ગામમાં એસ.ટી. બસ આવતી જ ન હોય મુસાફરોએ પગપાળા જઇને જુનાગઢ હાઇવે પરથી બસ મેળવવી પડે છે: તાકીદે ગામમાં એસ.ટી. બસ રૂટ શરૂ કરવા માંગ
ગુજરાતને નેશનલ મોડલ તરીકે દેશ-વિદેશમાં બતાવવા આપણી સરકાર દાવા કરી રહી છે. પરંતુ પરિસ્થિતિ સાથે જ જુદી છે. સરકારના આ દાવામાં તથ્ય કેટલું છે તે માણાવદર તાલુકાનું ખોબા જેવડું ભાલચેડા ગામ બતાવે છે. આ ગામે 30 વર્ષથી એસ.ટી.ના દર્શન નથી કર્યા !
જિલ્લા એસ.ટી.વિભાગે આ ગામ પ્રત્યે 30-30 વર્ષથી જાણે કે દુવ્યવહાર જ કર્યો હોય તેમ આ ગામને એસ.ટી.ના દર્શન જ કરાવ્યા નથી. એસ.ટી. ન હોવાથી લોકો પગપાળા જૂનાગઢ હાઇવે ઉપર જઇને ત્યાંથી પસાર થતી એસ.ટી.માં બેસી મુસાફરી કરી રહ્યાં છે.
ગામના વિદ્યાર્થીઓને ભારે પરેશાની થઇ રહી છે. લગભગ 20 થી 25 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ખાનગી ટ્રાવેલ્સ બસો કે રીક્ષાઓમાં બેસી ભણવા જાય છે.
જુનાગઢ એસ.ટી.વિભાગ (ગુજરાત વાહન વ્યવહાર વિભાગ) મનમાની કરીને જ્યાં જ્યાં એસ.ટી. સ્ટોપ આપવામાં આવ્યા છે. ત્યાં બસો ઉભી પણ નથી રાખતા. આવી મનમાની જિલ્લાના મુખ્ય એસ.ટી.ના અધિકારી વગર સંભવ ન બને તેમ લોકો કહી રહ્યાં છે.
ગુજરાત સરકારને વિનંતી કે ભાલેચડાનો આ કિસ્સો ગીનીઝ બુકમાં પ્રકાશિત કરાવી ભાલેચડાનું નામ રોશન કરાવે અથવા અહીં બસની સુવિધા પ્રાપ્ત કરાવે. જો ખાનગી બસ ગામમાં આવી શકતી હોય તો સરકારી બસ કેમ નથી આવતી?