નવા થોરાળામાં ઈંડાની લારીએ નાસ્તો કરવા આવેલા યુવક સાથે બોલાચાલીમાં ઢીમઢાળી દીધું ‘તુ
રાજકોટના નવા થોરાળા મેઈન રોડ ઉપર ઈંડા ખાવા બાબતેની માથાકુટમાં ઈમરાન તાયાણી ની લોખંડના પાઈપ ઝીંકી થયેલી હત્યાના કેસમાં આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી થઈમ તથા તેના ભાઈ મોજમ થઈમ ને રાજકોટ સેશન્સ અદાલત દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ચુકાદો આપવામાં આવેલ છે.
આ બહુચર્ચીત પ્રકરણની હકીકત એવી છે કે, મોજમ હનીફભાઈ થઈમ નવા થોરાળા મેઈન રોડ ઉપર ઈંડાની લારી ચલાવતો હતો, ત્યારે ઈમરાન જુસબભાઈ તાયાણી ઈંડા ખાવા માટે આવતા નાસ્તો કરવા બાબતે મોજમ અને ઈમરાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલી જે ઉગ્રતાએ ગંભીર રૂપ લેતા મોજમે ઇમરાનનો પીછો કરી પોતાના ભાઈ અલ્તાફ ઉર્ફે છ આંગળીને ફોન કરી નવા થોરાળા મેઈનરોડ ઉપર બોલાવતા અલ્તાફ ઉર્ફે છ આંગળી કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડી લઈ હથિયારો સાથે બનાવ સ્થળે પહોંચેલ અને બન્ને ભાઈઓએ ગાડીમાંથી લોખંડના પાઈપ કાઢી ઈમરાન તાયાણીને જીવલેણ ઈજાઓ પહોંચાડી તેની નિર્મમ હત્યા કરી નાખેલ અને હત્યા કર્યા બાદ લાશને ઢસડીને પાર્ક કરેલ ટ્રકની પાછળ ફુટપાથ ઉપર અંધારામાં નાખી ત્યાંથી નાસી ગયેલ. માથાકુટનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે મોજમ હનીફભાઈ થઈમને તાત્કાલીક પકડી પાડ્યો હતો. જયારે અલ્તાફ ઉર્ફે છ આંગળી બનાવ બાદ બે વર્ષ નાસતો ફરતો રહેલ અને ત્યારબાદ પોલીસે અલ્તાફને રાજકોટ-ચોટીલા હાઈવે પરથી ફિલ્મી ઢબે પકડી લઈ ગુન્હામાં વાપરેલ હથિયાર અને ગાડી કબજે કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરતા કેસ સેશન્સ અદાલતમાં ચાલવા ઉપર આવ્યો હતો.
સમગ્ર કેસની કાર્યવાહીમાં પ્રોસિક્યુશન દ્વારા નજરે જોનાર સાહેદ, તબીબી પુરાવા તથા પોલીસ અધિકારી સહીત કુલ-3ર સાહેદોને તપાસવામાં આવ્યા હતા. જે પૈકી બનાવ સમયે ઈંડાની લારી પાસે હાજર સાહેદોની જુબાનીમાં બચાવપક્ષ દ્વારા એવો બચાવ રજુ કરવામાં આવેલ કે હત્યાની ઘટના બાદ અને 108 એમ્બ્યુલન્સ આવે તે દરમ્યાનમાં માથાકુટના નજરે જોનાર સાહેદ તથા ત્યાં હાજર અન્ય વ્યકિતઓએ મરણજનારને પરપ્રાંતીય લોકો સાથે માથાકુટ થતા તેઓ ઈમરાનને મારી ગયાની હકીકત માલુમ પડેલ તે ઉપરાંત ફરિયાદી તથા મરણજનારના પરીવારજનોની પણ બચાવપક્ષ દ્વારા કરાયેલ ઉલટતપાસમાં મરણજનારને દારૂ પીવાની ટેવ હોવાથી પરપ્રાંતીય-હિંદીભાષી વ્યકિતઓ સાથે બોલાચાલી થતા તેઓ ઈમરાનને મારીને જતા રહેલ હોવાની હકીકત રેકર્ડ ઉપર લાવવામાં આવી હતી. પોલીસ તપાસ દરમ્યાન આરોપીઓ હત્યામાં સામેલ હોવાના જે સીસીટીવી ફુટેજ કબ્જે લેવામાં આવેલ છે તે સીસીટીવી ફુટેજની વિશ્વસનીયતા શંકાસ્પદ છે અને ભારતીય પુરાવા અધિનીયમના આદેશાત્મક પ્રાવધાનો અનુસાર સીસીટીવી ફુટેજ પુરવાર કરવામાં આવેલ નથી
સમગ્ર કેસ ચાલી જતા અદાલતે પ્રોસિકયુશન ભારતીય પુરાવાના કાયદાની જોગવાઈ મુજબ કેસ સાબીત કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડેલ ઠરાવી બચાવ પક્ષ તરફે થયેલ ઉલટતપાસ તથા દલીલો ગ્રાહય રાખી બન્ને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ચુકાદો આપેલ છે. આ કામમાં બન્ને આરોપીઓ તરફે યુવા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકિયા રોકાયા હતા.