બપોરે અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સમાં પોતાનું સ્ટેન્ડ કિલયર કરશે
ઠાકોર સમાજના કદાવર નેતા કોંગી ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર કોંગ્રેસના હાથનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી રહ્યા હોવાની વાતે વેગ પકડયો છે. ભાજપે પણ અલ્પેશને કેબિનેટ મંત્રી બનાવવાની તમામ તૈયારીઓ કરી લીધી છે ત્યારે આજે સવારે અચાનક દિલ્હી કોંગી હાઈકમાન્ડનું તેડુ આવતા દિલ્હી પહોંચી ગયા છે. અલ્પેશને મનાવવા માટે કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી મનામણાનો દોર ચાલુ રાખ્યો છે જોકે અલ્પેશે આજે બપોરે એક પત્રકાર પરીષદ બોલાવી છે જે તે પોતાનું સ્ટેન્ડ કિલયર કરશે.
ડિસેમ્બર-૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વે ઠાકોર સમાજના કદાવર નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા હતા અને પંજાના પ્રતિક પરથી વિધાનસભાની ચુંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. લોકસભાની ચુંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવના છે
ત્યારે ઠાકોર સમાજના મતો અંક કરવા ભાજપે અલ્પેશ ઠાકોરને કેબિનેટ મંત્રી પદની ઓફર કરી છે. આજે અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યો કેશરીયા કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે ત્યારે લોકસભાની ચુંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસને ભાંગતી બચાવવા હાઈકમાન્ડે કસરત શરૂ કરી છે અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ભાજપમાં જતા અટકાવવા તાત્કાલિક દિલ્હી તેડાવ્યા છે.
આજે સવારે અલ્પેશ દિલ્હી પહોંચી ગયા છે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજશે જેમાં અલ્પેશને મનાવવા કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી મથામણ કરશે. અલ્પેશ લોકસભાની ટિકિટની પણ ઓફર કરવામાં આવે તેવું મનાય રહ્યું છે. દરમિયાન બપોરે અલ્પેશ ઠાકોર એક પત્રકાર પરીષદ બોલાવી છે. જેમાં પોતે કોંગ્રેસમાં જ રહેશે કે કેસરીયો કરશે તે અંગે પોતાનું સ્ટેન્ડ કિલયર કરશે.