ચોમાસાની સિઝન દરમિયાન રોડ-રસ્તાને થયેલી નુકશાની બાદ રાજમાર્ગોની મરામત માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણીમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 157 નગરપાલિકાઓને રૂા.100 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.

અ વર્ગની 22 પાલિકાને 1 કરોડ, બ વર્ગની 30 પાલિકાને રૂ.80 લાખ, ક વર્ગની 60 પાલિકાને રૂા.60 લાખ અને ડ વર્ગની 45 પાલિકાને રૂા.45 લાખની ફાળવણી કરાશે

દર વર્ષ ચોમાસાની સિઝન દરમિયાન રોડ-રસ્તાની મરામત માટે રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકા અને નગરપાલિકાને વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. આ વર્ષ રાજ્યની 157 નગર પાલિકાઓને 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રસ્તા કામ માટે ફાળવવામાં આવશે. જેમાં “અ” વર્ગની 22 નગરપાલિકાઓને એક કરોડ મુજબ રૂા.22 કરોડ, “બ” વર્ગની 30 નગરપાલિકાઓને રૂા.80 લાખ લેખે રૂા.24 કરોડ રૂપીયા ફાળવવામાં આવશે.

જ્યારે “ક” વર્ગની 60 નગરપાલિકાઓને પાલિકાઓને રૂા.60 લાખ મુજબ રૂા.36 કરોડ અને “ડ” વર્ગની 45 પાલિકાઓને 40 લાખ મુજબ રૂા.18 કરોડની ફાળવણી કરવામાં આવશે. આ ગ્રાન્ટનો ઉપયોગ પાલિકાઓ તુટેલા રસ્તાની મરામત અને રિસર્ફેસીંગ માટે કરી શકશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને મુખ્યમંત્રી દ્વારા બહાલી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વહિવટી મંજૂરી મળતાની સાથે ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવશે. ત્યારબાદ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. દિવાળી બાદ રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

રાજ્યની આઠ મહાનગરપાલિકાઓને પણ રસ્તાના કામ માટે કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. આગામી દિવસોમાં મહાપાલિકાઓને ગ્રાન્ટ ફાળવવા અંગે નિર્ણય લેવાશે. આવતા વર્ષ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે રોડ-રસ્તા પર પડેલા મહાકાય ખાડા “મત” ખાડા ન પાડે તે માટે રાજ્ય સરકાર સક્રિય બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.