ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા વનમંત્રીને રજુઆત
ખાંભા તાલુકામાં આવેલા વન વિભાગ હસ્તકનાં બીડમાં આસપાસનાં ગામના પશુપાલકોને તેમના પશુઓને ચરીયાણ માટે મંજુરી અપાવવા ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા વનમંત્રી ગણપતભાઈ વસાવાને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં જુદી-જુદી જગ્યાએ વન વિભાગ હસ્તકના બીડ આવેલા છે તે પૈકી મારા મત વિસ્તાર ખાંભા તાલુકામાં વન વિભાગ હસ્તકના બીડ આવેલા છે. અમરેલી જીલ્લાના ખાંભા તાલુકામાં આવેલ બીડની આજુબાજુના ગામમાં વસતા પશુપાલકોને તેઓના પશુને ચરીયાણ માટે બીડની અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. આવા પશુપાલકોનો આજીવિકાનું સાધન જ તેઓના પશુઓ હોય છે. પશુપાલકો ગાય-ભેંસ વગેરેનું દુધ વેચીને રોજીરોટી રળતા હોય છે.
રાજયમાં મોટાભાગના ગામોમાં ગૌચરની જમીનની ઘટ છે અને કેટલાય હેકટરોમાં ગૌચર પર દબાણ થયેલા છે જેના કારણે પશુપાલકોને તેઓના પશુઓ માટે ચરીયાણનો વિકલ્પ રહેતો નથી. આથી પશુપાલકો પ્રત્યે સહાનુભુતિ દાખવીને તેઓ આજીવિકા રળી શકે તે માટે વન વિભાગ હસ્તકના બીડમાં આસપાસના ગામના પશુઓને ચરીયાણ માટે મંજુરી આપવા માટે જરી કાર્યવાહી કરવા વિનંતી સહ ભલામણ છે.