મૃતકોને રૂ. ૧૦ લાખ અને ઇજાગ્રસ્તને રૂ.૨ લાખની સહાયની મુખ્યમંત્રીની જાહેરાત: બસના ડ્રાયવરને વિરતા પુરસ્કાર આપવા કેન્દ્ર સરકારને ભલામણ કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ ખાતે અમરનાથ યાત્રિકોની બસ ઉપર થયેલા આતંકી હુમલામાં જાન ગૂમાવનારા કમનસીબ પ્રત્યેક યાત્રિકના વારસદારને રૂ. ૧૦ લાખની સહાય રાજ્ય સરકાર તરફથી આપવાની જાહેરાત કરી છે.
આ હુમલામાં ગુજરાતના ૭ યાત્રિકોના મૃત્યુ થયા છે તથા ૧૯ યાત્રિકો હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે.વિજય રૂપાણીએ ઇજાગ્રસ્તોને રૂ. બે લાખની સહાયની તેમજ ઇજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, તેની પણ જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી એ આ હુમલો જે બસ પર થયો હતો તેના ડ્રાયવરે આતંકીઓના સતત ગોળીબાર વચ્ચે પણ બસ ચલાવીને બસમાં સવાર પ૧ જેટલા યાત્રિકોને સલામત સ્થળે પહોચાડવાના બહાદૂરી ભર્યા કૃત્ય માટે હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા. આ ડ્રાયવરનું નામ ભારત સરકારમાં વિરતા પુરસ્કાર માટે મોકલવાની બાબત પણ વિચારવાનું તેમણે જણાવ્યું હતું.
સોમવારે રાત્રે અનંતનાગ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા અમરનાથ યાત્રિકોના પાર્થિવ દેહ મંગળવારે બપોરે વાયુદળના ખાસ વિમાન મારફતે સૂરત હવાઇ મથકે લાવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મંત્રીઓ ગણપતસિંહ વસાવા, તથા સાંસદ ઓ, મેયર વગેરેએ આ મૃતદેહોને સદગતોના પરિવારજનો સાથે સ્વીકાર્યા હતા અને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. મૃતકોના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના આપી તેમના દુ:ખ-શોકમાં સહભાગી થયા હતા.
વિજય રૂપાણીએ સંવેદનાસ્પર્શી અભિગમ સાથે સૂરત હવાઇ મથકે ઇજાગ્રસ્તો અને અન્ય યાત્રિકોને રૂબરૂ મળીને તેમના ખબર-અંતર પણ પૂછયા હતા અને વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ને સોમવારે રાત્રે આ કમનસીબ દુર્ઘટનાની જાણ થતાં જ તેમણે રાજ્યના જમ્મુ-કાશ્મીરના સંબંધિત તંત્રવાહકોનો સંપર્ક કરીને બનાવની સંપૂર્ણ વિગતો મેળવી હતી.
વિજય રૂપાણીએ આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ગુજરાતના યાત્રિકોના મૃતદેહ ગુજરાત લાવવાનો કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે પરામર્શમાં રહીને પ્રબંધ કર્યો હતો તેમજ ઇજાગ્રસ્તોને જમ્મુ-કાશ્મીરમાં પૂરતી સારવાર-સુવિધા મળે તે માટે જમ્મુ-કાશ્મીર સરકાર સાથે પણ વાતચીત કરી હતી.મુખ્યમંત્રી એ ગુજરાતના યાત્રિકો પર થયેલા આ આતંકી હુમલામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને સહાય-સારવાર પ્રબંધ તથા સલામત ગુજરાત પહોચાડવામાં સહાય રૂપ થયેલા હવાઇ દળ, લશ્કર અને કેન્દ્ર સરકાર તથા જમ્મુ-કાશ્મીર પ્રશાસનનો સાડા ૬ કરોડ ગુજરાતીઓ વતી આભાર પ્રગટ કર્યો હતો. મુખ્યમંત્રી એ આ આતંકવાદી હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હિચકારા કૃત્યની નિંદા કરી હતી.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત આવા હુમલાઓ સામે ઝૂકવાનું નથી પરંતુ ગતિવિધિઓનો મક્કમતાથી પ્રતિકાર-જવાબ આપવા સંપૂર્ણ સજ્જ છે. વિજય રૂપાણીએ અમરનાથ યાત્રિકો પરના આ હુમલામાં ઇજાગ્રસ્તો તથા અન્ય બાબતો અંગે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમને સતત જાણકારી મેળવવાની સૂચનાઓ આપી હતી. આ કંટ્રોલ રૂમનો ફોન નંબર ૦૭૯-ર૩ર પ૧૯૦૮ અને ટોલ ફ્રી નંબર-૧૦૭૦ પણ છે.