દુષ્કાળના ઓછાયાને ભરી પીવા પાણી સરકારે કમર કસી
રાજયના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદના કારણે અછતની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. આ અછતની પરિસ્થિતિ સામે આયોજન ઘડી કાઢવા ગઈકાલે રજાના દિવસે પણ રાજય મંત્રી મંડળની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં દુષ્કાળ અસરગ્રસ્ત વિસ્તારનાં લોકો માટે પીવાનું પાણી, રોજગારી, પક્ષુઓ માટે ઘાસચારો અને સિંચાઈ માટે પાણી આપવા અંગેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉપરાંત રાજયમાં રવિપાક નિષ્ફળ ન જાય તે માટે નર્મદા કેનાલમાં ૧૯,૯૨૦ કયુસેક પાણી છોડવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો.
રાજય સરકારે આ બેઠકમાં લીધેલા નિર્ણયો અંગેની માહિતી આપતા રાજયના મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં ઉભી થયેલી દુષ્કાળની સ્થિતિ માટે રાજયની પાણી સરકાર સંવેદનશીલ બનીને કામ કરી રહી છે. રાજયમાં ૫૧ તાલુકાઓને પહેલા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. તેમાં ૪૫ તાલુકાઓને તાજેતરમાં ઉમેરવામાં આવ્યા છે. આ તમામ અછતગ્રસ્ત ૯૬ તાલુકાઓ ખાસ રાહત પેકેજો બનાવવામાં આવ્યા છે. આ પેકેજો હેઠળ ૧લી ડિસેમ્બરથી રાહતકાર્યોની શરૂઆત કરી દેવામાં આવશે.
આ અછતગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તેમને રોજગારી આપવા મનરેગા હેઠળ વર્ષમાં ૧૦૦ દિવસથી રોજગારી આપવાનો નિયમ છે. તેમાં સુધારો કરીને ૧૫૦ દિવસની રોજગારી આપવામાં આવશે. ઉપરાંત પશુધનને બચાવવા હાલમાં રાજય સરકાર પાસે રહેલા પાંચ કરોડ કિલો ઘાસચારા ઉપરાંત સાત કરોડ કિલો ઘાસચારાની વધારે વ્યવસ્થા કરવામાં આવશે. પશુઓને પીવાના પાણી આપવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. પશુધન માટે વધારાના ઘાસચારાની વ્યવસ્થા માટે રાજયમંત્રી વાસણભાઈ આહિરની આગેવાનીમાં એક ખાસ ટીમ સર્વે કરવા માટે પંજાબ જશે તેમ પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નર્મદા કેનાલમાં મોટર મુકીને પાણી ચોરી કરતા લોકો સામે કડક પગલા લેવાની સુચના આપી હોવાનું જણાવીને પટેલે ઉમેર્યું હતું કે, કેનાલોમાંથી પાણી ચોરી રોકવા પોલીસ જવાનો તથા સિંચાઈ વિભાગના કર્મચારીઓનો પહેરો ગોઠવવામાં આવશે. કેનાલમાંથી પાણીચોરી રોકવા આવા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાશે તેમ જણાવીને પટેલે અત્યાર સુધીમાં આવી ૩૭ પોલીસ ફરિયાદો નોંધાવામાં આવ્યાનું ઉમેર્યું હતું.
જે ખેડુતો પાસે સિંચાઈના પાણીની વ્યવસ્થા હશે પરંતુ વિજજોડાણ નહીં હોય તેમને તુરંત ખાસ કિસ્સામાં વિજ કનેકશન આપવામાં આવશે તેમ જણાવીને પટેલે અંતમાં ઉમેર્યું હતું કે, રાજયની પાણી સરકાર અછતગ્રસ્ત વિસ્તારોના નાગરિકો, ખેડુતો, ખેતી અને પશુધનને બચાવવા કટીબઘ્ધ હોવાનું જણાવીને આવા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે જરૂરી એવી તમામ કાર્યવાહીઓ કરવામાં આવશે.