ચૂંટણી સમયે જ પ્રજાને યાદ કરનારી દેશની સૌથી જુની રાજકિય પાર્ટી કોંગ્રેસ આજે દેશમાં પોતાનું અસ્તિત્વ બચાવવા માટે રીતસર સંઘર્ષ કરી રહી છે. મુસીબતમાં પણ કાયમ પ્રજા વચ્ચે રહેવાની ભાવના જો દિલમાં રાખવામાં આવે તો કયારેય કોઈપણ રાજકિય પક્ષે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ઝઝુમવું પડતું નથી. હાલ દેશમાં જયારે વિશ્ર્વનું સૌથી મોટું કોરોના વેકિસનેશન અભિયાન ચાલી રહ્યું છે તેમાં સામાન્ય નાગરિકને મદદરૂપ થવા માટે ભાજપે રાજયના તમામ શહેરોમાં વોર્ડ વાઈઝ ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જની નિમણૂક કરી એક વાત સાબિત કરી દીધી છે કે, તેઓ સત્તાનો ઉપયોગ સેવા માટે કરી રહ્યા છે અને સંગઠનની અડિખમ તાકાતથી સતત પ્રજાની સેવા કરવા માટે તત્પર રહે છે જો આવી જ ભાવના કોંગ્રેસમાં કેળવાય તો કોંગ્રેસે કયારેય પોતાના અસ્તિત્વને બચાવવા માટે સંઘર્ષ કરવો ન પડે.

રાજયની અલગ-અલગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પદાધિકારીઓની નિમણૂક થઈ રહી છે. અમુક સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું નથી. લોકશાહીમાં મજબુત વિરોધ પક્ષ હોવો ખુબ જ જરૂરી છે પરંતુ પ્રજાએ એવો પ્રચંડ જનાદેશ આપ્યો છે કે કોંગ્રેસ હવે વિરોધ પક્ષને પણ લાયક રહ્યો નથી. ખરેખર આના માટે હવે કોંગ્રેસે બોટમ ટુ ટોપ ચિંતન નહીં પરંતુ ચિંતા કરવાની આવશ્યકતા છે. કારણકે ચિંતન કરવાનો સમય તો દાયકાઓ પહેલા વિતી ગયો છે જયારે સત્તા હાથમાંથી સરકતી હતી ત્યારે ચિંતન કરનાર કોંગ્રેસ માટે હવે ખરેખર પક્ષને બચાવવા માટે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે. પ્રજા એવા વ્યકિત કે પક્ષને સ્વીકારે છે કે જે મુસીબતના સમયે એક ભેરૂ બની તેની પડખે ખંભેખંભા મિલાવીને ઉભો રહી જાય. હાલ કોંગ્રેસની સ્થિતિ એક સામાન્ય ગામડાથી લઈ રાજધાની દિલ્હી સુધી એક સમાન છે. પક્ષને મજબુત કરવા માટે જો કોઈ વ્યકિત અવાજ ઉઠાવે તો તેને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. પરિણામે નેતાઓ કશું બોલવા રાજી નથી. હાલ દેશમાં કોરોના વેકિસનેશન માટેનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. લોકો કોરોનાની રસી લઈ સુરક્ષિત બને તે માટે ભાજપે ખુબ જ ગંભીરતાથી એક બીડુ ઉપાડયું છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકિય કાર્યો સાથે થઈ રહી છે અને તેમાં પણ ભાજપે આજે એક નવતર સેવા કાર્ય શરૂ કર્યું છે. જેમાં વડિલો, બિમાર લોકોે કોરોના વેકિસન લઈ સુરક્ષિત બને તે માટે વોર્ડ વાઈઝ ઈન્ચાર્જની નિમણુક કરી છે અને આ લોકો વોર્ડમાં જઈ કોરોના વેકિસન લેવા માટે લોકોને સમજાવશે જે સાબિત કરે છે કે પ્રચંડ જનાદેશ હોવા છતાં ભાજપ હંમેશા પ્રજાની વચ્ચે રહેનારી પાર્ટી તરીકેની છાપ કયારેય મીટાવવા માંગતું નથી. બીજી તરફ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ જાણે કોંગ્રેસ ભયંકર નિરાશામાં ધકેલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય નિયમ છે કે મુસીબતમાં પણ સાથે રહેનારને જનતા કયારેય વિસરતી નથી પરંતુ કોંગ્રેસ આ પાયાના સિઘ્ધાંતને વિસરી ચુકી છે જેના કારણે તેને દરેક વખતે ચુંટણીમાં ધોબી પછડાટ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.