ઉત્તર ગુજરાત– સૌરાષ્ટ્રથી દ.ગુજરાતના દરિયાકાંઠાની ૬૦-૭૦ બેઠકો પર ફેરફાર કરવા પડે તેવી સ્થિતિ
ગુજરાત કોંગ્રેસમાં ઓબીસી એકતા મંચના પ્રવેશ બાદ બદલાયેલાં રાજકીય-સામાજિક સમીકરણોથી રાજ્યમાં ઠાકોર-કોળી સહિતના પછાત સમાજોનું પ્રભુત્વ ધરાવતી વિધાનસભાની અનેક બેઠકોના ઉમેદવારોની નવેસરથી પસંદગી કરવાની કવાયત કોંગ્રેસે હાથ ધરી છે.
સોમવારે ગાંધીનગરમાં જનાદેશ સંમેલન બાદ મંગળવારે દિલ્હીમાં મળેલી સ્ક્રિનીંગ કમિટીની બેઠકમાં ઠાકોર-કોળી સહિતના પછાત સમાજોનું વર્ચસ્વ ધરાવતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધીના દરિયા કાંઠાની અનેક બેઠકોના સંભવિત ઉમેદવારોના નામ અંગે ફેરવિચારણા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સ્ક્રિનીંગ કમિટીની બેઠક આજે પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ રાખશે.
દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન બાળ થોરાટના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ રાજ્યમાં ૫૦ ટકાથી વધુ વસતી ધરાવતા ઓબીસી સમાજ સાથે થયેલી સમજૂતિ મુજબ ઓછામાં ઓછી ૬૦થી ૭૦ બેઠકોના ઉમેદવારોમાં ફેરફાર કરવાની ફરજ પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સ્ક્રિનીંગ કમિટીએ પ્રદેશ ચૂંટણી સમિતિ સાથે પરામર્શ કર્યા બાદ જુદા જુદા સરવેના આધારે અગાઉ ૧૮૨ બેઠકોમાંથી ૧૦૦થી વધુ બેઠકોના ઉમેદવારો નક્કી કર્યા હતા પરંતુ ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓના વિધિવત્ કોંગ્રેસ પ્રવેશને પગલે અગાઉ નક્કી કરાયેલાં ઉમેદવારોને બદલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
જાણકારો કહે છે કે, કોંગ્રેસ અને એકતા મંચની સમજૂતિમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની પછાત સમાજની બહુમતી ધરાવતી અથવા રાજકીય રીતે નિર્ણાયક હોય તેવી ૩૫થી ૪૦ બેઠકના ઉમેદવારોની પસંદગીમાં અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓને વિશ્વાસમાં લઈને ઉમેદવારો નક્કી કરવામાં આવે.
સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠકો માટે કોંગ્રેસે જે ઉમેદવાર નક્કી કર્યા હતા તે પણ પછાત સમાજમાંથી જ આવતા હોવાથી હવેની કવાયત માત્ર ચહેરાઓ બદલવા પુરતી જ રહે છે.
જો કે, સમજૂતિની બેઠકોના ઉમેદવાર બદલવાને કારણે કોંગ્રેસના ખાનગી સરવે અને પ્રદેશ ચૂંટણી સમિતિએ સૂચવેલાં ઉમેદવારોનો અન્ય બેઠકો પર સમાવેશ કરવા અથવા ટિકિટ ફાળવી ન શકાય તેવી પરિસ્થિતિમાં આ દાવેદારોની નારાજગી દૂર કરવા માટે અન્ય કોઈ પદ કે હોદ્દાનું વચન આપવા અંગે પણ ચર્ચા થઈ હોવાનું જણાવતા સૂત્રો ઉમેરે છે કે, ઉમેદવારોની પસંદગી બાદ કોઈપણ બેઠક પર વિરોધના સૂર ન ઉઠે તેની પણ પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.