તમારા વાળ શું દર્શાવે છે ?
વાળની કાળજી અને સ્ટાઈલ વ્યક્તિ વિષે જણાવે છે. વાળને કાપવામાં, વધારવામાં, સીધા કરવામાં, વાંકડિયા કરવામાં અને રંગવામાં આવે છે. ફેશન, ધાર્મિક માન્યતાઓ અને સામાજિક કે રાજકીય વિચારોને લક્ષમાં લઈને જુદી જુદી રીતે વાળની સ્ટાઈલ કરવામાં આવે છે. તમારા વાળને બારીકાઈથી તપાસો. એ તમારા વિષે શું જણાવે છે? તંદુરસ્ત વાળ મનગમતી સ્ટાઈલ કરનાર માટે શોભા છે અને બીજાઓ એની પ્રશંસા કરે છે.
વાળ શાના બનેલા હોય છે ?
વાળમાં કેરોટીન નામનું રેસામય પ્રોટીન રહેલું છે. દરેક વાળ માથાની ચામડીમાં રહેલા નાનાં નાનાં છિદ્રોમાંથી ઊગે છે, જેને પુટિકા કહેવાય છે. દરેક પુટિકાની નીચે અંકુર હોય છે, જ્યાં સહેલાઈથી લોહી પહોંચી શકે છે. અંકુર વાળના કોશો ઉત્પન્ન કરે છે, જે કોશો પુટિકામાંથી પસાર થાય છે અને કઠણ બનીને વાળ બને છે.
લોકો કહે છે કે વાળ વ્યક્તિની તંદુરસ્તીનો અરીસો છે, શું તમે એની નોંધ લીધી ?
માથાની ચામડી નીચે, લોહી વાળને પોષણ આપે છે. તેથી, તંદુરસ્ત વાળથી ખબર પડે છે કે ત્યાં લોહીનો પૂરતો પુરવઠો પહોંચે છે. તેમ છતાં, ઓછું ખાનારાઓ કે વધુ પડતા આલ્કોહોલયુક્ત પીણાં પીનારાઓના વાળ નબળા અને બરછટ હોય છે, કેમ કે લોહીનું યોગ્ય પરિભ્રમણ થતું ન હોવાથી તેઓના માથામાં યોગ્ય રીતે પોષણ મળતું નથી. વાળ ખરવા કે નબળા વાળ માંદગી કે ગર્ભાવસ્થાની પ્રથમ નિશાની પણ હોય શકે.
વાળ સજાવટ કરનાર પાસે જતા પહેલાં વ્યક્તિએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?
તમે તમારી વાળની સ્ટાઈલ બદલવા માંગતા હોવ તો, તમે જેવી સ્ટાઈલ કરાવવા ઇચ્છતા હોવ એનો ફોટો અને શક્ય હોય તો ન કરવા ઇચ્છતા હોય એનો પણ ફોટો લઈ જાવ. વાળની કેવી સ્ટાઈલ કરાવવા માંગો છો અને દરરોજ વાળની કાળજી પાછળ તમે કેટલો સમય ખર્ચવા ચાહો છો એ સ્પષ્ટ જણાવો, કેમ કે કેટલીક સ્ટાઈલને બીજી સ્ટાઈલ કરતાં વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે. યાદ રાખો કે વાળ સજાવટ કરનારને, તમારા વાળ કેવા પ્રકારના છે એ ઓળખતા અને તમે કેવા પ્રકારની સ્ટાઈલ ઇચ્છો છો એ સમજતા બેથી ત્રણ મુલાકાત જેટલી વાર લાગે છે. તેથી, તમે જેની પાસે હેરસ્ટાઈલ કરાવો છો તેને જલદી જ બદલી ન નાખો!
ઘણા લોકોનું માનવું છે કે વાળને કાપવાથી એ ઝડપથી વધે છે. શું એ સાચું છે?
કેટલાક લોકો એવું માને છે કે ઝાડની ડાળીને થડ દ્વારા પોષણ મળે છે એ રીતે, વાળને પણ શરીર દ્વારા પોષણ મળે છે. પરંતુ વાળ એક વખત માથાની ત્વચામાંથી ઊગ્યા પછી, એ મૃત કોશિકાઓ જ છે. તેથી, વાળ કાપવાથી એનો જથ્થો વધતો નથી.
શા માટે વાળ સફેદ થાય છે ?
વાળના અંદરના ભાગમાં રંજકદ્રવ્યો નામનું દ્રવ્ય રહેલું છે જેનાથી વાળમાં રંગ આવે છે. રંજકદ્રવ્યો મરી જાય છે ત્યારે, વાળ સફેદ થવા લાગે છે; એ ઉંમર વધવાની પ્રક્રિયાનો પણ એક ભાગ છે. ઉંમર પહેલાં જ નાની વયે વાળ સફેદ થવા લાગે તો, એનું કારણ આનુવંશિકતા કે માંદગી હોય શકે. તેમ છતાં, એ ખોટી માન્યતા છે કે વાળ રાતોરાત સફેદ થઈ જશે. માથાની ચામડીની આંતરત્વચામાં રંજકદ્રવ્યો આવેલા હોય છે. તેથી, સફેદ વાળને (એક મહિનામાં લગભગ ૧.૨૫ સેન્ટિમીટર) વધતા અને માથામાં દેખાતા સમય લાગે છે.
વાળ ખરવાનાં કયાં કારણો છે ?
વાળ ખરવા એ વાળનો કુદરતી ક્રમ છે. સરેરાશ, દરરોજ દરેક વ્યક્તિના ૫૦થી ૮૦ વાળ ખરે એ સામાન્ય છે. પરંતુ પુરુષોની ટાલ, વારસાગત અને હોર્મોનની અસમતુલાને કારણે હોય છે, જેનાથી કાયમ માટે ટાલ પડી જાય છે. અસામાન્ય રીતે વાળ ઊતરી જાય એને એલોપેસીયા કહેવાય છે
વાળ અને માથામાં કઈ રીતે શેમ્પૂ લગાવવું
જે લોકોને વાળ કે માથાની ત્વચા કોરી પડી જવાની ફરિયાદ હોય છે તેઓ વારંવાર માથાને શેમ્પૂથી ધોતા હોય છે. તમારા માથાનું તેલ, કચરો અને ત્વચાના રજકણોને આકર્ષે છે અને એ કચરો તેલને માથાની અંદરના છિદ્રોમાં ઉતરતું રોકી શકે છે. તેથી, નિયમિત રીતે શેમ્પૂ કરવું જરૂરી છે. પરંતુ આ કુદરતી તેલ તમારી ત્વચાને નુકશાન કરનાર બેક્ટેરિયાથી પણ રક્ષણ કરે છે અને જરૂરી ભેજ જાળવી રાખે છે. તેથી, વારંવાર શેમ્પૂથી માથું ધોવાથી, તમારા માથામાં રહેલું આ રક્ષણાત્મક પડ નાશ પામે છે અને માથું કોરું પડી જાય છે. મોટા ભાગના તજજ્ઞોએ એ ભલામણ કરી છે કે વાળ ખૂબ ગંદા થઈ જાય ત્યારે જ શેમ્પૂથી ધોવા જોઈએ. તૈલી વાળ ધરાવનાર લોકોએ, સામાન્ય કે કોરા વાળ ધરાવનાર લોકો કરતાં વધુ વખત શેમ્પૂથી માથું ધોવું જોઈએ.
શેમ્પૂ કરતી વખતે તમારા માથામાં બરાબર માલિશ કરો. એનાથી માથાની ત્વચામાં રહેલા મૃત કોશો નીકળી જાય છે અને લોહીનું યોગ્ય પરિભ્રમણ થાય છે, જેનાથી વાળને પોષણ મળે છે. માથું સારી રીતે ધુઓ! હાથને સાબુ લગાડ્યા પછી બરાબર ન ધોવાથી હાથની ત્વચા સૂકી અને બરછટ થઈ જાય છે.
કોરી પડી ગયેલી માથાની ત્વચાનો ઇલાજ શું છે?
ભરપૂર પાણી પીઓ અને પોષણયુક્ત ખોરાક ખાઓ. એનાથી તમારી ત્વચા પાણીથી ભરાઈ જાય છે અને લોહીનો પુરવઠો વધારે છે. ઓછું તીવ્ર હોય એવું શેમ્પૂ વાપરો અને તમારા માથામાં નિયમિત રીતે માલિશ કરો. ઘણા લોકો માથાનો આંતરિક ભેજ જળવાઈ રહે માટે કન્ડિશનર અને લોશન્સ વાપરતા હોય છે.