જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની ક્ષમતાવારી ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જામનગરમાં કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવા કરેલા અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. 400 બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ આગામી રવિવાર સુધીમાં કાર્યરત કરી દેવામાં આવશે.
400 બેડની ક્ષમતાવારી હોસ્પિટલ શરુ થયા બાદ વધુ 600 બેડ સાથેની સંપૂર્ણ 1000 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનાવવા ત્વરાએ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકાદ સપ્તાહમાં શરૂ કરવા પૂર્ણ પ્રયાસરત છે.
હોસ્પિટલ માટે જરૂરી સાધન સામગ્રી, ઇક્વિપમેન્ટસ, આનુષાંગિક વ્યવસ્થા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરશે અને તેમાં માનવબળ પુરૂં પાડવા રાજ્ય સરકાર સહયોગ આપશે. આ હોસ્પિટલ શરૂ થયા બાદ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણની સારવાર માટે મોટી સુવિધા મળશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અંગે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતાં મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની વિપદામાં જનતા જનાર્દનની સેવામાં સરકાર સાથે રિલાયન્સ પરિવાર પણ પડખે ઊભો છે તેની ખાતરી આપી હતી.’
તેમણે મુખ્યમંત્રીની અપિલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે. મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીને એમ પણ જણાવ્યું કે, ‘આગામી રવિવાર સુધીમાં 400 બેડની ઓક્સિજન સુવિધાઓવારી હોસ્પિટલ તો જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરી દેવાશે. ત્યારબાદ વધુ 600 બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનું નિર્માણ કાર્ય ત્વરાએ હાથ ધરીને 1000 બેડની સંપૂર્ણ ક્ષમતા સાથેની હોસ્પિટલ એકાદ સપ્તાહમાં શરૂ કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણતઃ પ્રયાસરત છે.’
જામનગરમાં નિર્માણ થનારી રિલાયન્સની હોસ્પિટલ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસના નેતૃત્વમાં જિલ્લા કલેકટર, તેમજ જિલ્લા વહિવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે.