જમ્મુ-કાશ્મીરમાં બીજા દિવસે પણ સતત વરસાદના કારણે ઘણી જગ્યાએ ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. પરિણામે આજે પણ અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે શ્રદ્ધાળુઓને જમ્મુ કેમ્પ પર જ રોકી દેવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઘણી જગ્યાએ ભુસ્ખલનના કારણે કાલી માતા ટ્રેક ખરાબ થઈ ગયો છે. તેના કારણે હાલટાલ માર્ગથી અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. 28 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ છે પરંતુ અહીં પહેલાં જ દિવસથી વરસાદ શરૂ થઈ ગયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પવિત્ર ગુફા સુધી પહોંચવા માટેનો તેની આગળનો 100 મીટર ટ્રેક ધોવાઈ ગયો છે. આ સિવાય નાના નાના તળાવો પણ છલકાઈ ગયા છે. અમરનાથ શરૂ થઈ તેના પહેલાં દિવસથી વાતાવરણ ખરાબ હોવાથી અહીં શ્રદ્ધાળુઓને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં પહેલાં દિવસે માત્ર 1007 શ્રદ્ધાળુઓ ગુફા મંદિરમાં બાબા બરફાનીના દર્શન કરી શક્યા છે.