આ માણસ કોઇ સામાન્ય મજૂર કે જન્મજાત નિર્ધન નથી! એક સમયે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયેલો હાઇ-ક્વોલિફાઇડ પ્રોફેસર રાજાસિંઘ ફૂલ છે!
આજકાલ વિદેશ ભણવા જવાનો ખૂબ ક્રેઝ છે. જે માતા-પિતાના બાળકો વિદેશ ભણવા ગયેલા છે તેઓ એક વેંત ઊંચા ચાલી શકે છે!. વિદેશ ભણવા જવું કઈ ખોટું નથી પરંતુ તેની પાછળની આંધળી દોટ ખોટી છે. વિદેશભણતરના હિમાયતીઓ માટે એક ખૂબ રસપ્રદ સાચી આપવીતી અહીં ઉલ્લેખી શકાય!.
દિલ્હીની એક સવાર થોડી વારમાં ઉગુ-ઉગુ થઈ રહી છે. સૂર્યનાં આછા કિરણો હવે ધીરે-ધીરે ડામરનાં રસ્તાઓ પથરાઈ રહ્યા છે. ચાંદ સાવ ઝાંખો થઈને વિદાય લેવાની તૈયારીમાં છે. શેરી-ગલીઓમાં નોકરી-ધંધા પર જવા માટેની ચહલપહલ શરૂ થઈ ચૂકી છે. ક્યાંક ટિફિન બાંધવા માટે કૂકરમાં શાક-દાળ રંધાઈ રહ્યાની સોડમ આવે છે, તો ક્યાંક બાળકોને સ્કૂલ-બસ સુધી મૂકવા જવાની તાલાવેલી! આ બધાની વચ્ચે 76 વર્ષનો એક વ્યક્તિ એવો છે, જેને ઝટપટ તૈયાર થઈને કામ પર પહોંચી જવું છે. થોડાક મેલા-ઘેલા છતાં સુઘડ કપડાં, માથામાં શીખ લોકો પહેરે તેવી પાઘડી અને હાથમાં એક નાનકડો અરીસો લઈને તે રસ્તા પરનાં સુલભ-શૌચાલયમાં જઈને નિત્યક્રમ પતાવે છે. તેની ચાલમાં એક અલગ છટા છે, તે ગરીબ લાગતો હોવા છતાં ચહેરા પરનું સ્વાભિમાન સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
અડધો કપ ચા પીધા બાદ, અડધી-પોણી કલાક પછી તે શિવાજી સ્ટેડિયમ પાસે આવેલા એરપોર્ટ મેટ્રો સ્ટેશન પાસે પોતાનો ધંધો પાથરીને બેસી જાય છે. સાતેક વાગ્યા હશે. એ જ્યાં બેઠો છે ત્યાં નજીકમાં જ એક વિઝા-સેન્ટર છે. લોકોની અવર-જવર વધવા માંડી છે. વિદેશી યાત્રાળુઓ પણ આમાં સામેલ છે. આ ભાઈ વિઝા-એપ્લિકેશન માટેનાં ફોર્મ ભરી આપવાનું કામ કરે છે. વળતરરૂપે, વિઝા-એપ્લિકેન્ટ તેને પાંચ-સાત રૂપિયા આપીને રવાના થઈ જાય છે. મહત્વની વાત એ છે કે આખું ફોર્મ અંગ્રેજીમાં છે!! દિવસ દરમિયાન પંદર-વીસ લોકોનાં ફોર્મ ભર્યા બાદ 100-150 રૂપિયા સાથે તે પોતાનાં ઘેર જવાની તૈયારી છે. ઘર એટલે કાંઈ છતવાળું પાક્કું મકાન નહીં! દિલ્હી રેલ્વે-સ્ટેશનની સાવ જર્જરિત પાળી. જ્યાં તે એક ફાટલી-તૂટલી ચાદર પાથરીને, ટ્રેનોનાં શોરબકોર વચ્ચે થોડો-ઘણો આરામ ફરમાવવાનો પ્રયાસ કરે છે!
ગરીબની દિનચર્યા પર આટલુ બધું ફોકસ કરવાનું કોઇ ખાસ કારણ? હા, બેશક બહુ મોટું કારણ છે. આ માણસ કોઇ સામાન્ય મજૂર કે જન્મજાત નિર્ધન નથી! એક સમયે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયેલો હાઇ-ક્વોલિફાઇડ પ્રોફેસર રાજાસિંઘ ફુલ છે! ચાર દાયકાથી તે એકધારી આ પ્રકારની જિંદગી જીવી રહ્યો છે. દિલ્હીનાં જ એક રહેવાસી અવિનાશ સિંહે પોતાનાં ફેસબુક અકાઉન્ટ પર તેમની આપવીતી પોસ્ટ કરી. ધડાધડ લોકોએ તેને શેર કરી અને ગણતરીનાં કલાકોની અંદર તો તે વાઇરલ પણ થઈ ગઈ. રાજાસિંઘ ફુલનાં ભૂતકાળ પર નજર ફેરવીએ. શા માટે તેમનાં જીવનમાં આવી પડેલી આપદા વખતે મોંઘુદાટ વિદેશી શિક્ષણ પણ કામ ન આવ્યું!?
1964ની સાલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ રાજાસિંઘનાં ભાઈએ તેમને ભારત પાછા આવી જવા માટે ઘણો આગ્રહ કર્યો. રાજાસિંઘને લંડનમાં પોતાનું ભવિષ્ય ઘણું ઉજળું દેખાઈ રહ્યું હતું, આમ છતાં ભાઈની વાતને શિરમોર ગણતાં તેઓ સ્વદેશ પરત ફરી ગયા. ભાઈ સાથે મળીને તેમણે અહીંયા બિઝનેસ ચાલુ કર્યો. રાજાસિંઘ પોતે ખૂબ મહેનતુ માણસ પરંતુ તેમનો ભાઈ એક નંબરનો દારૂડિયો! આખો દિવસ ઘરમાં બેસી બોટલો ઢીંચ્યા રાખે. બિઝનેસનો સમગ્ર કાર્યભાર રાજાસિંઘનાં ખભા પર જ હતો!
ધીરે-ધીરે ધંધામાં ખોટ આવવાની શરૂ થઈ. ભાઈએ પણ હવે સાથ આપવાનું બંધ કરી દીધું. તેમ છતાં રાજાસિંઘે હિંમત હાર્યા વગર બિઝનેસને ટકાવી રાખવાની તમામ કોશિશો કરી. પત્નીનાં મૃત્યુ બાદ તેઓ અંદરથી તૂટી ચૂક્યા હતાં. બે પુત્રોનાં ભણતર અને ભવિષ્યની જવાબદારી પણ તેમનાં ખભા પર હતી. જેમ-તેમ કરીને તેમણે મરણ-પૂંજી એકઠી કરી બંને બાળકોને લંડન અને અમેરિકા ભણવા માટે મોકલી આપ્યા. કરમની કઠણાઈ જુઓ!! જે પિતાએ પુત્રોની ઉજ્જવળ કારકિર્દી માટે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું એ જ સંતાનો ઉચ્ચકોટિનાં નગુણા અને નપાવટ નીકળ્યા! બંનેએ વિદેશમાં ભણી-ગણી, નોકરી મેળવી ત્યાંની છોકરીઓ સાથે લગ્ન કરી લીધા. તેમણે રાજાસિંઘને ફોન કરવાનું બંધ કરી દીધું. પિતા જીવે છે કે મરી ગયા એ જોવાની પણ તસ્દી ન લીધી!
ખરાબ સમય જાણે રાજાસિંઘની જ વાટ જોઇ રહ્યો હતો. એક પછી એક તમામ મિત્રો અને સગા-વ્હાલાઓએ તેમને તરછોડી મૂક્યા. આખરે તેમણે દિલ્હીની સડકો પર પોતાનું ઘર વસાવી લેવું પડ્યું. દરરોજ સવારે સુલભ શૌચાલયમાં નિત્યક્રમ પતાવવો પડે એવી હાલત થઈ ગઈ. ઓક્સફોર્ડનું શિક્ષણ પણ તેમને કોઇ કામ ન આવ્યું, તેમની પાસે નાનકડો સાદો મોબાઇલ ફોન આવી ગયો, પરંતુ આધારકાર્ડનાં અભાવે એકપણ મોબાઇલ કંપની તેમને સિમકાર્ડ આપવા તૈયાર નહોતી! શુધ્ધ બ્રિટિશ એક્સેન્ટમાં કડકડાટ અંગ્રેજી બોલી શકતાં રાજાસિંઘ 76 વર્ષે પણ નોકરી કરવા તૈયાર છે. આંખો નબળી પડી ગઈ છે, ચાલવામાં પણ પરેશાની થઈ રહી છે આમ છતાં તેમની ખુદારી જુઓ કે, ચાલીસ વર્ષોમાં ક્યારેય ભીખ નથી માંગી!
અવિનાશ સિંહની ફેસબુક પોસ્ટ દેશભરમાં વાઇરલ થઈ એ સાથે જ દેશભરની મીડિયા ચેનલો રાજાસિંઘને મદદ કરવા દોડી આવી. હાલ, તેમને દિલ્હીનાં વૃધ્ધાશ્રમ ગુરૂનાનક સુખશાલામાં રહેવા માટે છત અને તમામ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત; યુકે, યુએસ, દુબઇ, ઓમાન, ઓસ્ટ્રેલિયા સુધી રાજાસિંઘની કહાણી પહોંચી છે. ત્યાંથી પણ રાજાસિંઘને સહાય પૂરી પાડવા માટે ફોન-કોલ કરવામાં આવી રહ્યા છે. ઇન શોર્ટ, હવે તેમનો સુખનો સૂરજ ઉગ્યો છે. હજુય તેઓ સારી નોકરીની તલાશમાં છે!
મુખ્ય મુદ્દો છે, ભણતર! વિદેશી ભણતરનાં હિમાયતી માતા-પિતાને આવા ઉદાહરણ પરથી એટલું જ કહેવાનું કે જીવતરનાં પાઠમાં વિદેશી શિક્ષણ નહી, કોઠાસૂઝ કામ આવતી હોય છે. વડીલો કહી ગયા, ભણતર કરતાં ગણતર વધુ મહત્વનું છે! ભારતમાં કેટલાય ગરીબો એવા છે, જેમણે અલગ-અલગ ક્ષેત્રોમાં ડિપ્લોમા, ડિગ્રી કે માસ્ટર કરેલું છે આમ છતાં રસ્તે રઝળીને ભીખ માંગી રહ્યા છે. એન્જીનિયર બનેલો વ્યક્તિ કોઇ સરકારી ઓફિસોમાં કારકુનની નોકરી કરતો હોય એવા દ્રશ્યો તો હવે સાવ સામાન્ય થઈ ગયા છે! શિક્ષણપ્રથામાં પ્રવેશી ચૂકેલો સડો સર્વવ્યાપી છે. ભારતમાં ભણીશું તો પાછળ રહી જઈશું અને વિદેશોમાંથી ડિગ્રી લઈશું તો માલામાલ થઈ જઈશું એવી ખોખલી માન્યતામાંથી સમાજે બહાર નીકળવાની જરૂર છે.
સ્કૂલ-કોલેજોની હાટડી ધમધમતી થઈ ગઈ છે. માતા-પિતાને પોતાની શૈક્ષણિક દુકાનનાં ગ્રાહક બનાવવા માટે નિતનવા પેંતરાઓ અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભણતરને ભાર વગરનું દેખાડનાર સંસ્થાઓની સત્યાર્થતા ચકાસ્યા વિના, તમારા બાળકનાં ભવિષ્યને જોખમમાં મૂકતાં પહેલા સો વખત વિચાર લેજો! હવેનો સમય ક્રિએટીવ લોકોનો છે. ગોખી-ગોખીને આગળ આવેલા ટટ્ટુઓ તો ભાડે મળી આવશે! વિદેશ મોકલી આપવાથી તેમનાં ભવિષ્ય તથા જીવનધોરણમાં સુધારો આવી જશે એમ માનવું મૂર્ખામી ગણાશે. ક્ષમતા શબ્દ અહીં ઘણો અગત્યનો છે, સાહેબ. કમળને ખીલવા માટે તો કાદવ જ કાફી છે, મિનરલ કે ડિસ્ટીલ્ડ વોટર નહીં..!! હ્રતિક રોશનની ફિલ્મ સુપર 30 પણ એ પ્રકારનો જ સંદેશો આપતી ગઈ!