ઇઝરાયેલમાં કાર્યરત ભારતીય કંપનીઓમાં ચિંતાના વાદળો
વિશ્વની અનેક માર્કેટમાં કડાકા, ક્રૂડના ભાવમાં 3 ડોલરનો અને સોનાના ભાવમાં 1 ટકાનો વધારો : શેરોની બદલે સોનુ, બોન્ડ અને ડોલરની ખરીદદારી વધી
અંતરરાષ્ટ્રીય ન્યુઝ
ઇઝરાયેલ- હમસ યુદ્ધ લાંબુ ચાલવાના એંધાણ વર્તાઈ રહ્યા હોય ભારતની સાથે વૈશ્વિક અર્થતંત્ર પણ ડામાડોળ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. વિશ્વની અનેક માર્કેટમાં કડાકા બોલ્યા છે. ગઈકાલે ક્રૂડના ભાવમાં 3 ડોલરનો અને સોનાના ભાવમાં 1 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ શેરોની બદલે સોનુ, બોન્ડ અને ડોલરની ખરીદદારી વધી રહી છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. સોમવારે ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરે સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી ઈઝરાયલે આખી રાત ગાઝા પર હુમલો કર્યો. તેના જવાબમાં હમાસે ઈઝરાયેલ દ્વારા પકડાયેલા લગભગ 150 બંધકોને મારી નાખવાની ધમકી આપી છે.
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસે અમારા પર હુમલો કરીને ઐતિહાસિક ભૂલ કરી છે. અમે તેની એવી કિંમત ચૂકવીશું કે હમાસ અને ઇઝરાયલના અન્ય દુશ્મનોની પેઢીઓ તેને યાદ રાખશે. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે અમે યુદ્ધ ઇચ્છતા ન હતા. આ ખૂબ જ ક્રૂર રીતે અમારા પર લાદવામાં આવ્યું હતું. યુદ્ધ હમાસે શરૂ કર્યું પણ તેને ખતમ ઇઝરાયલ કરશે. ઈઝરાયલ માત્ર પોતાના લોકો માટે જ નહીં પરંતુ દરેક દેશ માટે લડી રહ્યું છે. તેમણે હમાસને ચેતવણી આપી છે. શનિવારે તેમેણે યુદ્ધ શરૂ થવાની વાત કહી હતી. બેંજામિન નેતન્યાહૂએ સોમવારે અવીવ કિરયામાં સુરક્ષાની માહિતી મેળવી હતી અને જણાવ્યું હતું કે, હમાસની વિરુદ્ધ હજુ બદલો શરૂ જ થયો છે. ચરમપંથી જ્યાં છુપાયેલા છે, ત્યાં ઈઝરાયલની સેના પહોંચશે. અમે મધ્ય પૂર્વને બદલવા જઈ રહ્યા છીએ. હમાસને ખૂબ જ ભયાનક અનુભવ થશે.
ઈઝરાયલની સેનાએ વેસ્ટ બેંકમાં સંપૂર્ણ ઘેરાબંધી કરી છે. આ વિસ્તારમાં 2.8 મિલિયનથી વધુ પેલેસ્ટાઈન લોકો રહે છે. સ્થાનિકો અનુસાર શહેરના પ્રવેશદ્વાર લોખંડના ગેટ, સિમેંટ બ્લોક અને માટીના ઢગલાથી બંધ કરવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. ઈંધણ પૂરું થઈ જતા કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી. ઈઝરાયલના રક્ષામંત્રી યોવ ગૈલેંટે જણાવ્યું કે, ઈઝરાયલ ગાઝા પર સંપૂર્ણ ઘેરાબંધી કરી રહ્યું છે. તે સ્થળો વીજળી, પાણી અને ઈંધણ નથી.
હાલ ઇઝરાયલના સમર્થનમાં અમેરિકા ઊતર્યું છે. તેવામાં હવે આ યુદ્ધની અસર વિશ્વભરના અર્થતંત્રને પડે તેવા એંધાણ મળી રહ્યા છે. વિશ્વભરની માર્કેટમાં તેની અસર વર્તાઈ રહી છે. મોટાભાગની માર્કેટ ગઈકાલે રેડઝોનમાં ગરક થઈ ગઈ હતી. બીજી તરફ ક્રૂડના ભાવમાં 3 ડોલરનો અને સોનાના ભાવમાં 1 ટકાનો વધારો નોંધાયો છે. રોકાણકારો શેરોની બદલે સોનુ, બોન્ડ અને ડોલરની ખરીદદારી તરફ વળ્યા છે.
ઇઝરાયેલમાં કાર્યરત ભારતીય કંપનીઓમાં ચિંતાના વાદળો
ઇઝરાયલમાં અનેક ભારતીય કંપનીઓ કાર્યરત છે. યુદ્ધના પગલે આ કંપનીઓ ઉપર ચિંતાના વાદળો છવાયા છે. હાલ તો તેમના વ્યવસાયો પર કોઈ તાત્કાલિક અસર થતી નથી. ત્યારે ક્રૂડ ઓઈલના ભાવ, વેપાર સમીકરણો અને કર્મચારીઓની સલામતી મુદ્દે તેઓની ચિંતા વધી છે. સન ફાર્મા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો, અદાણી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ફોર્જ અને ઈન્ફોસીસ જેવી ભારતીય કંપનીઓ ઈઝરાયેલમાં કાર્યરત છે. જો યુદ્ધ ભયાનક સ્વરૂપ લેશે તો કંપનીઓના કામકાજને સંપૂર્ણ અસર થશે તેવું જાણવા મળી રહ્યું છે.
ભારત અને ઇઝરાયલ વચ્ચે 88હજાર કરોડના દ્વિપક્ષીય વેપાર!
ભારત સરકારના અનુમાન મુજબ, એપ્રિલ 2000 થી મે 2023 દરમિયાન ભારતથી ઈઝરાયેલમાં કુલ વિદેશી સીધુ રોકાણ 383 મિલિયન ડોલર હતું. નાણાકીય વર્ષ 2022-23માં, ઇઝરાયેલમાં ભારતીય વેપારી માલની નિકાસ 7.89 બિલિયન ડોલર હતી અને ભારતમાં ઇઝરાયેલની નિકાસ 2.13 બિલિયન ડોલર હતી. વધુમાં, સેવાઓમાં દ્વિપક્ષીય વેપાર 1.1 બિલિયન ડોલર છે. ભારતમાં ઇઝરાયેલ તરફથી 300 થી વધુ રોકાણો મુખ્યત્વે હાઇ-ટેક ડોમેન, કૃષિ અને પાણી ક્ષેત્રે છે. કૃષિ અને રસાયણો જેવા પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત રિન્યુએબલ એનર્જી, વોટર ટેક્નોલોજી, હોમલેન્ડ સિક્યુરિટી અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં ઇઝરાયેલની કંપનીઓ માટે ભારતમાં પણ પસંદગી વધી રહી છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે આર્થિક, રાજકીય અને લશ્કરી ક્ષેત્રોમાં ફેલાયેલા ગાઢ સંબંધોનો સમૃદ્ધ ઇતિહાસ છે. તેમનો દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ 2022-2023માં 10.77 બિલિયન ડોલર એટલે કે 88 હજાર કરોડ સુધી વધી ગયો છે. જો કે, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ ભારતીય નિકાસકારો માટે કેટલાક પડકારો ઉભા કરે છે. ઊંચા વીમા પ્રિમીયમને કારણે ઇઝરાયેલમાં માલની શિપિંગ વધુ મોંઘી બની શકે છે.માર્કેટમાં રિકવરી : સેન્સેક્સમાં 348 પોઇન્ટનો ઉછાળો
સેન્સેક્સ 65860ની સપાટીને સ્પર્શયો, નિફટી પણ 104 પોઇન્ટ વધીને 19614ની સપાટીએ પહોંચી
શેરબજારમાં ગઈકાલની ભારે વેચવાલી બાદ આજે તેજી જોવા મળી રહી છે. ઈઝરાયેલ યુદ્ધના કારણે ગઈકાલે બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તે જ સમયે, આજે સેન્સેક્સમાં વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ 348 અંકોના વધારા સાથે 65,860 ના સ્તર પર પહોંચ્યો હતો. આ સિવાય નિફ્ટી આજે 104 પોઈન્ટના વધારા સાથે 19,614 ના સ્તર પર પહોંચી હતી.
વૈશ્વિક બજાર વિશે વાત કરીએ તો, યુએસ ફેડના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે વ્યાજ દર ઊંચા રહી શકે છે. આ સાથે ઈઝરાયેલ-હમાસ યુદ્ધે પણ મોંઘવારી અને વ્યાજ દરોની ચિંતા વધારી છે. ડાઉ જોન્સ 0.6 ટકાના વધારા સાથે જોવામાં આવી રહ્યા છે. તે જ સમયે, નાસ્ડેકમાં 0.4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય એશિયન બજારોની વાત કરીએ તો નિક્કી 2 ટકાથી વધુ વધ્યો છે. મંગળવારે શેરબજાર સકારાત્મક ખુલ્યું હતું. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે બજારના મુખ્ય સૂચકાંકો ગ્રીન ઝોનમાં છે. તે જીવાળા શેરબજારમાં મેટલ, ઓટો અને સરકારી બેંકિંગ સેક્ટરના શેરો ફોકસમાં છે. એનએસઇ પર પીએસયુ બેન્ક અને મેટલ ઈન્ડેક્સ લગભગ 1% ની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીમાં ટાટા મોટર્સ, હીરો મોટો અને અદાણી પોર્ટ્સના શેર 2 ટકા સુધી વધ્યા છે.