બમ બમ ભોલે… અમરનાથ યાત્રા યથાવત
૨૧મીથી યોજવાનો નિર્ણય : દરરોજ માત્ર ૫૦૦ યાત્રાળુઓને દર્શનની છૂટ અપાશે
હિન્દુ ધર્મમાં અતિપવિત્ર અને મુશ્કેલ મનાતી અમરનાથ યાત્રામાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ જતા હોય છે. ચાલુ વર્ષે દેશભરમાં ફેલાયેલા કોરોનાના કહેરનાં કારણે અમરનાથયાત્રા યોજાશે કે કેમ? તે અંગે આશંકા વ્યકત થતી હતી દરમ્યાન હિન્દુ શ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર સરકારે આગામી ૨૧મીથી અમરનાથ યાત્રાનો પ્રારંભ કરવાની મંજુરી આપી છે. પરંતુ સાથે યાત્રા દરમ્યાન એક સાથે મોટી સંખ્યામાં યાત્રાળુઓ એકઠા થવાના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવનાને જોતા દરરોજ માત્ર ૫૦૦ યાત્રાળુઓનાં દર્શનની છૂટ આપવાનો તથા યાત્રા દરમ્યાન શ્રદ્ધાળુઓ કોરોનાથી બચવાના તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.
કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં મળેલી જમ્મુ-કાશ્મીર સરકાર ઉચ્ચ સ્તરીય બેઠક પછી આખરે અમરનાથ યાત્રા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને અમરનાથ યાત્રા કરવાની શ્રદ્ધાળુઓને પરવાનગી આપી છે. ૨૧મી જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે. કેન્દ્રીય મંત્રીઓ જી કિશન રેડ્ડી અને જિતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં અમરનાથ યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવાની સાથે સાથે એક દિવસમાં વધુમાં વધુ ૫૦૦ પ્રવાસીઓ જ દર્શન કરી શકશે. બાબા અમરનાથ ઉપરાંત વૈષ્ણોદેવીના દર્શન પણ યાત્રાળુઓ કરી શકશે.
આગામી ૨૧મી જુલાઈથી અમરનાથ યાત્રાના પહેલા સંઘને રવાના કરવાની પરવાનગી અપાશે. કોરોના વાયરસના કારણે દિવસમાં ૫૦૦ શ્રધ્ધાળુઓથી વધુને અમરનાથ કે વૈષ્ણોદેવી જવા દેવાશે નહીં. તમામ શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત માસ્ક પહેરવા સહિતના નિયમો પાળવા પડશે. બેઠકમાં નક્કી થયું હતું એ પ્રમાણે કેટલા યાત્રાળુઓને મોકલવા તે અંગેનો આખરી નિર્ણય આવતા સપ્તાહે થશે. એમાં જરૂર જણાશે તો ફેરફાર થઈ શકે છે.
અમરનાથ અને વૈષ્ણોદેવી એમ બંને ધાર્મિક સ્થળો જમ્મુ-કાશ્મીરમાં આવેલા છે અને જમ્મુ-કાશ્મીરમાં ૯૦૦૦ કરતા વધુ કોરોનાના કેસ અને ૧૪૫ મૃત્યુ નોંધાઈ ચૂક્યા હોવાથી વિશેષ સાવચેતી રાખવા પર અધિકારીઓએ ભાર આપ્યો હતો. બરફ આચ્છાદિત પહેલગામનો રસ્તો અત્યારે ભારે બરફવર્ષાના કારણે બંધ છે. એના બદલે બાલટાલના રસ્તે જ યાત્રાળુઓને જવા દેવાશે.
સુરક્ષાદળોએ બાલટાલમાં છેલ્લાં થોડા દિવસથી જ સુરક્ષાની તૈયારી આદરી હતી. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી હોવાથી અમરનાથ યાત્રાને અટકાવી દેવી પડી હતી. આ વર્ષે કોરોનાના કારણે અમરનાથ યાત્રા થશે કે નહીં તે અંગે ભારે અવઢવની સ્થિતિ હતી. આખરે મર્યાદિત યાત્રાળુઓને યાત્રાની પરવાનગી આપવાનો નિર્ણય લેવાશે.
શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આખા રસ્તામાં સુરક્ષાદળોના જવાનો ૨૪ કલાક પહેરો ભરશે. બાલટાલના રસ્તે અત્યારે બે જ લંગરની પરવાનગી અપાઈ છે. સેનેટાઈઝર્સથી લઈને પીપીઈ કિટ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર લંગરના સ્થળે કોઈને ય રહેવાની પરવાનગી નહીં અપાય. સામાન્ય રીતે લંગરમાં ભોજનની વ્યવસ્થા ઉપરાંત યાત્રાળુઓ રહી શકે એવી પણ વ્યવસ્થા થતી હોય છે.