ખાઓ લેકીન રખો હિસાબ થોડા થોડા ખાયા કરો…
અબતક, રાજકોટ
‘નશા જો શરાબ મે હોતે તો નાચતી બોટલ’, ઝુમ બરાબર ઝુમ શરાબી અને પીઓ લેકીન રખો હિસાબ થોડી થોડી પીઆ કરો જેવા શરાબના શોખીનો માટે જાણીતા ગીત છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ પીવો અને વેચવા પર પ્રતિબંધ છે તેમ છતાં દારૂના બંધાણી સુધી વિદેશી દારૂ કંઇ રીતે પહોચે છે. પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠ અને દેશી દારૂ કંઇ રીતે તૈયાર થાય છે. તે અંગેની રસપ્રદ વિગતો સામે આવી છે.
રાજયની 16 ચેક પોસ્ટ પાસ કરી ગુજરાતમાં પહોંચતો થતોે વિદેશી દારૂના કારોબારમાં અનેકના પેટ ઓહીયા કરે છે: દેશી દારૂનું પણ બેરોકટોક વેચાણ
દારૂની બદીને સામાજીક દુષણ ગણાવામાં આવે છે. દેશી અને વિદેશી દારૂનું અમુક સ્થળે છાને ખૂણે વેચાણ થાય છે તો કેટલાક વગદાર બુટલેરો પોલીસ સાથે સાંઠગાંઠ ધરાવતા છડે ચોક બેરોકટો દારૂનું વેચાણ કરે છે. ગુજરાતના પ્રવેશ દ્વાર પર ચેકીંગ માટે રાખવામાં આવેલી 16 ચેક પોસ્ટના સ્ટાફની આંખમાં ધુળ નાખીને અથવા સેટીંગ કરીને વિદેશી દારૂ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, દિવ, દમણ અને ગોવાથી ઘુસાડવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતના રમેશ પટેલ, કચ્છના ધમભા, વડોદરાના ગઢવી, સૌરાષ્ટ્રના હર્ષદ મહાજન, ફીરયો સંધી અને યાકુબ સહિતના લીસ્ટેડ બુટલેગરોને પોલીસ અવાર નવાર દારૂના ગુનામાં પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરે છે. તેમ છતાં તેઓ જેલમાંથી છુટી ફરી વિદેશી દારૂ ગુજરાતમાં લાવી વેચાણ શરૂ કરી છે. નામચીન બુટલેગરનો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવે તેના અનેક ગણો દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી દેવામાં આવતો હોય છે.
સરકાર કરોડો રૂપીયાની એકસાઇઝ ડયુટી જતી કરી દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા માટે કટ્ટીબધ છે ત્યારે પોલીસની મીઠી નજર હેઠળ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જો દારૂબંધી હટાવવામાં આવે તો પોલીસ સ્ટાફની સાઇડ ઇન્કમ બંધ થઇ જાય અને સરકારની તિજોરીમાં મોટી આવક થઇ શકે તેમ છે છતાં દારૂબંધીનો અમલ કરાવવામાં આવી ર્હ્યો છે સરકાર દ્વારા દારૂબંધીના કાયદામાં ઘણા સુધારા કરી કડક બનાવવામાં આવ્યો છે. જે ખરેખર અતિ આવશ્યક છે. દારૂબંધીના કારણે જ કેટલાક ગુના બનતા અટકે છે. અને પરિવારને બરબાદ થતો અટકાવી શકાય છે.
વર્ષે રાજયની 58 અને રાજકોટની પાંચ વાઇન શોપ પર 78.38 લાખ લિટર વિદેશી દારૂ અને 4.59 કરોડ લિટર બીયરનું વેચાણ
રૂબંધી માટે તંત્ર દ્વારા જાગૃતિ અંગેના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો ચોજવામાં આવે છે. તેમજ વ્યશન મુક્તિ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.
આમ છતાં ગુજરાતમાં દારૂનું વેચાણ થઇ રહ્યું છે તે પોલીસની મહેરબાની વિના શકય જ ન હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં બે વર્ષમાં દોઢ સો કરોડનો વિદેશી દારૂ પોલીસે પકડયો છે. આથી વધુ રકમનો વિદેશી દારૂ શરાબીઓ ઢીચી ગયા છે.
વિદેશી દારૂની સાથે સાથે દેશી દારૂનું વેચાણ પણ અનેક ગણું છે. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂનું ચલણ ઘણુ વધુ જોવા મળે છે. દેશી દારૂ બનાવવામાં ગંદા અને સડેલા ગોળમાંથી બનાવવામાં આવે છે. જેમાં ઝડપથી આથો લાવવા માટે યુરીયા ખાતર અને યુઝ થયેલા જુના પાવરમાંથી નીકળતા કાર્બનનો ઉપયોગ થતો હોવાથી દેશી દારૂનું નિયમિત સેવન કરનારમાં લીવર અને સ્વાદુપીંડની બીમારી વધુ જોવા મળે છે.
લીકર પરમીટ કંઇ રીતે મળે: આઇટી રિટર્ન કેમ જરૂરી?
રાત્રે ઉંઘ ન આવતી હોય તેવી વ્યક્તિઓને ચોક્કસ માત્રામાં દારૂનું સેવન કરવા માટે તબીબ દ્વારા સલાહ આપવામાં આવે છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવાથી આવા ખાસ કેસમાં લીકર પરમીટ આપવામાં આવે છે. લીકર પરમીટ માટે 45 વર્ષની ઉમર ધરાવતી વ્યક્તિએ બે ફોટા, છેલ્લા પાંચ વર્ષના રૂા.3 લાખથી વધુના આઇટી રિટર્ન અથવા પોતાના નામે 20 વિઘા ખેતીની જમીન હોવી જરૂરી છે. રૂા.3 લાખનો સોવન્સી દસ્તાવેજ રજુ કરવો ફરજીયાત છે. ઉમરનો આધાર, પાસપોર્ટ, સ્કૂલ લીંવીંગ અને એલઆઇસીની વિમા પોલીસીમાંથી કોઇ પણ બે દસ્તાવેજ તેમજ પાન કાર્ડ અને આધાર કાર્ડ, રહેઠાણના આધાર માટે છેલ્લું લાઇટ બીલ, ટેલિફોન બીલ, વેરા બીલ અને દસ્તાવેજમાંથી કોઇ પણ એક દસ્તાવેજ રજુ કરવો જરૂરી છે.
રાજકોટમાં થયેલા લઠ્ઠાકાંડમાં 29 વ્યક્તિએ જીવ ગુમાવ્યા’ત
રાજકોટમાં 1992માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં એક સાથે 29 વ્યક્તિઓએ જીવ ગુમાવતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. મેડિકલ સ્ટોરમાં મળતી રૂા.10ની કોલન વોટર (ઘોડા)નું સેવન કરી નશો કરવામાં આવતો હતો. ભાવનગર રોડ પર બનતી કોલન વોટરનું ખોડીયાનગર, ગણેશનગર, લાતીપ્લોટ, થોરાળા, કુબલીયાપરા અને આજી ડેમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં નશો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કોલન વોટરમાં આલ્કોલના પ્રમાણ જાળવવામાં થયેલી ખામીના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડના કારણે મોત થયા હતા. આ રીતે જ ઠેર ઠેર બનતા દેશી દારૂ પણ રાજકોટમાં ફરી લઠ્ઠાકાંડ થાય તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે.