ભરૂચમાં નવનિર્મિત કેબલ બ્રિજનું લોકાર્પણ કરશે: સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ડિનર પાર્ટીમાં રહેશે ઉપસ્થિત: કાલે સોમનાથ જશે: અમદાવાદમાં ભાજપ દ્વારા સ્વાગત તથા જાહેર અભિવાદન કરાશે
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ૮મી માર્ચના રોજ વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે દેશની અંદાજે ૬૦૦૦ મહિલા સરપંચને સંબોધનનો છે. વડા પ્રધાન બન્યા બાદ મોદી હોમ સ્ટેટ ગુજરાતની આ ૧૦મી વખત મુલાકાતે આવી રહ્યા છે. તેને લઇને ગુજરાત ભાજપમાં અનેરો ઉત્સાહ છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીએ પદભાર સંભાળ્યા બાદ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો દોર શરૂ થઇ ગયો છે. મહિલા સંમેલન સાથે નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શને જશે. તેઓ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ હાજરી આપવાના છે. ભરૂચમાં નવનિર્મિત કેબલ બ્રિજનું લોકાર્પણ કરશે અને ઓપેલ પ્લાન્ટની મુલાકાત લેશે. તેઓ માતા હીરાબાને મળવા જાય તેવી પણ શક્યતા છે. તાજેતરમાં ગુજરાત સરકાર અને ભાજપ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શનોથી ઘેરાયેલી છે.
આ સંજોગોમાં આ મામલે પણ વડા પ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ આગેવાનો વચ્ચે ચર્ચા થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. ૭મીએ રાત્રે વિજય રૂપાણીએ ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે તેમાં આ મામલે ચર્ચા થઇ શકે છે. ડિનર પાર્ટી માટે ગુજરાત સરકારના પ્રધાનો, ભાજપના ધારાસભ્યો, સાસંદો, ગુજરાત ભાજપના પદાધિકારીઓ અને વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખોને આમંત્રણ અપાયું છે.
ગુજરાત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદીના હિટ લિસ્ટમાં છે. એટલું જ નહીં સમગ્ર દુનિયામાં આતંક મચાવનાર આઈએસઆઈએસના નિશાના ઉપર પણ ગુજરાત હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સુરક્ષા એજન્સીઓની તપાસમાં થયો છે ત્યારે આવતી કાલે ૭મી માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા હોવાથી અમદાવાદ એરપોર્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. તેમ જ પોલીસ દ્વારા પણ શંકાસ્પદ લોકો ઉપર ગુપ્તરાહે નજર રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટમાંથી પોલીસે ચાર શાર્પ શૂટરોને ઝડપી લીધા હતા. તેમની તપાસમાં રાજ્યમાં સક્રિય થવાની તૈયારીઓ કરી રહી હોવાનું ખૂલ્યું હતું. દરમિયાન એટીએસની ટીમે રાજકોટથી આઈએસઆઈએસના આતંકી વસીમ રામોડિયા અને તેના ભાઈ નઈમ રામોડિયાને ઝડપી લીધા હતા.
વડાપ્રધાન મોદીનું સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે ભાજપના કાર્યકરો ભવ્ય સ્વાગત કરાશે. પીએમ સુરતથી સાંજે સાત વાગ્યા બાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. મુખ્યપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવતા જ ફરી એકવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજવાની શક્યતા ચર્ચાવા લાગી છે. તે સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ પણ સોમવારે સાંજે રાજકોટ પહોંચી ચૂક્યા છે અને ગુરુવાર સુધી તેઓ ગુજરાતમાં જ રહેશે. રાજકીય વર્તુળોમાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે રાજ્યમાં પાટીદાર, ઓબીસી, દલિત આંદોલનો ચાલી રહ્યાં છે. પ્રમાણ પણ વધ્યું છે. સમય જતાં તેમાં વધુ તીવ્રતા આવવાની સંભાવના છે ત્યારે ૧૧મી માર્ચે ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોના પરિણામો જો ભાજપની તરફેણમાં આવે તો ગુજરાતમાં તેની ઠેરઠેર જિલ્લા-તાલુકા કક્ષાએ ભવ્ય ઉજવણી કરીને તે માહોલનો રાજકીય લાભ લેવાના પ્રયાસ સ્વરૂપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાશે. વિધાનસભાનો કાર્યકાળ ૨૨મી પૂરો થાય છે.
એમ મનાય છે કે, ગુજરાતના કોઈ નેતા આ વખતે ભાજપને વિજય અપાવી શકે તેમ નથી અને એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ ગુજરાતમાં પ્રચારની બાગડોર સંભાળશે. ગુજરાત ભાજપનો ગઢ છે અને તેને જીતવા માટે ભાજપના બંને મોવડીઓ કોઈ કચાશ છોડશે નહીં. સામાજિક આંદોલનો કે આમ આદમી પાર્ટીનો પડકાર હોય, પરંતુ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્પેટ બોમ્બિંગની જેમ ગુજરાતમાં જો માત્ર ૧૫ દિવસ પણ ફરી વળે તો બાજી પલટી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ સાથે ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓ અંગે મંથન કરવામાં આવશે તેવું સમજાય છે.