- આયોજનના અભાવે પ્રજા પાણી વીના પરેશાન
માંગરોળમાં પાણીની વિકટ સ્થિતિ વચ્ચે તાજેતરમાં મળેલી બેઠકમાં જીલ્લા કલેકટરે શહેરને મહી પરીએજનું દરરોજ 70 લાખ લીટર પાણી ઉપલબ્ધ કરાવવા પા.પુ. બોર્ડને આપેલી સુચનાની અમલવારી ન થતાં પાણીની હાડમારી યથાવત રહી છે. અનેક વિસ્તારોમાં નવ, દસ દિવસથી પાણી વિતરણ થયું નથી. પાણીની કારમી તંગી વચ્ચે લોકો 200 લીટર પાણીના એક બેરલના રૂ.80 ચૂકવી પાણી વેંચાતુ લેવા મજબૂર બન્યા છે.
શહેરને પાણી પૂરું પાડતા કુવાઓ ઉનાળે ડૂકી જતા પાણીની તીવ્ર અછત સર્જાય છે. દર વર્ષે મહી પરીએજનું પણ અનિયમિત અને અપુરતું પાણી મળતાં ગરીબ અને સાધારણ સ્થિતિ ધરાવતા લોકોની સ્થિતિ દયનીય બની છે. હાલમાં ગુરુવારે જી. કલેકટરની અધ્યક્ષતામાં ન.પા.ચીફ ઓફીસર, મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારી (કેશોદ), પાણી પુરવઠા બોર્ડના સ્થાનિક અધિકારીની ઉપસ્થિતિમાં મળેલી પાણી સંબંધિત બેઠકમાં પાણીની તંગી હળવી કરવા શહેરને દૈનિક 70 લાખ લીટર પાણી આપવા નિર્ણય કરાયો હતો. પરંતુ ત્યારબાદ પા.પુ. બોર્ડ દ્વારા છેલ્લા ચાર દિવસમાં કટકે કટકે ફક્ત 80 થી 85 લાખ લીટર પાણી અપાતા પાણીની સ્થિતિમાં કોઈ સુધારો થવા પામ્યો નથી.
પાણીની અછત માટે ચોક્કસ આયોજનનો અભાવ પણ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઓઝત વિયર ડેમમાં પુષ્કળ જળ રાશિ ઉપ્લબ્ધ હોવા છતાં યોગ્ય કેપેસીટીની લાઈન નખાયેલ ન હોવાથી પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો મળી શકતો નથી. પરિણામે પાણીની સમસ્યા વકરે છે. હાલ તો એક તરફ રાજકીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની પરસેવો પાડી રહ્યા છે તો પ્રજા પાણી માટે વલખાં મારી રહી છે. ત્યારે જી.કલેકટરના આદેશની અસરકારક અમલવારી થાય અને પાણીની સમસ્યા હળવી બને તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.