- ભકિતનગર સર્કલ, ઉમિયાજી સર્કલ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, શિતલ પાર્ક સહિતના સર્કલોની સાઇટ ટુંકાવવામાં આવે તો વાહન ચાલકોને માથાના દુ:ખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી મળી શકે છે મુકિત
શહેરમાં વિકરાળ બની ગયેલી ટ્રાફીકની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ રાજમાર્ગો પર હાથી કદા સર્કલોને ટુંકાવવામાં આવ્યા છે. જેનાથી દિવસ દરમિયાન જે ચોકમાં સતત ટ્રાફીક જામની સમસ્યા સર્જાતી હતી. તેમાં ઘણી રાહત મળી છે. આ ઝુંબેશ સતત ચાલુ રાખવાની આવશ્યકતા છે. ભકિતનગર સર્કલ, એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ ચોક, નાણાવટી ચોક, શિતલ પાર્ક, 1પ0 ફુટ રીંગ રોડ પર ઉમીયાજી સર્કલના એકાદ ડઝ સર્કલોની સાઇઝમાં ઘટાડો કરવાની તાતી આવશ્યકતા છે.
રાજકોટની વસતી અને વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે. વાહનોનુ વેંચાણ પણ વધી રહ્યું છે. સ્માર્ટ સિટીના રાજમાર્ગો હવે ટુંકા પડવા લાગ્યા છે. જેના કારણે શહેરના એવા અનેક રોડ છે જયાંથી આખા દિવસમાં ગમે ત્યારે નીકળો ટ્રાફીક જામ જ જોવા મળે છે. એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે તાજેતરમાં કોર્પોરેશન દ્વારા શહેર ના 1પ0 ફુટ રિંગ રોડ પર રૈયા ટેલીફોનીક એકસચેન્જ, કાલાવડ રોડ કોટેચા ચોક સર્કલ, 80 ફુટ રોડ પર સોરઠીયા વાડી સર્કલ રેસકોર્સ રીંગ રોડ પર જીલ્લા પંચાયત ચોક સર્કલ સહીતના હાથી કદા સર્કલની સાઇઝ ટુંકાવી નાખવામાં આવી છે. રૈયા ટેલીફોન એકસચેન્જ અને કોટેચા ચોક સર્કલનું નાનુે કરવામાં આવતા ટ્રાફીક જામની સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. જો સર્કલોની સાઇઝ ઘટાડવાથી ટ્રાફીકની સમસ્યામાંથી વાહન ચાલકોને જો છુટકારો મળતો હોય તો ખરેખર આ કામગીરી કોર્પોરેશને સતત ચાલુ રાખવી જોઇએ.
એજન્સીઓના સર્વના આધારે સર્કલ ટુંકા કરાવવાની કામગીરી હાથ ધરવાના બદલે કોર્પોરેશને પોતાની ઇજનેરોની પણ બુઘ્ધીનો ઉપયોગ કરવો જોઇએ. સામાન્ય વ્યકિતને પણ એ વાતનો ખ્યાલ આવી જાય છે કે જો આ સર્કલની સાઇઝમાં ફેરફાર કરવામાં આવે ટ્રાફીક જામની સમસ્યા હલ થઇ શકે છે. આ સામાન્ય કામ માટે પણ કોર્પોરેશન લાખો રૂપિયા ખર્ચી સર્વે કરાવે છે. અને સર્વે રિપોર્ટના આધારે કામગીરી હાથ ધરે છે. શહેરના 80 ફુટ રોડ પર આવેલું ભકિતનગર સર્કલ ઉપરાંત એસ્ટ્રોન ચોકનું સર્કલ, મહિલા કોલેજ અન્ડર બ્રીજનું સર્કલ, 150 ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોક, શિતલ પાર્ક સર્કલ, ઉમીયાજી સર્કલ સહીતના સર્કલોની સાઇઝ ટુંકાવવાની આવશ્યકતા છે.
અનેકના અનેક રાજ માગોન પહોળા કરવા લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી છે. છતાં આજ સુધી કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. એલઓપીની અમલવારી પણ તાત્કાલીક અસરથી કરવાની આવશ્યકતા છે. નિયમોનો ભંગ કરવો જાણે રાજકોટના વાહન ચાલકો માટે બાળ રમત હોય તે રીતે સિગ્નલો પર રેડ લાઇટ હોવા છતાં બિન્દાસ પોતાનું વાહન લઇ નીકળી જાય છે. અન્ય વાહન ચાલકો આસાનીથી પસાર થઇ શકે તે માટે હંમેશા સિગ્નલોની ડાબી સાઇડનો રસ્તો ખુલ્લોવો રાખવો જોઇએ પરંતુ રાજકોટમાં આ નિયમ માત્ર કાગળ પર જ ચાલી રહ્યો છે. ટ્રાફીક પોલીસ દ્વારા સિગ્નલો પર ડાબી સાઇડનો રસ્તો ખુલ્લો રહે તે માટે પ્લાસ્ટીકના એન્ગલ લગાવવામાં આવ્યા હતા. પરંતુ વાહન ચાલકોએ તેનો પણ કચ્ચધાણ વાળી દીધો છે.
કેવી રીતે વાહન ચલાવવું તેની સેન્સ વાહન ચાલકોને આવી જાય તો 50 ટકા ટ્રાફીકની સમસ્યા આપો આપ ઉકેલાય જાય તેમ છે.