સ્ટોમ વોટર મેનેજમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ, મલ્ટી લેવલ-મેકેનાઈઝ પાર્કિંગ માટે રૂ.૧૦૦ કરોડ, ફલાય ઓવરબ્રીજ માટે રૂ.૨૦૦ કરોડ, બીઆરટીએસ કોરીડોર માટે રૂ.૧૦૦૦ કરોડ, આધુનિક વોટર સપ્લાય નેટવર્ક માટે રૂ.૧૦૦૦ કરોડ અને સ્વાસ્થ્ય-શિક્ષણ માટે રૂ.૧૫૦ કરોડ ફાળવવા પત્ર સુપરત કર્યો
ભારત સરકારનું ૧૫મું નાણાપંચ આજે રાજકોટની મુલાકાતે આવ્યું છે. નાણાપંચની ટીમે મહાપાલિકાના અલગ-અલગ ૩ પ્રોજેકટની વિઝીટ કરી હતી. શહેરના વિકાસને વેગ મળે તે માટે રૂ.૨૯૫૦ કરોડની ફાળવણી કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે નાણાપંચના અધ્યક્ષ એન.કે.સિંઘને પત્ર સુપરત કર્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી ઝડપે વિકસતા શહેરોમાં રાજકોટ ૨૨મું સ્થાન ધરાવે છે. મહાપાલિકા પાસે ફંડ એકત્રિત કરવા માટે ખુબ જ મર્યાદિત સાધન છે ત્યારે શહેરના વિકાસને વધુ વેગ મળે તે માટે ૧૫માં નાણાપંચ સમક્ષ અલગ-અલગ પ્રોજેકટ માટે રૂ.૨૯૫૦ કરોડની ફાળવણી કરવા રજુઆત કરવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટ નર્મદાના નીર પર આધારીત રાખે છે.
શહેરને પાણીની ખુબ ઉંચી કિંમત ચુકવવી પડે છે. શહેરમાં વરસાદી પાણીના સંગ્રહ તેમજ તેના સુવ્યવસ્થિત સંચાલન માટેની કોઈ વ્યવસ્થા નથી માટે સ્ટોમ વોટર મેનેજમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડની આવશ્યકતા છે. શહેરની વસ્તી ૧૫ લાખની છે. વાહનોની સંખ્યા તેનાથી અડધી છે જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબ વિકરાળ બની છે. શહેરમાં સુવ્યવસ્થિત પાર્કિંગ માટે ૮ થી ૧૦ જગ્યાએ ઓટોમેટીક મલ્ટીલેવલ અને મેકેનાઈઝ પાર્કિંગ બનાવવા માટે આશરે ૧૦૦ કરોડની આવશ્યકતા છે.
રાજકોટ આજીવિકા અને શિક્ષણ મેળવવા માટેનું એક કેન્દ્ર બની રહ્યું છે. લોકો વિવિધ કારણોસર રાજકોટમાં ટ્રાવેલીંગ કરે છે. અમુક રસ્તાઓ જેવા કે ગ્રીનલેન્ડ ચોક, હોસ્પિટલ ચોક જેવા વિસ્તારમાં ટ્રાફિકની ખુબ જ સમસ્યા રહે છે અહીં ફલાય ઓવરબ્રીજ બનાવવા માટે રૂ.૨૦૦ કરોડની આવશ્યકતા છે.
હાલ શહેરમાં માત્ર ૧૧ કિમીનો બીઆરટીએસ રૂટ છે. પબ્લીક ટ્રાન્સપોર્ટના વપરાશના કારણે વ્યકિતગત વાહનોમાં ઘટાડો થશે જેના કારણે લાંબાગાળે પ્રદુષણ અને ટ્રાફિક નિયમનમાં પણ મોટો ફાયદો થશે. લોકોની જરૂરીયાતને ધ્યાનમાં લેતા બીઆરટીએસ રૂટ લંબાવવાની જરૂર છે.
બીઆરટીએસ કોરીડોર માટે રૂ.૧૦૦૦ કરોડની આવશ્યકતા છે. રાજકોટ ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સૌની યોજના અંતર્ગત રાજકોટને નર્મદાનું પાણી મળવા લાગ્યું છે તે આશીર્વાદરૂપ છે. શહેરભરમાં આધુનિક વોટર સપ્લાય નેટવર્ક માટે મહાપાલિકા દ્વારા પ્રાથમિક અમલવારીના ભાગરૂપે એક ઝોનમાં ડીઆઈ પાઈપલાઈનથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેકટ આગળ વધારવા માટે રૂ.૧૦૦૦ કરોડની આવશ્યકતા છે.
શહેરીજનોના શિક્ષણ અને આરોગ્યની સુિવધામાં વધારો થાય તે માટે મહાપાલિકા સતત પ્રયત્નશીલ છે. શાળાના બિલ્ડીંગ અને શારીરિક વિકાસ માટે રૂ.૧૫૦ કરોડની આવશ્યકતા છે. આમ શહેરના વિકાસ માટે રૂ.૨૯૫૦ કરોડની ફાળવણી કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે નાણાપંચના અધ્યક્ષને એક પત્ર સુપરત કર્યો છે.