવ્યું
એમેઝોને ઈકોમર્સ ક્ષેત્રે ટોચનું સ્થાન હાંસલ કરી ગ્રાહકોને આકર્ષ્યા છે જે પાછળ એક કારણ સમય સાથેનો તેનો બદલાવ પણ છે. સમયાંતરે તે અવનવા આઇડિયા સાથે તે નવા નવા આઉટલેટ્સ ઉભા કરી રહી છે. એમેઝોન સેલ, એમેઝોન ફ્રેશ, એમેઝોન પ્રાઈમ વગેરે….. એમાં પણ ગ્રોસરી અને શાકભાજી સેગમેન્ટમાં એમેઝોને એમેઝોન ફ્રેશ લોન્ચ કરી શાકભાજી માર્કેટમાં પણ ઈ-કોમર્સ નીતિ અપનાવી છે. ભારત સૌથી મોટો કૃષિ ઉત્પાદક દેશ છે અને આ મુદ્દે લાભ ખાટવા બકાલુ-શાકભાજી ઓનલાઈન વેચી એમેઝોન મેદાને ઊતર્યું છે.
એમેઝોન સામે ખાટવું રિલાયન્સ માટે કેમ અઘરું ?
ભારતીય કંપની રિલાયન્સ માટે અમેરિકી કંપની એમેઝોન સામે ઈ-કોમર્સ ક્ષેત્રની હરીફાઈમાં ખાટવું અઘરું છે. એમેઝોન કે જે માત્ર એક બે દેશ પૂરતી નહીં પરંતુ વિશ્વભરમાં ધમધમતી કંપની છે. જ્યારે આ સામે રિલાયન્સ જે માત્ર ભારત પૂરતી છે. અન્ય કોઈ દેશમાં રિલાયન્સની ઈ કોમર્સની સેવા ઉપલબ્ધ નથી. તાજેતરમાં પણ સુપ્રીમ કોર્ટમાં ફ્યુચર ડીલ મામલે રિલાયન્સ સામે એમેઝોનની જીત થઈ હતી. રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી કરોડો રૂપિયાના સોદા પર બ્રેક લાગી ગઈ હતી.
શરૂઆતથી જ બંને કંપનીઓ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલી રહી છે. જો કે, રિલાયન્સ ભારતમાં ઈકોમર્સની મજબૂત સેવાઓ ઉભી કરી ભારત પૂરતું એમેઝોનને ટક્કર આપી શકે છે. એમેઝોન અને વોલમાર્ટ- બે સૌથી મોટા વૈશ્વિક રિટેલ સાહસો, આ ક્ષેત્રમાં મજબૂત ખેલાડીઓ અને સ્પર્ધકો છે. મર્ચેન્ડાઇઝ પર વિજય મેળવવાના તેમના ધૂર્ત ધંધાકીય પ્રયાસમાં સ્થાનિક એન્ટરપ્રાઇઝ રિલાયન્સ અડચણરૂપ બનીને ઊભું રહ્યું છે તેને પણ નકારી શકાય નહીં..!! મુખ્યત્વે રિલાયન્સ એમેઝોનના મુખ્ય હરીફ તરીકે જિયોમાર્ટને મજબૂત બનાવશે. જે હાલમાં ભારતના ઝડપથી વિકસતા ઇ-કોમર્સ માર્કેટનો ત્રીજો ભાગ ધરાવે છે.