ભાડા સામે વિરોધ બાદ જન આંદોલન સમિતિની રચના: લડતના આયોજન માટે બેઠક મળી, વ્યૂહ રચના ઘડવા થઈ મહત્વની ચર્ચા-વિચારણા

જૂનાગઢના નેતાઓ અને અનેક નામી અનામી સંસ્થા, લોકોના અથાક પરિશ્રમ અને વર્ષોની પ્રતિક્ષા તથા જન આંદોલન બાદ જૂનાગઢને મળેલ રોપવે ની સુવિધા જૂનાગઢવાસીઓ માટે પણ મોંઘીદાટ કરાતા અંતે આજે ગુરુવારે સાંજના ચાર વાગ્યે જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢના રાજકીય, સામાજિક, સેવાકીય સંસ્થાઓ, જ્ઞાતિ મંડળોના અગ્રણીઓની રોપવેના ભાવ ઘટાડવા બાબતે બેઠક મળી હતી.

જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢના રાજકીય, સામાજિક, સેવાકીય સંસ્થાઓ, જ્ઞાતિ મંડળોના અગ્રણીઓની રોપવે ના ભાવ ઘટાડવા બાબતે બેઠક મળી હતી. સહકારી શ્રેત્રના અને રાજકીય અગ્રણી તથા કેળવણીકાર જેઠાભાઈ પાનેરાની અધ્યક્ષતામાં માલેલી આ બેઠકમાં  જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પૂર્વ સાંસદ નાનજીભાઈ વેકરીયા, પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ જોરા, સી.પી.એમ.ના નેતા બટુકભાઈ મકવાણા, અગ્રણી ધારાશાસ્ત્રી કે.બી. સંઘવી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, સમૂહ લગ્નના પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા, બ્રહ્મ યુવા સંગઠનના સુપ્રીમો જયદેવ જોશી, કાર્તિક ઠાકર, પૂર્વ મેયર લાખાભાઇ પરમાર, મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, અગ્રણીઓમાં ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ, જીતુભાઈ મણવર, કિશોરભાઈ હદવાની, રાજપૂત કરની સેના, એન.સી.પી. તથા આમ આદમી પાર્ટીના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ગિરનારના દર્શન કરવા આવતા લોકો માટે રોપવેનું ભાડું અન્ય રોપવે કરતા ૬ ગણું છે જે ચલાવી ના જ લેવાય, આ માટે મે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે અને આજે જ્યારે  લોકોના હિતમાં આ બેઠક મળી છે ત્યારે મારો સંપૂર્ણ ટેકો છે, હું લોકોના હિતમાં સર્વની સાથે જ હોવ છું તથા રહીશ.

આ તકે એડવોકેટ કે.બી. સંઘવીએ રોપવેના ભાડા ઘટશે નહિ તેવું મુખ્ય મંત્રીનું નિવેદન હાસ્યાસ્પદ ગણાવ્યું હતું અને રોપવેનો ભાવ ઘટાડવો અનિવાર્ય છે, અને આજની બેઠક બાદ  સરકારને નિવેદન થશે કે ગરીબ, માધ્યમ વર્ગના લોકોના હિતમાં ટિકિટ દર ઘટાડવામાં આવે તથા વૃદ્ધો, વિદ્યાર્થી માટે રાહત આપવામાં આવે, જ્યારે  સમૂહ લગ્નના પ્રણેતા વઘાસિયા

ગીરનાર આસ્થાનું કેન્દ્ર છે ત્યારે લોકોની ધાર્મિક લાગણીને અગ્રતા આપી શ્રદ્ધાળુઓ વધુ લાભ લઈ શકે તે માટે ટિકિટ દર રૂ. ૩૦૦ થી ૪૦૦ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.

બ્રહ્મ અગ્રણી અને બાર એસો.ના સેક્રેટરી જયદેવ જોશીએ આક્રમકતાથી જણાવ્યું હતું કે, રોપવે ના ટિકિટ દર જૂનાગઢ સ્થાનિક લોકો અને બહારથી આવત  માધ્યમ વર્ગના પ્રવાઈઓ માટે આટલા તોતિંગ ના હોવા જોઈએ અને આ માટે મીટીંગો કરી સમય બગાડવા કરતાં  હાલો ગિરનાર…. કહી લડત ચાલુ કરો, બાકી મફતિયા રોપવેમાં મફતમાં જઈ આવ્યા, સામાન્ય પ્રજા કેમ જાશે?

આ તકે પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ જોરાએ જણાવ્યું હતું કે, આ લડત લાંબી ચાલશે, તેમાં રેલવેના પાટા અને રસ્તા રોકવા સહિતના કાર્યક્રમો આપી, મક્કમતાથી લડવું પડશે, અને મુખ્યમંત્રીને રેલો આવશે તો જ ટિકિટ દર ઘટાશે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જૂનાગઢ રોંપવે એ જૂનાગઢના અનેક નામી અનામી લોકોનું ૫૦ વર્ષનું યોગદાન છે, એના માટે અનેક લડત થઈ છે, ત્યારે સામાન્ય લોકોને પરવડે તેવા ટિકિટના દર કરાવવા મકામતાથી લડવું પડશે, અને મારું જૂનાગઢ, આપણું જૂનાગઢ માટે મરતે દમ તક લડાઈ કરવી પડશે, અને તેમાં અને જૂનાગઢના લોકોના હિતમાં સાથે છીએ.

જૂનાગઢના મહિલા કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જૂનાગઢની પ્રજાએ આપણને ચૂંટાયા છે ત્યારે પ્રજાના હિતમાં ભાજપના ૫૫ કોર્પોરેટર રાજીનામા આપે તેવી માંગ કરી, રોપવેના ભાવ ઘટાડવા ગાંધીનગર સુધી જવું પડશે તો મહિલાઓને લઇને અમે આવીશું તેવો સૂર વ્યક્ત કર્યો હતો.

અધ્યક્ષ સ્થાને થી જેઠાભાઈ પાનેરાએ આ લડત લોકશાહી રીતે, અને તમામ ટેકનિકલ બાબતનો અભ્યાસ કરીને, લડાશે, આ માટે કમિટી બનાવી રોપવેના ટિકિટ દર ઘટે તે માટે સરકારમાં પણ રજૂઆતો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અંતમાં સી.પી.એમ.ના નેતા અને આ બેઠક માટે જેનું વિશેષ યોગદાન હતું તે બટુકભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે, રોપવેના વધુ ટિકિટ ભાડા સામે આજની મિટિંગ એ લડતની શરૂઆત છે, જીત નિશ્ચિત છે, જે લડાઈ કરવી પડશે તે કરીશું, અને આગામી દિવસોમાં સંતો, મહંતો, સર્વે આગેવાનોને સાથે રાખી એક કમિટી બનાવી, જરૂર પડ્યે જૂનાગઢ બંધ, રસ્તા રોકો, સહિતના કાર્યક્રમો પણ આપી રોપવેના ટિકિટ દર ઘટાડવીને જ જંપીશું.

વિરોધ વચ્ચે સ્થાનિક પ્રવાસીઓને રાહત: ૧૫ દિવસ ડીસ્કાઉન્ટની સ્કીમ લંબાવાય

જૂનાગઢના ગીરનાર  રોપ-વે શરૂ થયાની સાથે જ પ્રવાસીઓ અને જૂનાગઢના સ્થાનિક લોકોમાં ઉઠેલા ભયંકર વિરોધ અને ગઈકાલે જ્યારે રોપવેં ના ટિકિટ દર ઘટાડવા અને વિરોધ કાર્યક્રમ ઘડવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જ ઉષા બ્રેકો કંપની દ્વારા વધુ એક જાહેરાત કરવામાં આવી છે, અને તા. ૨૯ ઓકટોબરથી ૧૫ નવેમ્બર સુધી જૂનાગઢના સ્થાનિક લોકોને  જીએસટી સાથે ૫૯૦ રૂપિયા અને બાળકો માટે જીએસટી સાથે ૨૯૫ રૂપિયા ભાડુ લેવામાં આવશે તેવી અગાઉ જાહેરાત કરાયા બાદ હવે સ્થાનિક લોકો માટે ૧૫ નવેમ્બરના બદલે આ લાભ ૩૦ નવેમ્બર સુધી ચાલુ રહેશે તેવી સત્તાવાર જાહેરાત કરી છેે.ગઈકાલે ઉષા બ્રેકો કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અપૂર્વ  જાવરની એક અખબારી યાદીમાં તા. ૩૦ નવેમ્બર સુધી જૂનાગઢવાસીઓ માટેના ભાવમાં એક ખાસ ઓફર કરવામાં આવી છે આ ઓફર મુજબ ગિરનાર રોપ વેનું આવન જાવનનું ભાડું રૂપિયા ૫૦૦ અને બાળકો માટે રૂપિયા ૨૫૦ નક્કી કરાયા છે જોકે તેમાં ૧૮% ટેક્ષ પ્રવાસીઓએ ચૂકવવાનો રહેશે જેથી આ ટિકિટના ભાવ હાલમાં જૂનાગઢવાસીઓ માટે રૂ. ૫૯૦ તથા બાળકો માટે રૂ. ૨૯૫ થવા જશે.

જૂનાગઢવાસીઓએ આપેલ સહયોગની કદર કરીને અંબાજી સુધી જતા વિશ્વના સૌથી લાંબા આ રોપવે  માટે ઉષા બ્રેકો લીમીટેડ તેમના માટે વિશેષ ઓફરની જાહેરાત કરી રહી છે, તથા જૂનાગઢવાસીઓને આ ઓફરનો લાભ લેવા જૂનાગઢનું સરનામું ધરાવતું આધાર કાર્ડ રજુ કરવાનું રહેશે, પરિવાર કે ગ્રુપ સભ્યો સાથે પ્રવાસ કરતા ઇચ્છતા દરેક સભ્યએ જૂનાગઢનું સરનામું ધરાવતું આધાર કાર્ડ ફરજીયાત રજૂ કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.