કોરોનાથી સાજા થઈ બે વખત કર્યું પ્લાઝમા દાન
હાલમાં કોવિડ-૧૯ પાન્ડેમિક સમયે માનવીય મૂલ્યોના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જામનગર ખાતે જી.જી.હોસ્પિટલ બ્લડ બેંકમાં કોવિડ-૧૯માંથી સાજા થયા બાદ ઘણા દર્દીઓ પોતાના પ્લાઝમાનું દાન જામનગર ખાતે આવીને કરે છે અને કોવિડ-૧૯ના દર્દીઓ માટે માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. ધોરાજી ખાતેથી અત્યાર સુધીમાં ૫ વ્યક્તિઓ ડોનેશન માટે આવ્યા છે, જેમાંના ડો.દીપલ સુતરિયા, જેઓ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એમણે પોતાના કોવિડ-૧૯ થયા બાદ માતૃ સંસ્થાનું ઋણ ચૂકવવા માટે જી.જી.હોસ્પિટલ જામનગરની બ્લડ બેંકમાં પ્લાઝમાનું દાન કરવાનું પસંદ કર્યું છે. અહીં બેવાર આવીને ક્ધવલેસન્ટ પ્લાઝમાનું દાન કર્યું છે. જી.જી.હોસ્પિટલમાં અત્યાર સુધીમાં પ્લાઝમાના કુલ ૧૦૧ ડોનરે પ્લાઝમાનું દાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.