અબતક, રાજકોટ

આગામી 1લી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમન દ્વારા અંદાજપત્ર રજૂ કરવામાં આવનાર છે. તે દિવસે જ રાજકોટ મહાનગર પાલિકાના વર્ષ-2022-23નું બજેટ પણ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.

બજેટમાં પાણી વેરાના દરમાં વધારો કરવા માટેની દરખાસ્ત કરાઇ તેવી શક્યતાઓ પણ હાલ નકારી શકાતી નથી. બજેટનું કદ 2400 થી 2500 કરોડની આસપાસ રહેશે. તેવું માનવામાં આવી રહ્યુ છે.

સામાન્ય રીતે મ્યુનિ.કમિશનર દ્વારા જાન્યુઆરીના અંતમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કરી દેવામાં આવતું હોય છે.

જેના પર એક સપ્તાહ સુધી સતત અભ્યાસ કરી જરૂરી સુધારા-વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી આપવામાં આવતી હોય છે. નિયમાનુસાર 20મી ફેબ્રુઆરી સુધીમાં બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી દેવાનું હોય છે. ગત વર્ષે કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી હોવાના કારણે બજેટ 15 માર્ચના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષમાં 2021-22ના બજેટનું કદ 2291 કરોડનું હતુ. આ વર્ષે બજેટનું કદ 2400 થી 2500 કરોડની આસપાસ રહે તેવું માનવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરના કારણે વહીવટી તંત્રને બજેટ તૈયાર કરવા માટે પૂરતો સમય મળ્યો નથી. હવે છેલ્લાં બે દિવસમાં બજેટને આખરી ટચ આપવાની કામગીરી ચાલી રહી છે. આવતીકાલે રવિવારની રજાના દિવસે અધિકારીઓ સતત બજેટ બનાવવાની કામગીરીમાં જોતરાયેલા રહેશે.

છેલ્લાં ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા શહેરીજનો પર વેરાનો કોઇ બોજ નાંખવામાં આવ્યો નથી. આવામાં આ વખતે બજેટમાં પાણી વેરાનો વધારો સુચવવામાં આવે તેવું નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે.

બજેટનું કદ પણ 2400 થી 2500 કરોડની આસપાસ રહે તેવી સંભાવના: પાણી વેરામાં વધારો કરવાની દરખાસ્ત કરાય તેવી શક્યતા

બીજી તરફ હાલ રાજ્યની તમામ આઠેય મહાપાલિકામાં એક માત્ર રાજકોટમાં કાર્પેટ એરિયાનો દર સૌથી નીચો છે. બજેટમાં મિલકત વેરામાં વધારો સુચવવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

બીજી તરફ ચાલુ સાલ વિધાનસભાની ચુંટણી યોજાવાની હોય આવામાં જો મ્યુનિ.કમિશનર બજેટમાં વેરો વધારો સૂચવશે તો પણ શાસકો પ્રજાની નજરમાં સારા રહેવા માટે વેરો વધારો ફગાવી દેશે.

સામાન્ય રીતે બજેટમાં મોટી-મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ 50 ટકાથી વધુ યોજનાઓ ફાઇલમાંથી બહાર આવી શકતી નથી. કોર્પોરેશનની પોતિકી કહી શકાય તેવી એકમાત્ર આવક ટેક્સની રહી છે.

ટેક્સની આવકમાંથી કર્મચારીઓનું પગાર પણ નીકળતો નથી. બજેટ સંપૂર્ણપણે ગ્રાન્ટ પર આધારિત રહે છે. જો રાજ્ય કે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ કરે તો તેની સિધી અસર બજેટ પર પડે છે. ચાલુ નાણાંકીય વર્ષનું બજેટ ભલે 2291 કરોડ રહ્યું પરંતુ રિવાઇડ્સ બજેટમાં 50 ટકાનો કાપ આવી જાય તેવી સંભાવના જણાઇ રહી છે. આ વખતે બજેટમાં મોટી-મોટી યોજનાઓ જાહેર કરવાના બદલે વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. તેવું માનવામાં આવી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.