• વિશ્ર્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્ર્વના સૌથી સુંદર સાત મ્યુઝિયમમાં સ્થાન પામેલું સ્મૃતિવન ભૂકંપ સ્મારક, દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેડેડ બ્રિજ દ્વારકાનો સુદર્શન સેતુ દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર
  • આજે વિશ્ર્વ પ્રવાસન દિવસ: આ વર્ષની થીમ ‘પ્રવાસન અને શાંતિ’

દુનિયાના વિવિધ દેશોમાં 27મી સપ્ટેમ્બર ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ ‘જવાબદાર તથા ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન’, ‘વૈશ્વિક સમજ કેળવવી તેમજ સંસ્કૃતિના વારસા અને વૈવિધ્યને પ્રોત્સાહન આપવાનો’ છે. સન 1980થી દર 27મી સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ-2024ના પ્રવાસન દિવસની થીમ છે “પ્રવાસન અને શાંતિ”

વડાપ્રધાનએ આ વર્ષના ફેબ્રુઆરીમાં દ્વારકા તથા બેટ દ્વારકાને જોડતા આધ્યાત્મિક સેતુ સમાન 2300 મીટર લાંબા અને રૂ.978 કરોડથી વધુના ખર્ચે કેબલ સ્ટેડેડ બ્રિજ ‘સુદર્શન સેતુ’ને જનતાને સમર્પિત કર્યો હતો. આ બ્રિજ દ્વારકા આવતા દેશ-વિદેશના સહેલાણીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે. ઉપરાંત વડાપ્રધાનએ વર્ષ 2022ના ઓગસ્ટમાં ભુજમાં 2001ના ભૂકંપના દિવંગત નાગરિકોના સ્મરણમાં વૈશ્વિક કક્ષાના ‘સ્મૃતિવન ભૂકંપ સ્મારક’નું લોકાર્પણ કર્યું હતું. યુનેસ્કો દ્વારા દર વર્ષે આર્કિટેક્ચર અને ડિઝાઈનના ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ‘પ્રિક્સ વર્સેઈલ્સ’ એવોર્ડ જાહેર કરાય છે. જે અંતર્ગત ભુજના સ્મૃતિવનને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે.

નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પ્રવાસનને વેગ આપવા બોલિવૂડના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચનને ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા હતા. બચ્ચને “કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં” કરેલી અપીલે અનેક લોકોને ગુજરાતમાં આકષ્ર્યા છે. પ્રવાસન થકી રોજગારીના સર્જન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને પોતાની ક્ષમતા મુજબ, પરિવાર સાથે નાનો-મોટો પ્રવાસ કરવા અને ‘લોકલ ફોર વોકલ’ અભિયાનને પ્રોત્સાહન માટે સ્થાનિક લોકો પાસેથી વસ્તુઓ ખરીદવા પણ અપીલ કરેલી છે.

ઉપરાંત હર્ષદ માતા મંદિર ધામના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.25 કરોડ તથા રાજ્ય સરકાર દ્વારા રૂ.7.5 કરોડની ફાળવણીની જાહેરાત કરાયેલી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પ્રવાસનના વિકાસને ઉત્તેજન આપવા ચાલુ વર્ષના બજેટમાં પ્રવાસન માટે રૂ. 2098 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. આ સાથે પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં રાજ્યમાં વિવિધ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

આજે ભારતના વાઘા બોર્ડર સીમાદર્શનની જેમ ગુજરાતનું ‘નડાબેટ સીમાદર્શન’ પ્રવાસીઓમાં ફેવરિટ બન્યું છે. તેનાથી પ્રેરાઈને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરેના વિકાસ માટે સરકારે રૂ.145 કરોડના આયોજન પૈકી રૂ.40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આ વર્ષના ફેબ્રુઆરી માસમાં, દેશમાં પહેલીવાર કચ્છના કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારથી સમુદ્રી સીમાદર્શનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. આ રીતે બોર્ડર ટૂરિઝમને પણ રાજ્યમાં વેગ અપાઈ રહ્યો છે.

જેનાથી પ્રવાસન ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારીના સર્જનની સાથે સાંસ્કૃતિક ધરોહરનું સંરક્ષણ અને વિકાસ પણ થશે.

ગુજરાત સરકાર બીચના વિકાસ પર ધ્યાન આપી રહી છે. દ્વારકા નજીક આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ રૂ. 200 કરોડના કામ પ્રગતિ હેઠળ છે. વેરાવળના સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, માંડવી-કચ્છના અસારમા બીચ, મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે પણ બજેટમાં રૂ.30 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.

ઉપરાંત અંબાજી, વાંસદા કચ્છના કોટેશ્વર વગેરે જેવા સ્થળોએ જંગલ સફારી તેમજ ઈકો ટૂરિઝમના વિકાસ માટે બજેટમાં રૂ.170 કરોડના આયોજન પૈકી રૂ.45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતા, તેમણે સ્થાપિત-શરૂ કરાવેલા વિવિધ વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્રિય નેતૃત્વમાં પ્રવાસનને વેગ આપતી વિવિધ યોજનાઓ થકી ગુજરાત આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ટૂરિઝમ’ બની રહ્યું છે.

પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ કરી હાંસલ

કચ્છમાં આવેલા ધોરડો (રણોત્સવ) ગામે વર્ષ 2023માં, સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન નો ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો ખિતાબ જીત્યો હતો. વિશ્વભરના 54 ઉત્તમ ફરવાલાયક સ્થળોમાં ધોરડોએ સ્થાન હાંસલ કર્યું છે. ઈન્ડિયા ટૂડેના સર્વે અને એવોર્ડ-2023માં કાળીયાર રાષ્ટ્રીય અભયારણ્યે ઈમર્જિંગ ડેસ્ટિનેશન એવોર્ડ (વાઇલ્ડ લાઈફ) જીત્યો છે. જ્યારે રાણીની વાવે હેરિટેજ ડેસ્ટિનેશન એવોર્ડ જીત્યો છે. આ જ સર્વે અને એવોર્ડમાં સાસણગીરે વાઇલ્ડ લાઇફ ડેસ્ટિનેશન એવોર્ડ અંકે કર્યો છે. ગુજરાત રાજ્યમાં ચાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ આવેલી છે, જે રાજ્યના સમૃદ્ધ ઐતિહાસિક વારસા અને પ્રવાસનના પ્રતીક સમાન છે. ચાંપાનેરને વર્ષ 2004માં વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરાયું હતું. એ પછી વર્ષ 2014માં પાટણ જિલ્લામાં આવેલી રાણીની વાવ, વર્ષ 2017માં અમદાવાદ શહેરને હેરિટેજ સિટી તેમજ વર્ષ 2021માં કચ્છમાં આવેલા આશરે પાંચ હજાર વર્ષ પુરાતન નગર ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરાયેલું છે. રાષ્ટ્રીય પ્રવાસનના આંકડાઓ મુજબ, વર્ષ 2022માં ગુજરાત વિદેશી પ્રવાસીઓ મામલે 12મા સ્થાને તથા સ્થાનિક પ્રવાસીઓ મુદ્દે 9મા સ્થાને રહ્યું છે. નવેમ્બર 2023 સુધીમાં અંદાજે 15 કરોડ 22 લાખ જેટલા મુસાફરોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. વર્ષ 2022માં આ આંકડો 13 કરોડ 76 લાખ જેટલો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.