રાજકોટમાં વિદેશથી આવતા નાગરિકો પર કોર્પોરેશનની ચાંપતી નજર
21 આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા વિદેશથી આવલે નાગરિકોનું સતત એક સપ્તાહ સુધી કરવામાં આવે છે સ્ક્રીનીંગ
અબતક,રાજકોટ
વૈશ્ર્વિક મહામારી કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને વિશ્ર્વના 12 દેશમાં એન્ટ્રી કરી લેતા વિશ્ર્વભરમાં નવેસરથી હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતમાં હજી સુધી ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. દરમિયાન કેન્દ્ર તથા રાજય સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટમાં વિદેશથી આવતા નાગરીકો પર મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહ્યું છે. સતત સાત દિવસ સુધી ફોરેનથી આવેલા નાગરિકોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે. અને જરૂર પડયે ટેસ્ટીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
કોર્પોરેશનની આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટમાં વિદેશથી એક પણ ફલાઈટ ડાયરેકટ આવતી નથી. અમદાવાદ કે અન્ય શહેરોમાં વિદેશથી આવતા નાગરિકોની યાદી રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલીકાને મોકલવામાં આવે છે. જેનું એરપોર્ટ, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન પર સ્ક્રિનીંગ અને ટેસ્ટીંગ કરવામાં આવે છે.
આ ઉપરાંત ફોરેન આવતા નાગરિકો જે વિસ્તારમાં રહેતા હોયતે વિસ્તારમાં સતત એક સપ્તાહ સુધી તેના પર આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા સતત વોંચ રાખવામાં આવે છે. જો તેઓના સ્વાસ્થ્યમાં કોઈ પણ પ્રકારનો સામાન્ય અમસ્તો પણ ફેરફાર દેખાય તો તેઓનું સ્ક્રીનીંગ ટેસ્ટીંગ અને જરૂર પડે તો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના ઓમિક્રોન નામના નવા વેરિએન્ટ બાદ ભારત સરકાર દ્વારા વિદેશથી આવતા નાગરીક માટેની નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં તેઓને 14 દિવસ સુધી કવોરેન્ટાઈન રાખવામાં આવે છે ઓમીક્રોન વેરિએન્ટે વિશ્ર્વના 14 દેશોમાં પગ પેસારો કરી લેતા વિશ્ર્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતમાં આ નવા વેરિએન્ટને પ્રવેશતો રોકવા સરકાર ખૂબજ સજાગ થઈ ગઈ છે. વિદેશથી ભારત આવતા નાગરીકો પર હવે બાજ નજર રાખવામાં આવી રહી છે.