ત્રણ દિવસમાં સોફટવેરની ટેકનિકલ ખામી સહિતની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી અપાઈ
રાજય સરકારે તા.૭/૫/૨૦૧૮ના રોજ ઓનલાઈન પ્લાન પાર્સીંગ પ્રક્રિયાને અમલી બનાવી હતી પરંતુ ટેકનિકલ કારણોસર બાંધકામની ઓનલાઈન મંજુરીમાં અનેક મુશ્કેલીઓનો સામનો બિલ્ડર કરી રહ્યા છે. ઓનલાઈન પરવાનગી માટેની અનેક ફાઈલો ફસાઈ ચુકી છે. ઓનલાઈન પ્લાન પાર્સીંગ સિસ્ટમ મુજબ પ્લાન પાસ થતા નથી અને ઓફલાઈન સિસ્ટમ પ્રમાણે પ્લાન સ્વિકારવામાં આવતા નથી તેઓ આક્રોશ બિલ્ડરો વ્યકત કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ બાંધકામની ઓનલાઈન મંજુરીમાં ક્ષતિઓ દુર નહીં થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની ધરપત આપી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ ઓનલાઈન પ્લાન માટેના સોફટવેરમાંથી ટેકનિકલ ક્ષતિ દુર કરવાની ધરપત આપી છે. આ મુશ્કેલી આગામી ત્રણ દિવસમાં જ દુર કરાશે તેવું જણાવાયું છે. થોડા સમય પહેલા બિલ્ડરોએ ઓનલાઈન પ્લાન પાર્સીંગ સિસ્ટમનો બહિષ્કાર કરી અસહકાર આંદોલન કરવાનો નિર્ણય લીધો હતો અને સોફટવેર કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી કરાઈ હતી જોકે સરકાર તરફથી આ મુદ્દે સમસ્યાનો ઉકેલ મુકવા લવાશે તેવી ખાતરી અપાતા સમાધાન થયું હતું.
રાજયમાં બાંધકામ પ્લાન પાસ કરવામાં સરળતા અને પારદર્શકતા રહે તે માટે ગુજરાત સરકારે ઓનલાઈન પ્લાન પાર્સિંગ પઘ્ધતિ અમલમાં મુકી હતી જોકે સોફટવેરમાં ટેકનિકલ ખામીના કારણે આ પઘ્ધતિથી બાંધકામ ઉધોગની હાલત કફોડી બની હતી. ઓનલાઈન પ્લાન પાર્સીંગ સિસ્ટમના કારણે અંદાજે ૪ હજાર જેટલા પ્રોજેકટ પ્લાન અટકી પડયા છે.