કૃષિ દેશમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને સરકારે દેશભરમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) મેળવી શકે છે અને સૌથી ઓછા વ્યાજ દર સાથે લોન મેળવી શકે છે. અત્યાર સુધી આ યોજનાનો લાભ માત્ર ખેડૂતોને જ મળતો હતો પરંતુ હવે ખેડૂતોની સાથે માછીમારોને પણ આ લાભ આપવા કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. જેના પગલે દીવ વનાકબારાના સાગરખેડૂઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
સંઘ પ્રદેશ દીવમાં 75 ટકા લોકો માછીમારીના વ્યસાય સાથે સંકળાયેલા છે. કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોને પણ કિસાન કાર્ડ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. દીવમાં મુખ્ય વ્યવસાય માછીમારી હોય વિવિધ વાવાઝોડા અને કોરોનાકાળ અને તેમાં પણ વધતાં જતાં ડિઝલના ભાવથી માછીમારોની કમર તુંટી ગઈ છે.
રિયાખેડુ માછીમાર પોતાના ખંત અને ખમીરથી દરિયો ખેડે છે, આજે વિવિધ વાવાઝોડા અને કોરોનાકાળ માં આર્થિક રીતે કચડાયેલા માછીમારને હુંફ અને હિંમત મળી ત્યારે સરકાર દ્વારા માછીમારોને પણ કિશન ક્રેડિટ કાર્ડ (kcc) હેઠળ લોન આપવાની જાહેરાત થતા માછીમાર ભાઈઓમાં ખુશી જોવા મળી રહી છે.
નોંધનીય છે કે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગત રવિવારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર ટૂંક સમયમાં દેશના માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) વિશે જાગૃતિ લાવવા માટે એક વિશાળ અભિયાન શરૂ કરશે. ઓડિશાના ભુવનેશ્વરમાં વિશ્વ મત્સ્યઉદ્યોગ દિવસના અવસરે સંબોધન કરતાં તેમણે કહ્યું કે ભારત સરકારે માછીમારો અને મહિલાઓને પહેલેથી જ KCCને સમર્થન આપ્યું છે. મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં વૃદ્ધિની અભૂતપૂર્વ સંભાવના છે અને કેન્દ્ર 2024-25 સુધીમાં આ ક્ષેત્રમાંથી રૂ. 1 લાખ કરોડના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યું છે.