- પ્રવાસન ઉદ્યોગને વેગ સાથે વધેલી સુવિધાઓના પગલે
- પંચકુઇ-ભડકેશ્ર્વર બીચ પર સહેલાણીઓની દરરોજ વધતી ભીડ
છેલ્લાં દોઢ દાયકામાં દ્વારકા ક્ષેત્રના ટુરીઝમમાં સતત વધારો થયો હોય દ્વારકામાં ધાર્મિક સ્થળોના વિકાસની સાથે સાથે સુવિધાસભર હોસ્પિટાલીટી અને સ્ટાન્ડર્ડ હોટલ, રેસ્ટોરાં, ગેસ્ટહાઉસ, રીસોર્ટની સુવિધાઓ પણ હવે ઉપલબ્ધ હોય દરેક કેટેગરીના સહેલાણીઓ હવે દ્વારકા પ્રવાસ પસંદ કરી રહ્યા છે. ધાર્મિક આસ્થાનું કેન્દ્ર હોય ધાર્મિક ભાવનાથી આવતાં દર્શનાર્થીઓ તો બારેમાસ આવતાં જ હોય છે. જ્યારે હાલમાં ચાલતા ઉનાળું વેકેશનમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં 40 પ્લસના તાપમાનની સાપેક્ષમાં દ્વારકા ક્ષેત્રમાં 30 પ્લસની આસપાસ ગરમીનો પારો રહેતો હોય આ વિસ્તારના શિવરાજપુર બીચ, દ્વારકામાં ભડકેશ્ર્વર બીચ, પંચકુઈ બીચ, બેટ દ્વારકા, નાગેશ્ર્વર, મોમાઈધામ બીચ જેવા દર્શનીય સ્થળો અને તીર્થ સ્થળો હોય દ્વારકાનો યાત્રા પ્રવાસ સર્વપ્રિય બની રહ્યો છે. હાલમાં ગોમતી નદીમાં બોટીંગની સુવિધા ઉપરાંત પંચકુઈ બીચ પર પાંડવકાળના પુરાતન પાંચ કુવા તેમજ લક્ષ્મીનારાયણ મંદિર પંચનદ તીર્થના પૌરાણિક મંદિરના દર્શનાર્થે તેમજ પંચકુઈ ક્ષેત્રનો આહલાદક દરીયાની મોજ માણવા પ્રવાસીઓ પંચકુઈ બીચની વીઝીટ અવશ્ય કરે છે. વળી પેરાસીલીંગ, રેતી પર ચાલતી મોટરબાઈક, ઊંટની સવારી જેવી પ્રવાસીઓને આકર્ષતી પ્રવૃત્તિઓ પંચકુઇ બીચ પર જોવા મળતી હોય વીકેન્ડ તેમજ વેકેશનના સમયગાળામાં પ્રવાસીઓની ચિક્કાર ભીડ જોવા મળે છે.
બેનમૂન સુદામા સેતુની મુલાકાતથી સહેલાણીઓ વંચિત
દ્વારકામાં ગોમતી નદી પર બનાવવામાં આવેલ ઝુલતો પુલ સુદામા પૂલ છેલ્લા એક દાયકામાં દ્વારકાધીશ જગતમંદિર બાદ દ્વારકાની આગવી ઓળખ બની ગયો છે. યાત્રાધામે આવતા દરેક દર્શનાર્થી તથા સહેલાણીઓના આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર એવા ઝુલતા પુલ સુદામા સેતુની અચૂક મુલાકાત લેતા હોય છે અને જ્યાંથી જગતમંદિર, ગોમતી નદી, સૂર્યાસ્ત, સૂર્યોદય, પંચકુઈ બીચ સહિતના બેકગ્રાઉન્ડ સાથે ફોટોગ્રાફી અને વીડીયોગ્રાફી કરી દ્વારકાની આગવી ઓળખની સેલ્ફી સંભારણા પેટે કેમેરામાં કંડારી લેતાં હોય દરરોજ આશરે પાંચ હજારથી વધુ સહેલાણીઓ આ ઝુલતા પુલની મુલાકાત લેતા હતા. જો કે ઓકટોબર ર0રર માં મોરબી દુર્ઘટના બાદ રાજ્યભરમાં અનેક ઝૂલતા પૂલને સુરક્ષા કારણોસર બંધ કરી દેવાયા બાદ આજ સુધી દ્વારકાનો આ ઝૂલતો પૂલ સહેલાણીઓ માટે ખોલાયો નથી. આશરે પોણાં બે વર્ષથી રીપેરીંગની જરૂરીયાતને કારણે બંધ કરાયેલ પુલની આજ સુધી મરમ્મત કરાઈ નથી. જેના કારણે રોજના લાખો રૂપિયાનું હુંડીયામણ રળી આપતો પુલ બંધ રહેતા આર્થિક નુકસાની પણ થઈ રહી છે. છેલ્લા દોઢ દાયકામાં દ્વારકામાં પ્રવાસન લક્ષી સુવિધામાં વધારો થયો હોય અનેક પ્રવાસનલક્ષી આકર્ષણો ઉભા કરાયા હોય જે પૈકીના પ્રમુખ આકર્ષણ એવા સુદામા સેતુ બંધ રહેવાથી દ્વારકાના પ્રવાસન ઉદ્યોગને પણ માર પડી રહ્યો છે.