નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. બજેટ 2022 ની સૌથી મોટી વાત તો એ છે કે, રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતુ આ બજેટ છે.
રાજ્યમાં ઈતિહાસનું સૌથી મોટુ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ છે. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી છે. સાથે જ રાજ્યમાં કરવેરામાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં 12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ લાગે. વર્ષ 2022-23ના અંદાજપત્રમાં 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
પાણી પુરવઠા પ્રભાગ માટે 5451 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને કહ્યુ હતું. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12, 240 કરોડની જોગવાઈ કરાઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 34, 884 કરોડની જોગવાઈ. કરાઈ છે. મિશન સ્ફુલ્સ ઓફ ઍક્સેલેન્સ યોજના હેઠળ 1188 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણમાં શિષ્યવૃત્તિ માટે 350 કરોડ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઈ કરાઈ છે.