ધારાસભ્ય વિક્રમભાઈ માડમની માગણી
ખંભાળીયા-ભાણવડ મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રાજયના મુખ્ય મંત્રીને વિસ્તૃત આવદનપત્ર પાઠવી ગુજરાતના પોલીસ વિભાગમાં પણ ગ્રેડ પે તથા અન્ય સુવિધાના લાભ આપવા તેમજ કોરોના વોરીયર્સ કર્મચારીઓને અન્ય કર્મચારીઓ જેવા વધારાના લાભ આપવા રજૂઆત કરી છે.
રાજ્યના શિક્ષિણ વિભાગના કર્મચારીઓને ગ્રેડ-પે માં સુધારા કરી લાભ આપવામાં આવ્યો છે. તેવી રીતે રાજયમાં અન્ય કર્મચારીઓમાં બંધારણીય રીતે સમાનતા જળવાય રહે તે જોવાની સરકારની જવાબદારી છે. રાજયમાં એએસઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના ગ્રેડ-પે ખૂબ ઓછા છે. તેમને યોગ્યતા પ્રમાણેના ગ્રેડ પે આપવાની માંગણી છે. તેમને વરસો જુના મળતા બથ્થામાં તાકીદે વધારો કરવાની જરૃર છે. આઠ કલાકથી વધારાની ફરજનું વળતર તથા સિઝન પ્રમાણે સુરક્ષાના સાધનો આપવાની માંગણી છે. ગુજરાત પોલીસ વિભાગમાં લોકશાહી દેશમાં યુનિયન બનાવવાનો અધિકાર આપવામાં આવે. સસ્પેન્ડ થયેલા કર્મચારીઓને ફરજ પર પરત લેવાનો સમયગાળો સુનિશ્ચિત કરવામાં આવે, ફીક્સ પગાર પ્રથા નાબુદ કરી સાતમા પગાર પંચ મુજબ પૂરા પગારનું ચૂકવણુ થાય, પીએસઆઈ અને તેમનાથી ઉપરના પોલીસ અધિકારીઓને રજાના દિવસે ફરજ બજાવી હોય તો તે દિવસનો પગાર આપવા તેમજ કોરોના મહામારીમાં ફરજ બજાવતાં કોરોના વોરીયર્સ કર્મચારીઓને અન્ય આરોગ્ય કર્મચારીઓને જે વધારાના લાભ મળે છે તેવા લાભ આપવા તેમણે માંગણી કરી છે.