સંઘના એડી. જનરલ સેક્રેટરી મહેશ દેસાણીની સરકારમાં ધારદાર રજૂઆત
કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવતા વીજ કર્મચારીઓ માટે પણ સરકાર દ્વારા વિમા કવચની જાહેરાત કરવામાં આવે તેવી અખીલ વિદ્યુત કામદાર સંઘ દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે અને આ માંગ સંતોષવા ઉર્જા મંત્રીને વિસ્તૃત રજૂઆત પણ કરવામાં આવી છે.
હાલ કોરોનાના કહેર વચ્ચે નિષ્ઠાભેર ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ, સફાઈ કામદારો, પોલીસ કર્મીઓ અને રેશનીંગની દુકાનના કર્મીઓને વિમા કવચની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પરંતુ વીજ કર્મચારીઓની આ જાહેરાતમાં ઉપેક્ષા કરવામાં આવી હોવાનું અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જણાવાયું છે. સંઘના એડિશ્નલ સેક્રેટરી જનરલ મહેશ દેસાણીએ જણાવ્યું કે, વીજ કર્મચારીઓ લોકડાઉન દરમિયાન નાગરિકોને ઘરમાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે સતત ખડેપગે રહ્યાં છે. પોતાના જીવના જોખમે સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવા કર્મચારીઓ સતત પ્રયત્નશીલ છે. તેમ છતાં તેમની કામગીરી ધ્યાને ન આવવી દુ:ખદ ગણી શકાય. માટે વીજ કર્મચારીઓ વીમાની જાહેરાત સમયે ભુલાય ગયેલા હોય હજુ પણ સમય હોવાથી વીજ કર્મચારીઓને વીમો આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી માંગ છે. અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આ મામલે સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. જો કે, સરકારે હકારાત્મક અભિગમ દાખવ્યો હોય, કર્મચારીઓ સરકારની મહત્વપૂર્ણ જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.